________________
૧૧૨૮
આઠ પ્રવચનમાતા
છે. ગુરુ દસ પ્રકારની સામાચારીમાં કુશળ હોય છે. તેનું સ્વરૂપ દસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. ગુરુ પાંચ સમિતીઓને પાળે છે. ગુરુ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરે છે. પાંચ પ્રકારની સમિતિઓ અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનું સ્વરૂપ બીજી છત્રીસીમાં વર્ણવ્યું છે. ગુરુ અપ્રમત્ત હોય છે. આમ ગુરુના છત્રીસ ગુણો થાય છે. (૯૪૭-૬૪૮)
ગુરુ આઠ પ્રવચનમાતાઓનું પાલન કરે છે. તેમનું સ્વરૂપ પાક્ષિકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે –
-
‘પ્રવચન એટલે દ્વાદશાંગી એટલે બાર અંગો. જેમ માતા પુત્રને જન્મ આપે છે તેમ આઠ પ્રવચનમાતાઓ પ્રવચનને જન્મ આપે છે. માટે તેમને પ્રવચનમાતા કહેવાય છે. તે આઠ છે. તેમાં સમિતિ એટલે સારી પ્રવૃત્તિ. જવામાં જોઈને પ્રવૃત્તિ કરવી તે ઇર્યાસમિતિ. કહ્યું છે કે - ‘ઇર્યાસમિતિ એટલે રથ, ગાડું, યાન, વાહનથી ખુંદાયેલા, સૂર્યના કિરણોથી તપેલા (પ્રકાશિત થયેલા), અચિત્ત, મિશ્ર ન હોય તેવા માર્ગો ઉપર ગાડાની ધૂંસરી જેટલી ભૂમિને જોઈને જવુંઆવવું.’ બોલવામાં નિરવઘ (પાપ ન લાગે તેમ) રીતે પ્રવૃત્તિ કરવી તે ભાષાસમિતિ. કહ્યું છે કે – ‘ભાષાસમિતિ એટલે હિતકારી, પરિમિત (માપસર) અને શંકા વિનાનું બોલવું.’ એષણામાં ઉદ્ગમ વગેરે દોષોને વર્જીને સારી પ્રવૃત્તિ કરવી તે એષણાસમિતિ. કહ્યું છે કે – ‘એષણાસમિતિ એટલે ગોચરી ગયેલા મુનિએ બરાબર ઉપયોગ રાખીને નવ કોટીથી શુદ્ધ ગ્રહણ કરવું.' વસ વગેરે ઉપકરણો, માટીના વગેરે પાત્રા અને માત્રક (સાધુનું વિશેષ પ્રકારનું પાત્ર) ને લેવામૂકવામાં સારી રીતે જોઈને અને સારી રીતે પૂંજીને સારી પ્રવૃત્તિ કરવી તે આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ. વડીનીતિ, લઘુનીતિ, કફ, નાકનો મેલ, શરીરનો મેલ પરઠવવામાં સ્થંડિલશુદ્ધિ વગેરેના ક્રમે સારી પ્રવૃત્તિ કરવી તે ઉચ્ચારપ્રગ્નવણખેલસિંઘાનજલ્લપારિષ્ઠાપનિકાસમિતિ. સારા વિચારો કરવા વડે અને ખરાબ વિચારો રોકવા વડે મનનું રક્ષણ કરવું તે મનોગુપ્તિ. ખરાબ વચનને રોકવા વડે અને સારા વચન બોલવા વડે વાણીનું રક્ષણ કરવું તે વચનગુપ્તિ. કારણ વિના હાથ-પગ વગેરે અંગોને સંકોચી રાખવા અને કારણ આવે ત્યારે ઊભા રહેવા વગેરેમાં સારી પ્રવૃત્તિ કરીને કાયાનું રક્ષણ કરવું તે કાયગુપ્તિ. ’
ગુરુ ચાર દુ:ખશય્યાઓને ત્યજે છે. ગુરુ ચાર સુખશય્યાઓને પાળે છે. ચાર પ્રકારની દુઃખશય્યાઓ અને ચાર પ્રકારની સુખશય્યાઓનું સ્વરૂપ પાક્ષિકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે –
‘જેમાં સુવાય તે શય્યા. દુ:ખ આપનારી શય્યા તે દુઃખશય્યા. દ્રવ્યથી દુઃખશય્યા એટલે તેવો ખાટલો. ભાવથી દુઃખશય્યા એટલે દુષ્ટ ચિત્ત જન્ય કુસાધુતાનો સ્વભાવ. તે ચાર પ્રકારની છે - (૧) પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા, (૨) બીજા પાસેથી પૌદ્ગલિક ધન, આહાર