________________
તેત્રીસ પ્રકારની આશાતનાઓ
૧૦૪૩
પ્રવચનસારોદ્વારમાં અને તેની વૃત્તિમાં આ આશાતનાઓનું સ્વરૂપ આ રીતે બતાવ્યું
છે -
ગાથાર્થ - ટીકાર્થ - આગળ, પાછળ અને પડખે (બાજુમાં), ચાલતા, ઊભા રહેતા અને બેસતા-એ ત્રણ, આગળના ત્રણ વડે ગુણતા નવ થાય, (૧૦) પ્રથમ આચમન, (૧૧) પ્રથમ ઇરિયાવહી રૂપ આલોચના, (૧૨) સાંભળવું નહીં, (૧૩) ગુરુ પહેલા બોલવું, (૧૪) ગુરુ પહેલા બીજા પાસે ગોચરી આલોચવી, (૧૫) બીજાને પહેલા ગોચરી બતાવવી, (૧૬) ગુરુ પહેલા બીજાને આમંત્રણ આપવું, (૧૭) ભિક્ષા લાવીને ગુરુની સામે જ લઈને પૂછ્યા વગર બીજાને ઘણું ઘણું આપવું, (૧૮) અશનાદિ આહાર ઘણો ખાય, (૧૯) અપ્રતિશ્રવણ ગુરુ બોલાવે તો જવાબ ન આપવો, (૨૦) કઠોર શબ્દથી વડીલ સામે બોલવું, (૨૧) આસને બેઠા બેઠા જવાબ આપવો, (૨૨) શું કહો છો ? એમ કહી જવાબ આપવો, (૨૩) તુકારાથી ગુરુ સાથે વાત કરવી, (૨૪) ગુરુની સામે જવાબ આપવો (૨૫) ગુરુના વ્યાખ્યાનથી નારાજ થવું, (૨૬) તમને આ વાત યાદ નથી, એમ કહેવું, (૨૭) ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે આવીને શ્રોતાઓને કહે કે આ વાત હું તમને સારી રીતે કહીશ, (૨૮) વ્યાખ્યાન-સભા તોડી નાખવી, (૨૯) ગુરુએ વ્યાખ્યાન પૂરું કર્યા પછી પોતે પોતાની હોંશિયારી બતાવવા ફરી વ્યાખ્યાન કરવું, (૩૦) ગુરુના સંથારા વગેરેને પગ લગાડવો, (૩૧) સંથારા પર બેસવું, સૂવું, (૩૨) ગુરુથી ઊંચા આસને બેસવું, (૩૩) ગુરુની સમાન આસને બેસવું. (૧૨૯-૧૩૧)
ગાથાર્થ - પુરતઃ એટલે આગળ, પક્ષે એટલે પાસે, પચ્છ એટલે પાછળ - એ રીતે ગુરુની આગળ-પાસે-પાછળ નજીકમાં ચાલવાથી ત્રણ, ઊભા રહેવાથી ત્રણ અને બેસવાથી ત્રણ આશાતના-એમ આ નવ આશાતના, વિનયનો ભંગ થતો હોવાથી થાય છે. રત્નાધિક સાથે ગયેલા શિષ્યનું રત્નાધિક પહેલા આચમન કરવું. (૧૩૨-૧૩૩)
ટીકાર્થ - ૧. શિષ્ય ગુરુની આગળ વગર કારણે ચાલે તો વિનયનો ભંગ થાય માટે આશાતના લાગે. રસ્તો વગેરે બતાવવા માટે ચાલે તો દોષ ન કહેવાય.
૨. ગુરુની બંને પડખે ચાલે તો આશાતના.
૩. પાછળ પણ અતિ નજીકમાં ચાલે તો આશાતના, કેમકે શ્વાસોશ્વાસ, છીંક, કફ વગેરે પડવારૂપ દોષ લાગવાનો સંભવ છે. એટલે જેટલી ભૂમિ દૂર રહીને ચાલતા આશાતના ન થાય તેટલે દૂર રહી ચાલવું.