Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
ગણના કરી તેને ન્યાય આપવામાં આવ્યો છે. ઉદાહરણરૂપે ગૌતમ સ્વામી પૂછે છે અને પ્રભુ જવાબ આપે છે તેવી પ્રશ્નોત્તર શૈલીમાં જે જીવો જ્ઞાન પામ્યા નથી, સંયમ રહિત છે, છતાં તેમાં જે કાંઈ ગુણાત્મક મૂલ્ય છે, ત્યાંથી લઈને ક્રમશઃ ગૌતમ સ્વામી આગળ વધતા જાય અને એક પછી એક અલગ અલગ રીતે ત્યાગ ધરાવતા તે વખતના સંન્યાસીઓ કે ધર્મ ઉપાસકો કેવી કવી જાતનો ત્યાગ પાળે છે ? અને તેનું કેવું ફળ મળે છે ? એવા પ્રશ્નો પૂછે છે. ઉત્તરમાં ભગવાન જે જવાબ આપે છે તે ન્યાયોચિત છે. કોઈ પણ ત્યાગી વૃંદને ઉતારી પાડવામાં આવ્યું નથી. તેમજ તેમનું કોઈ નિંદાત્મક વર્ણન નથી. પરંતુ આ બધા ઉપાસકો સ્વર્ગમાં જન્મ લઈ ઓછે વત્તે અંશે દેવગતિ પામે છે. ત્યાગી ન હોય તેવા ગૃહસ્થ સાધકોને પણ ન્યાય આપવામાં આવ્યો છે ત્યારબાદ ઉચ્ચકોટિના ત્યાગી શ્રમણ અને ધર્મમય જીવન ગાળતા ગૃહસ્થો માટે પણ પ્રશ્નોત્તર ચાલુ રહે છે. સૌને ન્યાયોચિત યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ચરમ સ્થિતિવાળા ત્યાગી ભગવંતોને જીવન પૂર્ણ થયા પછી મોક્ષગતિ મળે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
આ વર્ણનથી એવું લાગે છે કે– 'મુક્તિ' તે સાધ્ય નથી પરંતુ સાધનાનું સહજ ફળ મુક્તિ છે. મુક્તિ માટે કોઈ જીવો તપ કરતાં નથી, પરંતુ વિશુદ્ધિકરણ અને આત્મસ્વરૂપની સાધનામાં સાધક લીન રહે છે ત્યારેજ 'મુક્તિ' થઈ જાય છે. 'મુક્તિ' ના લક્ષે કરેલી સાધના ફલાકાંક્ષીણી હોવાથી 'પરમ સાધના' બનતી નથી, પરંતુ સાધક નિષ્કામભાવે સાધનાના આનંદમાં મગ્ન બની સ્વરૂપનો ઉપભોગ કરે છે. ત્યારે અનાદિ કાળથી મૂળિયા નાંખીને પાંગરતી કર્મલતાઓ નિર્મૂળ બની જાય છે અને સહજ 'મુક્તિ' નો આનંદ પ્રાપ્ત થાય છે. અનંતકાળમાં તે સિદ્ધ સ્વરૂપે સ્થિર થઈ જાય છે.
ઉવવાઈ સૂત્રનો આ આધ્યાત્મિક વિષય ઘણોજ રસમય છે અને બધા સંપ્રદાયો સાથે સ્યાદ્વાદ શૈલીથી જે સમવાય સ્થાપિત કર્યો છે, તે જૈનદર્શનની મહાનતાને અનુરૂપ છે. એટલું જ નહી પરંતુ 'દર્શન' ની આ શૈલી ક્રિયાત્મક બની વ્યવહારમાં પરિણત થઈ ધાર્મિક સમાજને સુસ્વર બનાવે છે. પરસ્પરના વિષાક્ત વિખવાદ અને પરસ્પરના લાંછન ભરેલા આક્ષેપાત્મક વિવાદોને શાંત કરી દે છે. સ્યાદ્વાદ દર્શનના ઉત્તમ ફળો ચખાડે છે.
અહીં વિશેષ રૂપે અંબડ સંન્યાસીનું જે હૃદયગ્રાહી દષ્ટાંત ઉપસ્થિત કર્યું છે અને અંબડ સંન્યાસીના મમત્વ રહિત જીવનને જે શબ્દ દેહ આપવામાં આવ્યો છે તે
ઘણો જ શ્લાધ્ય છે. તે બાબત આપણે થોડો વિચાર કરી આ પ્રકરણ પુરું કરીશું.
AB
25