________________
માનનો ઉદય હોય છે ત્યારે ક્રોધ-માયા-લોભનો ઉદય હોતો નથી.
જ્યારે માયાનો ઉદય હોય છે ત્યારે ક્રોધ-માન-લોભનો ઉદય હોતો નથી અને જ્યારે લોભનો ઉદય હોય છે ત્યારે ક્રોધાદિ-૩નો ઉદય હોતો નથી. વળી, પહેલા-બીજા ગુણઠાણે જીવને જે કષાયનો ઉદય હોય છે તે કષાય અનંતાનુબંધી વગેરે ચારે પ્રકારે હોય છે. જેમકે, જ્યારે જીવને ક્રોધનો ઉદય હોય છે ત્યારે અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનીય ક્રોધ, પ્રત્યાખ્યાનીય ક્રોધ અને સંક્રોધ... એ ચારે ક્રોધ એકીસાથે ઉદયમાં હોય છે, તે વખતે બાકીના ૧૨ કષાયો ઉદયમાં હોતા નથી.
એ જ રીતે, ૩જા/૪થા ગુણઠાણે જીવને જે કષાયનો ઉદય હોય છે, તે કષાય અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણે પ્રકારે હોય છે. જેમકે, જ્યારે જીવને ક્રોધનો ઉદય હોય છે ત્યારે અપ્રચક્રોધ, પ્રત્યાક્રોધ, સંક્રોધ... એ ત્રણે કોઇ એકીસાથે ઉદયમાં હોય છે તે વખતે બાકીના ૧૩ કષાયો ઉદયમાં હોતા નથી. પાંચમા ગુણઠાણે જીવને જે કષાયનો ઉદય હોય, તે કષાય પ્રત્યાખ્યાનીયાદિ બે પ્રકારે હોય છે. જેમકે, જીવને જ્યારે ક્રોધનો ઉદય હોય છે ત્યારે પ્રત્યાક્રોધ અને સંક્રોધનો (બે ક્રોધનો) ઉદય એકી સાથે હોય છે. તે વખતે બાકીના-૧૪ કષાયો ઉદયમાં હોતા નથી. ૬ થી ૯ ગુણઠાણા સુધી એક જીવને એકસમયે સંક્રોધાદિ-૪ માંથી કોઈપણ એક જ કષાયનો ઉદય હોય છે. તે વખતે બાકીના ૧૫ કષાયો ઉદયમાં હોતા નથી.
હાસ્ય-રતિ અને શોક-અરતિ બન્ને યુગલો ઉદયમાં પરસ્પર વિરોધી છે. એટલે હાસ્ય-રતિનો ઉદય હોય છે ત્યારે શોક-અરતિનો ઉદય હોતો નથી અને શોક-અરતિનો ઉદય હોય છે ત્યારે હાસ્ય-રતિનો ઉદય હોતો નથી. એટલે એક જીવને એકીસાથે બેમાંથી કોઈપણ એક જ યુગલનો ઉદય હોય છે અને ભય-જુગુપ્સા અધુવોદયી હોવાથી ક્યારેક તે બન્ને ઉદયમાં હોય છે ક્યારેક બેમાંથી કોઈપણ એક જ ઉદયમાં હોય છે અને ક્યારેક એકે ય ઉદયમાં હોતી નથી.
૧૦૨