________________
૧૬૨
સંબોધ પ્રકરણ ૧. ક્ષેત્ર-વાસ્તુ પરિમાણતિક્રમ– (જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. વાસ્તુ એટલે વસવા લાયક ઘર, ગામ, નગર વગેરે પ્રદેશ.) એક ક્ષેત્રને બીજા ક્ષેત્રની સાથે અને એક વાસ્તુને બીજા વાસ્તુ સાથે જોડીને પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. જેમ કે લીધેલા પરિમાણથી વધારે ખેતરની કે ઘરની જરૂર પડતાં કે ઇચ્છા થતાં વ્રતભંગના ભયથી જૂના ખેતરની કે જૂના ઘરની બાજુમાં જ નવું ખેતર કે નવું ઘર લે. પછી ખેતરની વાડ દૂર કરીને બે-ત્રણ ખેતરને જોડીને એક ખેતર કરે. તે પ્રમાણે ઘરની ભીંત દૂર કરીને બે-ત્રણ ઘરને જોડીને એક ઘર કરે. આ રીતે કરવાથી ક્ષેત્ર-વાસ્તુ પરિમાણાતિક્રમ અતિચાર લાગે.
૨. હિરણ્ય-સુવર્ણ પરિમાણાતિક્રમ- (હિરણ્ય એટલે ચાંદી) પરિમાણથી અધિક ચાંદી અને સુવર્ણ બીજાને આપીને પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે. તે આ પ્રમાણે–કોઇએ ચાર મહિના વગેરે અવધિ સુધી અમુક પરિમાણથી વધારે ચાંદી-સોનું નહિ રાખું એવો નિયમ કર્યો. નિયમ દરમિયાન કરેલા પરિમાણથી અધિક ચાંદી-સોનું કોઈ પણ રીતે મળ્યું. વ્રતભંગના ભયથી તેણે ચાંદી-સુવર્ણની વૃદ્ધિ થાય એ માટે સારી યુક્તિ કરીને ચાર મહિના વગેરે પછી લઇશ એમ કહીને તે ચાંદી-સોનું બીજાને ચાર મહિના માટે આપી દીધું. આમ કરવાથી હિરણ્ય-સુવર્ણાતિક્રમ અતિચાર લાગે.
૩. ધન-ધાન્ય પરિમાણાતિક્રમ- (રત્ન, વસ્ત્ર વગેરે ધન છે. ચોખા વગેરે ધાન્ય છે.) ધન, ધાન્ય બાંધીને રાખી મૂકવા દ્વારા ધન-ધાન્યના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે. તે આ પ્રમાણે–કોઇએ ધન આદિનું પરિમાણ કર્યું. પછી કોઈ લેણાનું કે બીજું ધન વગેરે આપવા આવ્યો. મારો નિયમ પૂરો થશે ત્યારે લઇ જઇશ એવી ખાતરી આપીને આપનારને ત્યાં જ દોરી આદિથી બાંધીને રાખી મૂકે. અથવા અમુક સમય પછી જ હું આ લઈ જઈશ એમ ખાતરી આપીને આપનારને ત્યાં જ રાખી મૂકે. આમ કરવાથી ધન-ધાન્ય પરિમાણાતિક્રમ અતિચાર લાગે. ૧. અહીં પ્રથમ વિકલ્પમાં જાતે જ બાંધીને આપનારને ત્યાં રહેવા દે છે. બીજા વિકલ્પમાં બાંધવું વગેરે કશું કરતો નથી. માત્ર હું પછી લઈ જઈશ એવી ખાતરી આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org