________________
૨૧ પણ અનુભવાય છે. તેનું કારણ એ છે કે વૃત્તિના વિલાસમાં સુખનો વિકાસ નથી પરંતુ પરિણામે હૃાસ જ છે.
વળી માનવશક્તિઓનો ઉપયોગ જો વૃત્તિની તૃપ્તિ અર્થે કરવાનો હોય તો એ ઉપયોગ નથી પરંતુ દુરુપયોગ છે. એ માર્ગે વૃત્તિની તૃપ્તિ થતી નથી અને શક્તિઓ વેડફાઈ જાય છે. જો બધા પોતાની શક્તિઓને તે જ રીતે વેડફી નાખે તો પરિણામે વિશ્વનાં ઇતર પ્રાણીઓનું શું ? આટલો વિચાર માનવને ન આવે તો તે સ્વાર્થ બધી રીતે પતન જ કરાવે છે. એટલે સુખની દૃષ્ટિએ પણ સંયમનું સ્થાન ઉત્કૃષ્ટ છે. આ શ્લોકમાં દાની કરતાં સંયમીને શ્રેષ્ઠ બનાવ્યો છે તે ઉપલક દૃષ્ટિએ જોતાં વિલક્ષણ લાગશે. તેમ છતાં ઊંડાણથી જોતાં તેની સત્યતા સ્પષ્ટ દેખાશે.
આ આખું વિશ્વ એક કુટુંબરૂપ છે. નાનાં મોટાં જીવજંતુઓનું વિકાસ એ જ ધ્યેય છે. સૌ કોઈને પોતપોતાના શરીર ઇત્યાદિ સાધનોના નિવહ અર્થે આવશ્યક સામગ્રીની અપેક્ષાથી વિશ્વમાં રહેલા પદાર્થો દરેકના ઉપભોગાથે યોજાયેલાં છે. સૌ કોઈને તેને ભોગવવાનો અધિકાર છે. સંગ્રહબુદ્ધિની ભાવનાથી ઉપયોગ કરતાં જેટલું વધુ લેવામાં આવે તેટલો જ બીજાની આવશ્યકતામાં કાપ પડે તે સ્વાભાવિક છે.
આટલી વસ્તુ સમજી લીધા પછી પણ વારસાથી મળેલું, પોતાના પ્રારબ્ધથી આવી મળેલું કે પુરુષાર્થથી સંચિત કરેલું જે કિંઈ અધિક દ્રવ્ય હોય તેને પોતાની જાતને અર્થે જ ભોગવનાર કરતાં દાનેશ્વરી મનુષ્ય ઉચ્ચ કોટિનો છે તે વાત સાવ સાચી ઠરે છે. પરંતુ સંગ્રહ બુદ્ધિની દૃષ્ટિએ દાતા કરતાં સંયમી બધુ શ્રેષ્ઠ છે તેમાં શંકાને જરા પણ સ્થાન નથી. દાની પાસે સંગ્રહ હોય