________________
૧૯
ઐતિહાસિક દૃષ્ટિએ સ્થિતિ તપાસીએ તો જ તેનું યથાર્થ રહસ્ય સમજાય અને ઊંડું ઊંડું રહેલું સત્ય આપણે તેમાંથી શોધી શકીએ.
પ્રસ્તુત પુસ્તકમાં કોઈ પણ ધર્મનો જિજ્ઞાસુ મનુષ્ય સંક્ષિપ્તમાં જૈનધર્મના મુખ્ય મુખ્ય સિદ્ધાંતોને અને સાધક દશાના વિધેયનિષેધાત્મક નિયમોને સમજી પ્રેરણા લે તે દૃષ્ટિબિંદુથી બહુ હળવો સંગ્રહ કરવામાં આવ્યો છે.
સાધક સહચરીમાં શું છે ?
જૈનધર્મમાં અતિ પ્રમાણભૂત ગણાતાં શ્રી ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અને સૂયગડાંગ વગેરે પદ્યાત્મક સૂત્રોમાંથી આ થોડાં ચૂંટી કાઢેલાં પદ્યપુષ્પો છે અને તેની સંખ્યા લગભગ ૧૮૦ થી ૧૯૦ સુધીની છે. તે બધાં પદ્યોને અહીં ૧૪ વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યાં છે. તેનાં અનુક્રમે આ પ્રમાણે નામો છે ઃ સાધકવર્ગ, આત્મવર્ગ, ધર્મવર્ગ, વિકાસવર્ગ, વ્રતવિચા૨વર્ગ, બ્રહ્મચર્યવર્ગ, શુદ્ધિવર્ગ, શ્રમણવર્ગ, કર્મવર્ગ, વિશ્વવર્ગ, વૈરીવર્ગ, પાપશ્રમણવર્ગ, જાતિવર્ગ અને શિક્ષાવર્ગ.
પ્રથમ વર્ગનો પ્રથમ જ શ્લોક સંયમનો નિર્દેશ કરે છે. સંયમની આટલી બધી મહત્ત્વતા શાથી એમ ઘણાને અહીં જાણવાની જિજ્ઞાસા થશે અને કેટલાકને એમ થશે કે ધર્મ સંસ્થાપકોએ સંયમ સંયમના પડકારો કરીને માનવજાતને નિષ્ક્રિય અને જડ બનાવી દીધી છે. સાધનો મળે તો શા માટે ન ભોગવવાં ! માનવજીવનનો ઉદ્દેશ એ છે કે કુદરતે આપેલી અપાર શક્તિનો લાભ લઈ તે દ્વારા પુરુષાર્થ કરી સુખનાં સાધનો મેળવવાં અને તે દ્વારા સુખનો અનુભવ કરવો જોઈએ.