________________
સલાહ પૂછી તો એમણે કહ્યું કે ધનને ધરતીમાં ભંડારીને રાખવાને બદલે ઊંચે શિખર પર મૂકવું જોઈએ. એમાં જ માનવી અને સંપત્તિ બંનેની શોભા છે. લોભી વ્યક્તિ ધનને દાટીને અધોગતિ પામે છે. એ જ ધનને ઊંચે ગિરિવરો ઉપર જિનાલયોમાં ખર્ચીને ઊર્ધ્વગતિ પણ મેળવી શકાય, માટે શત્રુંજય અને ગિરનાર તીર્થના ઉદ્ધારમાં આ ધનનો ઉપયોગ કરીએ તેવો વિચાર અનુપમાદેવીએ કહ્યો. વસ્તુપાળના અંતરમાં અનુપમાદેવીની વાત વસી ગઈ. તેજપાળ એમના નિર્લોભીપણા માટે રાજી રાજી થઈ ગયા.
શ્રી શત્રુંજય મહાતીર્થમાં વામદેવ સલાટ પાસે નંદીશ્વર જિનપ્રાસાદ બનાવ્યો અને એ મહાતીર્થમાં અનુપમ સરોવર બંધાવ્યું. સં. ૧૨૯૨માં પંચમી તપનું ઉજવણું કરતી વખતે પચીસ સમવસરણ બનાવ્યાં અને શત્રુંજય તીર્થની તળેટીમાં બત્રીસ વાડીઓ અને ગિરનાર તીર્થની તળેટીમાં સોળ વાડીઓ બનાવી. તેજલપુરમાં જિનાલય, સરોવર અને પોશાળ બનાવ્યાં. આબુ ગિરિરાજ પર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂશિંગવસહી નામે મનોહર, કલામય અને ભવ્ય પ્રાસાદ તૈયાર કરાવ્યો.
અનુપમાદેવીએ શિલ્પીઓની માતાની માફક સંભાળ લીધી. એમનાં શરીર સ્વસ્થ અને સ્ફૂર્તિવાળાં રહે તે માટે મર્દન કરવાવાળા માણસો રાખ્યા. બધાને પૂરતી રકમ આપી. અને આબુમાં અજોડ જિનાલયોની રચના કરી. અનુપમાદેવી વિશે એમના સમયના કવિઓએ લખ્યું, “લક્ષ્મી ચંચળ છે, પાર્વતી ચંડી છે, ઇંદ્રાણી શોક્યવાળી છે, ગંગા નીચે વહેનારી છે, સરસ્વતી તો કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા અનુપમ છે.”
અનુપમાદેવી બાહ્ય રીતે રૂપાળાં નહોતાં, પણ એમનું ભીતરનું રૂપ અપાર હતું. એ ભીતરની ભાવનાને કારણે અનુપમા અમર બની ગયાં.
G
કથામંજૂષા ૧૪
૮. લાખેણાં આંસુ
સોરઠના વણથલી ગામના સવચંદ શેઠના જીવનમાં સમૃદ્ધિની ભરતી પછી સંકટની ઓટ આવી. દરિયાની વાટે વહાણ મોકલીને બહોળો વેપાર કરનારા સવચંદ શેઠનાં વહાણો ભરદરિયે ક્યાંક ખોવાઈ ગયાં. જાણે રત્નાકર સાગર આ વહાણોને ગળી ગયો ન હોય !
સવચંદ શેઠના એક એક વહાણમાં એક એક લાખનો માલ હતો. શેઠે ઘણી રાહ જોઈ. વહાણના કોઈ સમાચાર આવ્યા નહીં, પરંતુ બારણે લેણદારો આવીને ઊભા રહ્યા. કેટલાક કોઈ વ્યક્તિની આપત્તિ જોઈને સાથ આપવા દોડી જાય છે તો કેટલાક એને સાથ આપવાને બદલે પહેલાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે.
સવચંદ શેઠે ગામના ઠાકોર પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા. ઠાકોરને જાણ થઈ કે સવચંદ શેઠનાં વહાણનો કોઈ પત્તો નથી. શેઠે તકાદો કરનારા લેણદારોને દેવું ચૂકવવા માંડ્યું. હવે તો એમની પાસે આપવા જેવુંય કશું રહ્યું નથી. ઠાકોરને થયું કે હવે સીધી આંગળીએ ઘી નહીં નીકળે એથી
કથામંજૂષા ૧૫