________________
h
૫૯. જ્ઞાનનો ગર્વ
આભિક નામની નગરીમાં પુદ્ગલ નામનો તપસ્વી સાધક વસતો હતો. એનું તપ એવું કે સહુ કોઈને એની આત્મશક્તિ માટે આદર થાય. ક્યારેક ધોમધખતા તાપમાં ભરબપોરે બે હાથ ઊંચા રાખીને પુદ્ગલ તપ કરે, ક્યારેક વૃક્ષની જેમ સ્થિર ઊભો રહીને આકરું તપ કરે. એનું તપ અને ધ્યાન એવાં કે સહુ કોઈ એને આપોઆપ વંદન કરે. પુદ્ગલના આત્મામાં તપથી શુદ્ધિનો સંચાર થવા લાગ્યો. અજ્ઞાનનો અંધકાર દૂર થવા માંડ્યો અને જ્ઞાનનો પ્રકાશ અનુભવવા લાગ્યો. આ પુદ્ગલને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું. એને પરિણામે બ્રહ્મલોક સુધીનું વિશ્વ દેખાવા લાગ્યું.
આ નવા અનુભવને કારણે પુદ્ગલના અંતરમાં પારાવાર આનંદ છવાઈ ગયો. એ તો હર્ષઘેલો બની ગયો અને કહેવા લાગ્યો કે તપ અને ત્યાગને પરિણામે એણે જગતનું સર્વજ્ઞાન જાણી લીધું છે. કોઈ લોક અજાણ્યું નથી કે કોઈ શાસ્ત્ર મુશ્કેલ નથી. એણે એના બ્રહ્મજ્ઞાનની વાતો કરવા માંડી. આ સમયે
કથામંજૂષા ૧૩૪
ભગવાન મહાવીર આભિક નગરીમાં પ્રવેશ્યા. નગરમાં ઠેર ઠેર એક જ વાત થતી હતી. પરિવ્રાજક પુદ્ગલને બ્રહ્મલોક સુધીના વિશ્વનું દર્શન થયું છે. એવું અદ્ભુત દર્શન અને જ્ઞાન એને લાધ્યું છે કે જેની કોઈ વાત ન પૂછો. હવે પુદ્ગલ પરિવ્રાજકને માટે આખી દુનિયા એની જાણનો વિષય બની છે.
જ્ઞાનનો પણ એક ગર્વ હોય છે. હર્ષઘેલો પુદ્ગલ ઊંડે ઊંડે આવા ગર્વને પોષવા લાગ્યો. પુદ્ગલના જ્ઞાનની વાત ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ સાંભળી. એમણે જિજ્ઞાસાથી ભગવાન મહાવીરને પૂછ્યું કે પુદ્ગલ પરિવ્રાજકને થયેલું દિવ્યજ્ઞાન એ શું બ્રહ્મલોક સુધીનું વિશ્વનું પૂર્ણ જ્ઞાન છે ? આ વાત સાંભળીને ભગવાન મહાવીરે કહ્યું કે એને જેટલું જ્ઞાન થયું છે તે બરાબર છે, પરંતુ તે પૂર્ણ જ્ઞાન નથી. જેટલા વિશ્વનું એને દર્શન થયું છે એથીય વધુ વિશ્વ છે, જેનો પુદ્ગલને ખ્યાલ નથી.
પુદ્ગલ પરિવ્રાજકે ભગવાન મહાવીરની વાત સાંભળી. એને જાણ્યાનો ગર્વ હતો પરંતુ એની સાથોસાથ એના આત્મામાં નમ્રતા હતી. ભગવાન મહાવીરનાં આ વચનોએ એની નમ્રતાને સ્પર્શ કર્યો અને પુદ્ગલ પરિવ્રાજક વિનમ્ર બનીને ભગવાન મહાવીર પાસે ગયો.
આ સમયે ભગવાન મહાવીરે પુદ્ગલ પરિવ્રાજકને કહ્યું, તમારાં તપ અને ત્યાગને કારણે તમને જ્ઞાન લાધ્યું છે, તમે જે જાણ્યું છે એનો આનંદ જરૂ૨ માણો, પરંતુ જેટલું જાણ્યું છે એના પરથી વધુ જાણ્યાનો ગર્વ ન રાખો. પુદ્ગલ પરિવ્રાજકને પોતાની ભૂલ સમજાઈ. એણે વિનમ્ર બનીને પ્રભુ મહાવીરને વંદન કર્યા. ફરી તપને માર્ગે આગળ ચાલવા લાગ્યો અને વધુ જ્ઞાનને માટે ઝંખના સેવવા લાગ્યો.
11 શ્રી મહાવીર વાણી ॥
જે જાણવાનું છે તે જ્ઞાન છે, જે જોવાનું છે (જે શ્રદ્ધેય છે) તે દર્શન છે અને જે પુણ્ય અને પાપનો પરિત્યાગ છે તે ચારિત્ર્ય છે.
શ્રી મોક્ષપાડ ૩૭ કથામંજૂષા ૧૩૫