Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 62
________________ ૪૮. અહો દાનમ્ ! અહો દાનમ્ ! અભિગ્રહ એટલે મનમાં કરેલો સંકલ્પ. સંકલ્પ એ મક્કમતા અને દૃઢતાની અગ્નિપરીક્ષા ગણાય, ભગવાન મહાવીર કૌશાંબી નગરીમાં આવ્યા ત્યારે એમણે અભિગ્રહ લીધો. આ કોઈ એકાદ અભિગ્રહ નહોતો, પણ કઠિન અગ્નિપરીક્ષા કરે તેવો ઘોર અભિગ્રહ હતો. પહેલો દ્રવ્યનો એવો અભિગ્રહ હતો કે આહાર રૂપે અડદબાકળા સ્વીકારવા અને તે પણ સૂપડાના ખૂણામાં હોય તો જ ગ્રહણ કરવા. ક્ષેત્રથી એવો અભિગ્રહ હતો કે એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર હોય તેની પાસેથી તે સ્વીકારવા. કાળથી એવો અભિગ્રહ હતો કે અન્ય ભિક્ષુકોનો ભિક્ષાનો સમય અર્થાતુ બપોરના ભોજનનો સમય પસાર થઈ ગયા બાદ મળે તો સ્વીકારવું. વળી ભાવથી અભિગ્રહ હતો કે એ કોઈ રાજ કુમારી હોય અને વળી તે દાસત્વને પામેલી હોય ! એના પગમાં બેડી હોય, માથું મુંડાવેલું હોય, અઠ્ઠમ તપ (ત્રણ દિવસના ઉપવાસ) કર્યું હોય અને વળી તે પવિત્ર સતી સ્ત્રી હોય. આવી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું. આવી ભિક્ષા મળે તો જ લેવી. આવી કઠોર પ્રતિજ્ઞા હતી પ્રભુ મહાવીરની ! પરિણામે ગોચરી લેવા જતા, પણ અભિગ્રહ મુજબની નહીં મળતાં પાછા ફરતા હતા. આમ પાંચ મહિના અને પચીસ દિવસ પસાર થયા હતા, ત્યારે ભગવાન મહાવીર ધનાવહ શેઠને ત્યાં ભિક્ષા માટે ગયા. આ શેઠને ત્યાં ચંપાનગરીની લૂંટમાં પકડાયેલી ચંદના નામની દાસી હતી. આમ તો એ દધિવાહન રાજા અને ધારિણી રાણીની પુત્રી વસુમતી હતી. એ વસુમતીને ધનાવહ શેઠ પોતાને ઘેર દાસી તરીકે ખરીદીને લાવ્યા હતા. જો કે શેઠ એને દીકરીની માફક રાખતા હતા. એક વાર બહારગામથી શેઠ પાછા આવ્યા ત્યારે એમના પગ ધોવડાવવા જતાં ચંદનાનો ચોટલો પડી ગયો. મેલા પાણીમાં પડતી વાળની લટને અટકાવવા એને પકડીને શેઠે ઊંચી કરી. આ દેશ્ય મૂલા શેઠાણીએ જોયું અને એમના હૃદયમાં ઈર્ષાની આગ ભભૂકી ઊઠી. શેઠ બહારગામ ગયા ત્યારે મૂલાએ ચંદનાનું માથું મૂંડાવી, એના પગમાં બેડીઓ નાખીને એને ભોંયરામાં ધકેલી દીધી. ત્રણ દિવસ એ ભૂખી-તરસી રહી. શેઠ પાછા આવતાં એમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. ધનાવહ શેઠ તત્કાળ લુહારને બોલાવવા જતા હતા, તેથી સૂપડામાં ઢોરને ખવડાવવા માટે અડદના બાકળા રાખ્યા હતા તે ચંદનાને ખાવા આપ્યા. બરાબર આ સમયે યોગી મહાવીર આવે છે, પરંતુ ભિક્ષા વિના પાછા ફરી ગયા. પ્રભુને પાછા જતા જોઈને ચંદનાની આંખમાં દડ દડ આંસુ સરવા લાગ્યાં. રુદનનો અવાજ સાંભળી પ્રભુ પાછા આવે છે. પ્રભુના બધા અભિગ્રહમાં એક જ બાકી હતો કે એ કન્યા રડતી હોવી જોઈએ. પ્રભુ રુદનનો અવાજ સાંભળી પાછા આવ્યા. ભગવાનનો અભિગ્રહ સિદ્ધ થતાં ચંદનબાળાને હાથે એમણે અડદના બાકળા વહોર્યા અને ત્યાં જ પારણું કર્યું. ચંદનબાળા ધન્ય થઈ ગઈ. એ સમયે સાડાબાર કરોડ સુવર્ણમુદ્રાની વૃષ્ટિ થઈ. દાનના પ્રભાવે પાંચ દિવ્યો પ્રગટ થયાં. આકાશમાંથી ‘અહો દાનમ્ ! અહો દાનમ્ નાં દેવદુંદુભિ વાગી ઊઠડ્યાં, ચંદનાની લોખંડની બેડીઓ સુવર્ણનાં ઝાંઝર બની ગઈ અને ચંદનબાળાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું. કથામંજૂષા ૧૧૨ કથામંજૂષા ૧૧૩

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82