________________
h
૫૨. રાજાઓ શિષ્યો બન્યા
દુનિયામાં જોઈ ન હોય એવી અપૂર્વ ઘટના બની. રાજકુમારી મલ્લિકાને ચડ્યે ઘોડે મેળવવા આવેલા છએ રાજાઓ રાગ છોડીને વિરાગ તરફ વળી ગયા. ભયાનક શસ્ત્રસામગ્રી અને પ્રચંડ સૈન્યબળ સાથે આવેલા છએ રાજાઓ મલ્લિકાના ઉપદેશને કારણે દેહને બદલે આત્માના અનુરાગી બની ગયા.
અનોખી વાત તો એ બની કે કામવાસનાથી ઘેરાયેલા એ રાજાઓના હૃદયમાં અધ્યાત્મનો એક નવો પ્રકાશ ફેલાયો. રાજકુમારી મલ્લિકાના એ શબ્દો એમના કાનમાં ગુંજતા હતા. “અંતરની ખોજ કરો. સુખ તો અંદર વસે છે, બહાર નહીં.”
અંતરના માર્ગે જતાં રાજાઓને થયું કે ભલે અમે રાજા કહેવાતા હોઈએ, પણ દુનિયામાં અમારા જેવું અને અમારા જેટલું કોઈ દુઃખી નથી, સંસારના રાગદ્વેષ રાજાને અને સત્તાને સૌથી વધુ વળગેલા હોય છે. આ છએ રાજાઓ એમના દેશમાં પાછા ફર્યા, પણ એમની દૃષ્ટિ બદલાઈ ચૂકી હતી. સંસારનાં કામસુખો હવે એમને ગમતાં નહોતાં. મનમાં થતું કે આ સત્તા તો સંતાપિની છે. એ તો હૃદયને સદા સળગતું રાખશે. અરે ! કથામંજૂષા ૧૨૦
રૂપ, યૌવન અને માયાની ભુલભુલામણીમાં આ રાજાઓએ ક્યારેય સાચું સુખ, સાચું સ્મિત કે સાચો આનંદ જાણ્યો નહોતો પછી માણ્યો ક્યાંથી હોય ?
છએ રાજાઓ પોતાની રાજધાનીમાં આવ્યા, પરંતુ સાપ કાંચળી ઉતારે તેમ સત્તા, સંપત્તિ અને ઐશ્વર્ય છોડીને ચાલી નીકળ્યા. મિથિલાની શેરીઓમાં અભૂતપૂર્વ દૃશ્ય સર્જાયું. આગળ રાજકુમારી મલ્લિકા ચાલી રહી છે, પાછળ છએ રાજાઓ સંન્યસ્ત થઈને જંગલની વાટ તરફ આગળ વધી રહ્યા છે.
ગુરુ યુવાન છે અને શિષ્યો વૃદ્ધ છે. પ્રજાજનો આ દશ્ય જોઈને વારી જાય છે. જગતે સત્તા માટે ખેલાતું મહાભારત જોયું હતું. સૌંદર્ય માટે ખેલાતી લડાઈઓ જાણી હતી, સુંદરીના રૂપ પાછળ મોહાંધ બનીને સંસારમાં સંહારલીલા ફેલાવતા રાજાઓ જોયા હતા, પણ આ જ અવળી ગંગા વહેતી હતી.
રાજકુમારી મલ્લિકાએ રાજાઓની દૃષ્ટિમાં એવું તો પરિવર્તન આણ્યું કે જગત આખું આશ્ચર્યમાં ડૂબી ગયું. જગતના જાણીતા માર્ગો પર ચાલનારા ઘણા મળે, પણ કાંટાળા માર્ગો પર કોઈ નવી ભાવનાની પગદંડી રચનારા વિરલા જ હોય.
દુનિયા સત્તાને નમે, ધનની પાછળ ઘેલી અને રૂપની પાછળ ગાંડી બને ત્યારે જગતની રીતને બદલી નાખનાર વ્યક્તિ ત્યાગ અને સમર્પણની તવારીખમાં તેજનો લિસોટો મૂકતી જાય છે.
રાજકુમારી મલ્લિકા સમય જતાં તીર્થંકર મલ્લિનાથ બન્યાં. એમણે જગતને આત્મા અને અગમ્યની શોધ માટે પ્રેરણા આપી.
॥ શ્રી મહાવીર વાણી ! સમતાથી સાધુ થવાય છે, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય છે, જ્ઞાનપ્રાપ્તિથી મુનિ થવાય છે અને તપશ્ચર્યા કરવાથી તાપસ થવાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૫-૩૨ કથામંજૂષા૧૨૧