________________
૫૪. યુદ્ધબંધીની ભિક્ષા
યુદ્ધના દાવાનળની સામે શાંતિની દેવી દૃઢ પગલે આવતી હતી. હિંસાનું તાંડવ ખેલવા થનગનતી સેનાની સામે શાંતમૂર્તિ સાધ્વી પદ્માવતી નિર્ભયતાથી સામે આવી રહ્યાં હતાં.
ચંપાનગરી ચંપાની સુવાસને બદલે લોહીભીના સંહારની ભૂમિ બને તેમ હતી, ત્યાં શ્વેત વસ્ત્રધારી સાધ્વી ખુલ્લા પગે અને મક્કમ ડગે રાજા કરકંડુ તરફ આવી રહી હતી. અહિંસાની અગ્નિપરીક્ષા તો હિંસા, ભય અને યુદ્ધના દાવાનળ વચ્ચે જ હોય. ચોતરફ હિંસાનો દાવાનળ ફેલાયો હોય ત્યારે સાચો અહિંસક ભાવનાની વાતો કરવામાં પુરાઈ રહેતો નથી, પરંતુ તેનું આચરણ કરવા માટે દ્વેષ, ઈર્ષા અને લાલસાના બળબળતા અગ્નિ સામે ઝુકાવે-ઝંપલાવે છે.
સાધ્વી પદ્માવતી સેનાને વીંધતી રાજા કરકંડુ પાસે પહોંચી. રાજા કરકંડુ રણમેદાન પર સાધ્વીને જોઈને આશ્ચર્ય પામ્યા. એણે પૂછ્યું, “અરે, આ યુદ્ધભૂમિ પર આપ કેમ આવ્યાં છો ? થોડી વારમાં તો એક સેના બીજી સેના પર હુમલો કરવા આગેકૂચ કરશે. મારા સૈનિકો વિજયને માટે શત્રુનો કચ્ચરઘાણ
કથામંજૂષા ૧૨૪
કાઢશે માટે કૃપા કરીને આપ જે માગો તે આપું, પરંતુ આ યુદ્ધભૂમિથી દૂર ચાલ્યાં જાવ.”
સાધ્વી પદ્માવતીએ કહ્યું, “હે રાજન ! તમારી પાસે હું માગવા આવી છું. મારે ભિક્ષા જોઈએ.”
રાજા કરકંડુ ઊંડા વિચારમાં ડૂબી ગયો. પોતાના મહેલનો આવાસ હોય તો ભિક્ષા આપી શકાય, પણ યુદ્ધની ભૂમિ પર ભિક્ષા આપવી કઈ રીતે ?
રાજા કરકંડુએ કહ્યું, “આપ મને ક્ષમા કરો. આ યુદ્ધભૂમિ પર હું આપને કઈ રીતે ભિક્ષા આપી શકું ? મારા વિજય બાદ આપ કહેશો તેવું આપનું સ્વાગત કરીશ. આદેશ આપશો તે હાજર કરીશ.”
સાધ્વી પદ્માવતીએ દૃઢ અવાજે કહ્યું, “રાજન, મારી ભિક્ષા તો આ યુદ્ધભૂમિ પર જ તું આપી શકે તેમ છે. મારે તો યુદ્ધબંધી જોઈએ છે. એનાથી કશું ઓછું ખપે નહીં."
રાજા કરકંડુ વિમાસણમાં પડી ગયો. યુદ્ધની આખરી વેળાએ સુસજ્જ સેનાને પાછા ફરવાનો આદેશ કઈ રીતે આપવો ? સાધ્વી પદ્માવતી રાજા કરકંડુની સ્થિતિ પામી ગઈ. એણે કહ્યું, “રાજન્, જે રાજા દધિવાહન સામે તું યુદ્ધ કરવા નીકળ્યો છે તે એક કાળે તારા પિતા હતા. એક સમયે હું એમની રાણી હતી અને તું અમારો પુત્ર હતો.”
આમ કહીને સાધ્વી પદ્માવતીએ પૂર્વ જીવનનો ખ્યાલ આપ્યો. રાજા કરકંડુએ હથિયાર હેઠાં મૂકીને સાધ્વીને ભિક્ષા આપી. સાધ્વીએ જનેતાના ભાવથી એ સ્વીકારી.
11 શ્રી મહાવીર વાણી ॥
અનાચાર કર્યા પછી એને છુપાવે નહીં કે એનો અસ્વીકાર ન કરે પણ સદાય પવિત્ર, નિખાલસ, અનાસક્ત અને જિતેન્દ્રિય રહે.
શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮, ૩૨
કથામંજૂષા ૧૨૫