________________
લ
૪૯. ધર્મનિષ્ઠ માતાની પ્રેરણા મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા એટલે સાધ્વી પાહિણી. ધંધુકાના મોઢ જ્ઞાતિના શેઠ સાચો (સાચિગ)ની પત્ની પાહિણી પ્રસિદ્ધ શ્રેષ્ઠી નેમિનાગની બહેન હતી. એક વખત રાત્રે પાહિણીએ સ્વપ્નમાં ચિંતામણિ રત્ન જોયું. બે હાથમાં રહેલું એ દિવ્ય રત્ન પાહિણીને ગ્રહણ કરવાનું કોઈ કહેતું હતું. સ્વપ્નમાં પાહિણીએ એ રત્ન ગ્રહણ કર્યું અને એ રત્ન પાહિણીએ ગુરુને અર્પણ કર્યું. સ્વપ્નમાં આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં અને એ સમયે એની આંખ ઊઘડી ગઈ.
પાહિણીએ વિચાર્યું કે ગુરુદેવ દેવચંદ્રસૂરિજી આ નગરમાં જ છે, તો સ્વપ્નના ફળ વિશે એમને પૂછી આવું. આચાર્ય દેવચંદ્રસૂરિએ કહ્યું, “તું એક નરમણિને જન્મ આપીશ, જે મોટો. થતાં ગુરુમણિ બનશે. મહાન આચાર્ય બનીને જિનશાસનને શોભાવશે.” આ ગુરુવચનોથી પાહિણીના આનંદનો પાર ન રહ્યો.
વિ. સં. ૧૧૪પના કારતક સુદ પૂનમની રાત્રે એણે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. માતા-પિતાએ એનું નામ
ચંગદેવ (ચંગ એટલે ઉત્તમ) રાખ્યું. નાનકડો ચંગદેવ એક વાર આચાર્યશ્રીની પાટ પર બેસી જાય છે. અંતે ચંગદેવને માતાપિતા દીક્ષા માટે અનુમતિ આપે છે. એનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું અને સમય જતાં વિદ્વાન એવા એ મુનિને વિ. સ, ૧૧૬૯ના વૈશાખ વદ ત્રીજના દિવસે મધ્યાહ્ન સમયે આચાર્યપદવી આપીને એમનું નામ હેમચંદ્રસૂરિ રાખ્યું.
આ પ્રસંગે એમનાં માતા પાહિણીદેવી ઉપસ્થિત હતાં. એમના હૃદયમાં એવો ઉલ્લાસ જાગ્યો કે પુત્રની આચાર્યપદવી સાથે માતાએ પણ સંયમમાર્ગ ગ્રહણ કર્યો. માતા પાહિણી સાધ્વી પાહિણી બન્યાં અને એમને પ્રવર્તિનીનું પદ અર્પણ કરવામાં આવ્યું. સાધ્વી પાહિણી તપ અને ત્યાગમાં લીન બની ગયાં. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય વિહાર કરતાં કરતાં પાટણમાં પધાર્યા હતા. અહીં પૂજ્ય પ્રવર્તિની પાહિણીએ અનશન આદર્યું હતું. અનેક ભાવિકો એમનાં દર્શન માટે આવતા હતા. એમની ભાવનાને અભિનંદતા હતા. પોતાના નાની વયના પુત્રને જિનશાસનને સમર્પિત કરનાર સાધ્વી પાહિણીને અંતઃકરણથી પ્રણામ કરતા હતા.
જ્ઞાનના ભંડારસમા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અનેકવિધ વિષયો પર ગ્રંથો લખ્યા. ગુર્જરનરેશ જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળ જેવા શાસકોને ઉચિત માર્ગદર્શન આપ્યું. જિનશાસનની કીર્તિગાથાને સુવર્ણશિખર પર પહોંચાડી. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યનો પ્રભાવ સામાન્યમાં સામાન્ય માનવીથી માંડીને રાજાધિરાજ સુધી પથરાયેલો હતો. એમના જીવનમાં સ્વધર્મ-વત્સલતા અને પરમત-સહિષ્ણુતા જોવા મળે છે. પાંચ વ્રતોને જીવનમાં ધારણ કરનાર આ આચાર્યની જિતેન્દ્રિયતા દૃષ્ટાંતરૂપ હતી.
એમના હૃદયમાં કરુણા અને અનુકંપાનો સ્રોત સતત વહેતો હતો. આવી મહાન વિભૂતિને જન્મ આપનારી માતા પણ પુત્રના પંથે ચાલી હતી. બીમાર સાધ્વી માતા પાસે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમના શિષ્યો સાથે દર્શને આવ્યા. પ્રવર્તિની પાહિણી કાળધર્મ પામ્યાં ત્યારે શ્રાવકોએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યા. વીતરાગ ધર્મના આચાર્ય પોતાની તેજસ્વી અને ધર્મનિષ્ઠ માતાને શું આપી શકે ? એમણે ત્રણ લાખ શ્લોકનું પુણ્ય માતાને આપ્યું.
કથામંજૂષા ૧૧૪
કથામંજૂષા છે ૧ ૧૫