________________
કારણે સાધ્વી દુર્લભદેવીની આંખમાં આંસુ આવી ગયાં. માતાનાં આંસુ જોઈને એ દિવસે બાળ મુનિ મલ્લે મજબૂત નિર્ધાર કર્યો કે ઘોર તપશ્ચર્યા કરું. ધર્મગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન મેળવું અને વાદીઓની સભામાં વિજય મેળવું.
આને માટે બાળ મલ્લમુનિ પર્વત પર જઈને ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. માત્ર પારણાના દિવસે નજીક આવેલા ગામમાંથી જે કંઈ મળે તે લાવીને નિર્વાહ કરી લેતા હતા. સમય જતાં સરસ્વતીદેવી પ્રસન્ન થયાં અને એમણે વરદાન આપ્યું. પરિણામે દેવીએ આપેલી એક ગાથાના વિવરણ રૂપે ‘દ્વાદશાર નયચક્ર' નામનો અજોડ ગ્રંથ રચ્યો.
ચક્રના બાર આરાની માફક આ ઉત્કૃષ્ટ દાર્શનિક ગ્રંથમાં બાર અધ્યાય છે. પૂર્વે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે “સન્મતિ તર્ક” રચીને ન્યાયશાસ્ત્રનો એક મહાન ગ્રંથ આપ્યો હતો, એ જ રીતે આચાર્ય શ્રી મલ્લસૂરિએ આ ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં નય અને અનેકાંત દર્શનનું ગહન અને તલસ્પર્શી વિવેચન કર્યું.
નાનકડા બાળ મુનિએ મહારાજા શિલાદિત્યને કહેવડાવ્યું કે,
“તમારી રાજસભામાં વાદ કરવા માટે હું તૈયાર છું. તમારો સંસારી ભાણેજ મલ્લમુનિ બૌદ્ધોને પરાજય આપવા આતુર બન્યો છે.”
રાજા શિલાદિત્ય મલ્લના સંસારી મામા હતા અને એમણે બૌદ્ધ ધર્મ સ્વીકારીને એના પ્રચાર માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા.
એક નાનકડો મુનિ કઈ રીતે પ્રૌઢ અને પ્રકાંડ વાદીઓને પરાજિત કરી શકે! સહુના આશ્ચર્ય વચ્ચે રાજા શિલાદિત્યની રાજસભા વાદસભામાં ફેરવાઈ ગઈ. છ - છ મહિના સુધી વાદ ચાલ્યો. આચાર્ય મલ્લસરિનો વિજય થતાં આનાથી પ્રભાવિત રાજાએ મુનિ મલ્લને “વાદી”નું બિરુદ અર્પણ કર્યું. પરિણામે તેઓ શ્રી મલ્લવાદીસૂરિ ક્ષમાશ્રમણના નામે સર્વત્ર વિખ્યાત થયા.
આચાર્ય મલ્લવાદીસૂરિના જીવનમાં જોવા મળ્યું કે વયને વિદ્વત્તા સાથે સંબંધ નથી. આ રીતે વિદ્યા પ્રાપ્ત કરવા માટે એમણે અથાગ પુરુષાર્થ કર્યો.
આચાર્ય મલ્લવાદીસૂરિએ ‘સન્મતિ તર્ક’ ટીકા તેમ જ ચોવીસ હજાર શ્લોક ધરાવતા ‘પદ્મચરિત્ર’ (જૈન રામાયણ)ની રચના કરી. શ્રી મલ્લવાદીસૂરિ વાદકુશળ હતા અને તેથી શ્રી હેમચંદ્રાચાર્યે એમને ‘સર્વોત્કૃષ્ટ તાર્કિક' તરીકે ઓળખાવ્યા છે.
કથામંજૂષા ૯૪
એમનો ‘દ્વાદશા૨ નયચક્ર' ગ્રંથ ન્યાયવિષયક ઉત્તમ ગ્રંથ ગણાય છે અને તે સમયની તત્ત્વજ્ઞાનની વિવિધ ધારાઓની માર્મિક સમાલોચના કરતો આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં એમણે રચ્યો હતો.
આચાર્ય મલ્લવાદીના મોટા ભાઈ મુનિ અજિતયશે ‘પ્રમાણ’ ગ્રંથની રચના કરી અને બીજા ભાઈ યક્ષ મુનિએ ‘અષ્ટાંગ નિમિત્તે બોધિની' નામની સંહિતાનું નિર્માણ કર્યું. આ રીતે એક મહાન માતાના ત્રણ પુત્રોએ જૈન શાસનની સાધુતા,
સાહિત્ય અને તત્ત્વગહનતાથી આગવી સેવા કરી.
વિશેષ તો એમણે અનેકાંત દર્શનની વાત કરી. વાદમાં ભલે વિજય મેળવ્યો હોય, પણ આવા જય-પરાજયનું કશું મહત્ત્વ નથી. સાચું મહત્ત્વ તો સર્વ વાદો અને સર્વ ગ્રંથોમાંથી સત્યના અંશો મેળવવામાં રહેલું છે.
11 શ્રી મહાવીર વાણી 11
જેઓ રસલોલુપ નથી હોતા, ચમત્કાર બતાવતા નથી, માયા કરતા નથી, ચાડી-ચુગલી કરતા નથી, દીનતા દાખવતા નથી, આત્મપ્રશંસા કરતા નથી કે બીજા પાસે કરાવતા નથી તથા કુતૂહલ કરતા નથી તેઓ પૂજ્ય છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯-(૩)-૧૦
કથામંજૂષા ૯૫