________________
ચારિત્ર પાળી શકશે ખરા ? એમના ચારિત્રમાં કોઈ ક્ષતિ તો આવશે નહિ ને ?
આજ્ઞાંકિત શિષ્ય માનદેવસૂરિ ગુરુની મનોવેદનાને પારખી ગયા. એમણે એ જ સમયે પ્રતિજ્ઞા કરી કે આજથી હું ક્યારેય ભક્તજનને ત્યાંથી ગોચરી વહોરીશ નહીં. વળી આજીવન આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ. આને કારણે શ્રી માનદેવસૂરિનું તપ વધુ ઉજ્વળ બન્યું.
એમનાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને ઉત્કૃષ્ટ જ્ઞાન જોઈને જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા નામની ચાર દેવીઓ એમના સાન્નિધ્યમાં વસવા લાગી અને સદૈવ સૂરિજીને વંદન કરવા આવવા લાગી. આને પરિણામે માનદેવસૂરિનો યશ સર્વત્ર ફેલાવા લાગ્યો.
આ સમયે જૈનોની સમૃદ્ધિથી ઓપતી તક્ષશિલા નગરીમાં પાંચસો જિનમંદિરો
હતાં. આ નગરીમાં અચાનક મહામારીના રોગનો આતંક ફેલાયો અને અનેક લોકો અકાળે મરવા લાગ્યા. આખુંય નગર મૃતદેહોના ઢગથી ભરાઈ ગયું અને હૈયું ચીરી નાખે એવાં વેદના અને કલ્પાંત સિવાય નગરમાં કશું સાંભળવા મળતું નહોતું.
આ સમયે ચિંતાતુર શ્રાવકો આ વિકટ પરિસ્થિતિનો ઉપાય શોધવા લાગ્યા. એમણે શાસનદેવીની આરાધના કરી, ત્યારે દેવીએ કહ્યું કે નાડોલ નગરમાં મહાપ્રભાવક આચાર્ય માનદેવસૂરિ પાસે જાઓ. આ નગરીમાં એમના ચરણનું જળ છાંટવાથી આ મહાઉપદ્રવ શાંત થશે.
તક્ષશિલા નગરીના વીરચંદ શ્રાવક શ્રીસંઘનો વિનંતીપત્ર લઈને આચાર્ય માનદેવસૂરિ પાસે આવ્યા, ત્યારે દેવીઓને જોઈને એમને મનોમન શંકા જાગી. આ સ્ત્રીઓ અહીં આચાર્ય મહારાજ પાસે શા માટે બેઠી હશે ? પરિણામે આચાર્યશ્રીને વંદન કર્યા વિના જ વીરચંદ બેઠો.
એનું અવિનયી વર્તન જોઈને દેવીઓએ એને મુશ્કેટાટ બાંધી દીધો. પારાવાર પશ્ચાત્તાપ અનુભવતા વીરચંદને ગુરુએ ક્ષમા આપીને બંધનમુક્ત કર્યો. તક્ષશિલાના શ્રીસંઘના વિનંતીપત્રને રજૂ કર્યો ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે,
“હું અહીં બેઠાં બેઠાં જ શ્રીસંઘનું કાર્ય કરી આપીશ.” એમણે મંત્રાધિરાજગર્ભિત “શાંતિસ્તવસ્તોત્ર” બનાવી આપ્યું. એમ પણ કહ્યું કે આ સ્તોત્રનો પાઠ ગણીને
મંત્રિત જળનો છંટકાવ કરવાથી મરકીના ઉપદ્રવની શાંતિ થશે.
શ્રાવક વીરચંદ આ સ્તોત્ર લઈને તક્ષશિલા નગરીમાં પહોંચ્યો. શ્રીસંઘે આચાર્ય કથામંજૂષા૮૨
માનદેવસૂરિના કહેવા પ્રમાણે પાઠ કરીને મંત્રિત જળનો છંટકાવ કર્યો. આને પરિણામે વ્યંતરનો ઉપદ્રવ શાંત થયો. આચાર્યશ્રી માનદેવસૂરિએ આવી જ રીતે ઉપદ્રવ-નિવારણ માટે ‘તિજયપત્ત’ નામક સ્તોત્ર રચ્યું. આમ, મહાપ્રભાવિક શ્રી માનદેવસૂરિએ શ્રીસંઘના હિતાર્થે મંત્રરચનાઓ કરી.
“સૂરિ: શ્રીમાનદેવશ્ચ” એ પદ બોલનારો પ્રત્યેક જૈન ‘લઘુસ્તવ-શાંતિસ્તવ’ના રચિયતા આચાર્ય માનદેવસૂરિની પ્રતિભાથી પરિચિત છે. તેઓએ સાંઢા જાતિના રજપૂતોને પ્રતિબોધ આપીને જૈન બનાવ્યા હતા. તેઓ વીર સં. ૭૩૧માં શ્રી ગિરનાર તીર્થ પર અનશન કરીને કાળધર્મ પામ્યા હતા.
॥ શ્રી મહાવીર વાણી !
જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઈ ત્યાં સુધી સારી રીતે ધર્માચરણ કરી લેવું. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૪-૩૫
કથામંજૂષા ૮૩