________________
કર્મપ્રકૃતિ
પ્રશ્ન - ૧ : સમયે સમયે કર્મ તો બંધાયા કરે છે માટે સમયે સમયે જેટલી સ્થિતિ બંધાય તે સઘળાના સરવાળા જેટલી સત્તા કેમ નહિ ? જેમકે વિવક્ષિત સમયે જ્ઞાનાવરણીયની ત્રીસ કોડાકોડી પ્રમાણ સ્થિતિ બાંધી, પછીના સમયે તેટલી જ સ્થિતિ બાંધી, પછીના સમયે વળી તેટલીજ બાંધી તો તે સઘળાના સરવાળા જેટલી સ્થિતિ સત્તામાં કેમ ન હોય ? માત્ર ત્રીસ કોડાકોડીજ કેમ ?
૩૬૮
ઉત્તર ઃ નિષેક રચના કઇ રીતે થાય છે તેનો ખ્યાલ બરાબર હોય તો આ પ્રશ્ન ઉત્પન્ન થશે નહિ. નિષેક રચના આ પ્રમાણે થાય છે - જે સમયે જ્ઞાનાવરણીયકર્મ ત્રીસ કોડાકોડી પ્રમાણ બંધાયું, તેના ભાગમાં આવેલા દલિકોની રચના તે સમયથી આરંભી ત્રણ હજાર વર્ષ પ્રમાણ સ્થિતિ છોડી ત્રણ હજાર વર્ષ ન્યૂન ત્રીસ કોડાકોડીના જેટલાં સમયો હોય તેટલા સ્થાનકમાં થાય છે, પછીના સમયે બંધાયેલી તેટલી જ સ્થિતિના ભાગ પ્રાપ્ત દલિકો પછીના સમયથી આરંભી ત્રણ હજાર વરસ ન્યૂન ત્રીસ કોડાકોડીના જેટલાં સમયો થાય તેટલામાં ગોઠવાય છે. આ પ્રમાણે જે જે સમયે જેટલી જેટલી સ્થિતિ બંધાય અને તેના ભાગમાં જેટલાં લિકો આવે તેની રચના તે સમયથી આરંભી તેનો જેટલો અબાધાકાળ હોય તેટલી સ્થિતિ છોડીને બાકીના સ્થાનકમાં થાય છે. આ પ્રમાણે હોવાથી સરવાળો થતો નથી કેમકે નિષેકસ્થાનો તો તેના તેજ છે માત્ર તે તે સ્થાનકમાં વારંવાર લિકો આવતા હોવાથી તે અતિ પુષ્ટ થાય છે. નિષેકના સ્થાનકો તેના તેજ હોવાથી સ૨વાળો થતો નથી, તેમજ જેમ જેમ પછી પછીના સમયે જાય તેમ તેમ પૂર્વ પૂર્વની સમય સમય પ્રમાણ સ્થિતિ ભોગવાઇ ક્ષય થઇ જતી હોવાથી બંધથી ઉપર ઉપર એક એક સમયની સ્થિતિ વધતી હોવા છતાં ઉત્કૃષ્ટ સ્થિતિના કાલ પ્રમાણથી એક પણ સમય વધતો નથી એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી જ સત્તા હોય છે. એમ દરેક સ્થળે સમજવું.
પ્રશ્ન - ૨ : વિવક્ષિત સમયે બંધાયેલા ત્રીસ કોડાકોડી પ્રમાણ સ્થિતિના ત્રણ હજાર વરસ પ્રમાણ અબાધાકાળમાં લિક રચના હોય કે નહિ ! શું તે સ્થાનકો સાવ દલિક રચના વિનાના હોય ?
ઉત્તર ઃ વચમાં કોઇપણ સ્થાનકો સાવ દલિક રચના વિનાના હોય જ નહિ. કારણકે પ્રતિસમય બંધ ચાલુ છે, પૂર્વે બંધાયેલા કર્મની નિષેક રચના વિવક્ષિત સમયે બંધાયેલા કર્મના અબાધાકાળમાં પણ હોય છે જ. અબાધાકાળ વિવક્ષિત સમયે બંધાયેલા કર્મનો હોઇ શકે, સંપૂર્ણ કર્મનો નહિ. એટલે જે સમય ત્રીસ કોડાકોડી સાગરોપમ સ્થિતિ બંધાય તે સમયે ભોગવવા યોગ્ય સ્થિતિ પૂર્ણ ત્રીસ કોડાકોડી જ હોય ઓછી નહિ. અને તેથી જ તેની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ અન્યમાં સંક્રમી શકે છે. માટે જ કહ્યું છે કે બંધોત્કૃષ્ટ પ્રકૃતિની સ્થિતિ બે આવલિકા ન્યૂન સંક્રમે છે.
પ્રશ્ન - ૩ : સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની કેટલી સ્થિતિ સંક્રમી શકે ?
ઉત્તર : ત્રણ આવલિકા ન્યૂન સંક્રમી શકે. કારણકે બંધોત્કૃષ્ટ પ્રકૃતિની બે આવલિકા ન્યૂન સ્થિતિ પ્રાપ્ત થાય, તેમાં ઉદયાવલિકા મેળવતાં સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની કુલ સ્થિતિસત્તા એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી થાય, તેમાંથી સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે એટલે સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમી શકે. દાખલા તરીકે - નરકગતિની વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધી, બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ બંધાતી મનુષ્યગતિમાં તેની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે, એટલે મનુષ્યગતિની તે ઉદયાવલિકા મેળવતાં કુલ સ્થિતિસત્તા એક આવલિકા ન્યૂન વીશ કોડાકોડી થાય. હવે જે સમયે નરકગતિની સ્થિતિ મનુષ્યગતિમાં સંક્રમી તે સમયથી સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે એટલે કુલ ત્રણ આવલિકા ન્યૂન વીશ કોડાકોડી પ્રમાણ સ્થિતિ બંધાતી દેવગતિમાં સંક્રમી શકે એટલે જ કહ્યું છે કે ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ત્રણ આવલિકા ન્યૂન સ્થિતિ અન્યત્ર સંક્રમે છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.
પ્રશ્ન – ૪ : નકગતિ મનુષ્યગતિમાં સંક્રમે ત્યારે નરકગતિની સત્તા રહે કે નહિ ? શું નરકતિની સત્તા સાવ
ખલાસ થાય ?
ઉત્તર ઃ અન્ય પ્રકૃતિ નયન સંક્રમવડે જે પ્રકૃતિ અન્યમાં સંક્રમે તેની સત્તા સાવ ખલાસ થાય નહિ . સંક્રમનારી પ્રકૃતિના સત્તામાં જેટલાં સ્થિતિસ્થાનો છે અને તેમાં જે દલરચના છે તે સ્થિતિસ્થાનોની દલરચનાનો અમુક ભાગ અન્યમાં સંક્રમે છે, સત્તાગત સંપૂર્ણ દળ રચના અન્યરૂપે થતી નથી એટલે તેની સત્તાનો સર્વથા અભાવ થતો નથી. સત્તાનો સર્વથા અભાવ તો વ્યાઘાતભાવિની અપવર્ઝના વડે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org