________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ ભગવાન શુદ્ધ જીવાસ્તિકાયને વિભાવ સ્વભાવના સ્થાનો નથી. છે એને ગૌણ કરીને પછી એને અભૂતાર્થ કરવા તે વાત જુદી છે. પ્રમાણ સ્થાપો તો ગૌણ કરાય પરંતુ નિશ્ચયનય એક જ વસ્તુને સ્વીકારે છે માટે મુખ્ય-ગૌણ હોતું નથી. આ તો ગીરનારની તળેટીમાંથી ઊંચે ટોંચ ઉપર જવાની વાત છે. ઓહો ! આ તો ટોંચના બોર છે. ટોંચના બોર બહુ મીઠા હોય તેમ મારા પિતાજી કહેતા હતા. ત્યાં સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. પહોંચી તો શકાય છે. અશકય નથી... એમ કહે છે.
ભગવાન શુદ્ધ જીવાસ્તિકાયને તે નથી. જીવાસ્તિકાયમાંથી પણ હું શુદ્ધ જીવાસ્તિકાયમાં આવું છું. શુદ્ધ જીવાસ્તિકાય કહેતાં બીજા જીવોથી હું જુદો પડી જાઉં છું. એટલે એમ કે-હું શુદ્ધ જીવાસ્તિકાય છે તેથી મારામાં વિભાવ સ્વભાવના સ્થાનો નથી, ત્રણેય કાળે હોં ! ભગવાન આત્માનું ત્રિકાળ નિરુપાધિ સ્વરૂપ છે. રાગ દ્વેષની ઉપાધિ ભગવાનને લાગુ પડતી નથી. ઉપાધિ પર્યાયને લાગુ પડે છે પણ દ્રવ્ય સામાન્યને લાગુ પડતી નથી. રાગની ઉપાધિ કોને લાગુ પડે? જેનામાં રાગ થાય તેને લાગુ પડે.. પણ, મારામાં રાગ થતો નથી તેથી ઉપાધિ મને લાગુ પડતી નથી. હું તો ત્રિકાળ નિરુપાધિ સ્વરૂપ છું માટે મારામાં ખરેખર વિભાવ સ્વભાવના સ્થાનો નથી.
અહીંયા કોઈએ એમ તર્ક ન ઉઠાવવો કે-પર્યાયમાં તો રાગ થાય છે કે નહીં. જો એવો તર્ક ઉઠાવશે તો તેને આ અધિકારનો મર્મ તેના લક્ષમાં આવશે નહીં. અને લક્ષમાં નહીં આવે તો પક્ષમાં આવશે નહીં. અને પક્ષમાં નહીં આવે તો પક્ષાતિક્રાંત થવાનો અવકાશ આવશે નહીં. પર્યાયમાં રાગ થાય છે એ વાત ભૂલી જા ! આહા દ્રવ્ય સ્વભાવ કેવો છે તેને તો લક્ષમાં લે! દ્રવ્ય લક્ષમાં આવતાં હવે તું પર્યાયને જાણીશ તો પર્યાયમાં રાગ નહીં હોય. જે પરિણામ દ્રવ્યનું લક્ષ છોડે છે તેને પર્યાયમાં રાગ દેખાય છે. દ્રવ્યનું લક્ષ કરનારને, શુદ્ધ જીવાસ્તિકાય જે ઉપાદેય તત્ત્વ છે તે પર્યાયમાં ગ્રહણ થાય છે. તે પર્યાય રાગથી રહિત થઈ જાય છે. હું તો ત્રણેકાળ રાગથી રહિત જ છું.
આહા. હા! હું રાગથી રહિત છું એવા સ્વભાવને જ્યાં લક્ષમાં લીધો, દેષ્ટિમાં લીધો તેની પર્યાયમાં રાગ રહેતો નથી. અંદરમાં આત્મા ઉપર જ્યાં દૃષ્ટિ પડી કે-હું તો રાગથી રહિત છું, રાગથી રહિત એવી વીતરાગમૂર્તિને જે જાણે છે તેને પર્યાયમાં રાગ ઉત્પન્ન થતો નથી. તેની દૃષ્ટિ પણ હવે વીતરાગી થઈ જાય છે. દ્રવ્ય તો વીતરાગની મૂર્તિ છે પણ વીતરાગને જે સ્વીકારે છે તેની દૃષ્ટિમાં મિથ્યાત્વનો રાગ રહેતો નથી.
આહા હા ! મારા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવના સ્થાનો નથી. કોઈ ખોટી રીતે મને આરોપ આપે તો તે સાવ ખોટો છે. જીવમાં વિભાવ થાય છે તેમ કહેનારો ખોટો-મૂરખ-પાગલ છે. તેને જીવની ખબર નથી. તે ગાંડો છે મતવાલો છે. જીવમાં કોઈ દિવસ રાગ થાય ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk