________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
શુદ્ધ અંત:તત્ત્વ અને અંદર દેહના નિમિત્તે આત્માનો આકાર જે થાય તે પણ વ્યંજનપર્યાય છે. એ વિભાવ વ્યંજનપર્યાયથી તો રહિત પરંતુ સ્વભાવ વ્યંજન પર્યાયથી પણ રહિત તેવું અનિર્દિષ્ટ મારું સંસ્થાન છે. જેમાં કોઈનો આકાર કે કાંઈ છે નહીં એવો નિરાકાર અરૂપી છે.
“જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચર છે-એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે.” આહા ! ડાહ્યા એટલે વિચિક્ષણ પુરુષો, વિચારવંત એટલે અનુભવીઓ. પોતે અનુભવી છે તેથી પોતે પોતાથી લખે છે. વિચારવંત એટલે જ્ઞાનવંત છે, જેને સમ્યજ્ઞાન પ્રગટ થયું છે તેવા વિચાર એટલે અહીં માનસિક વિચાર ન લેવો. વિચારનો અર્થ અતીન્દ્રિયજ્ઞાન લેવું. વિચારવંત એટલે ડાહ્યા વિચિક્ષણ અનુભવી પુરુષોને એટલે આત્માઓને. પુરુષ એટલે સ્ત્રી-પુરુષ તેમ ન લેવું. આત્માને પુરુષ કેમ કહ્યું? આત્મામાં એક વીર્ય નામનો ગુણ છે તે ત્રિકાળી વીર્ય નામના ગુણની અપેક્ષાએ આત્માને પુરુષ કહેવાય. જ્ઞાનની અપેક્ષાએ આત્માને જ્ઞાની કહેવાય.
ડાહ્યા પુરુષોને ગોચર છે. અનુભવીને આવો શુદ્ધ ભગવાન આત્મા-શુદ્ધ જીવાસ્તિકાય આત્મા દૃષ્ટિમાં આવે છે. અમને તો આવો આત્મા દૃષ્ટિમાં આવી ગયો છે. ડાહ્યા પુરુષોને આવો આત્મા અનુભવમાં આવે છે. એવા આત્માની તું કેમ રુચિ કરતો નથી, અને પરમાં કેમ રુચિ કરી રહ્યો છો? હવે તો તારો કાળ પાકી ગયો છે. કેમકે તારી સામે નિયમસાર શાસ્ત્ર છે અને તારી સામે શુદ્ધભાવ અધિકાર છે, અને તને બે આચાર્યો બોધ આપે છે. તારો કાળ પાકી ગયો છે હવે તું આત્માની રુચિ કેમ કરતો નથી? અરે ! ભૂંડા ! હવે તો રુચિ કર ! અત્યાર સુધી તે રુચિ ન કરી તો તે ક્ષમ્ય છે, જા તને માફ છે. પણ હવે માફ નહીં થાય. હવે તું આત્મામાં રુચિ નહીં કરે તો ક્ષમા નહીં મળે. કેમકે “સબ અવસર આ ચૂકા હૈ.” અત્યારે ચોથો કાળ વર્તે છે. પૂ. ગુરુદેવે વ્યાખ્યાનમાં કહ્યું ને... અમૃતના વરસાદ વરસે છે.
તને આવો યોગ મળ્યો, સંજ્ઞી પંચેન્દ્રિયપણું મળ્યું, તને જૈનધર્મ મળ્યો, સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા અને વિચાર કરવાની શક્તિ મળી. ય શું અને ઉપાદેય શું તેવું વિચારવા માનસિકજ્ઞાન મળ્યું. એ માનસિક જ્ઞાન દ્વારા નિર્ણય કરીને આત્માનો અનુભવ થઈ શકે એવી તારામાં શક્તિ છે. એ અનુમાનને છોડીને આત્માનો સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થાય એવો કાળ પાકી ગયો છે. ભગવાન મહાવીરનો જીવ સિંહના ભવમાં હતો અને સમ્યગ્દર્શન થવાનો તેનો કાળ પાકયો હતો તો તેને ઉપદેશ આપવા માટે ચારણ ઋદ્ધિધારી મુનિઓ આવ્યા. ઉપાદાન જ્યારે તૈયાર થાય છે ત્યારે નિમિત્તને મેળવવું પડતું નથી, તેને નિમિત્ત મળી જાય છે. નિમિત્ત મળવા છતાં નિમિત્તથી હું ભિન્ન છું. અરે ! નિમિત્તના લક્ષથી થતાં ભાવો તેનાથી પણ મારો આત્મા ભિન્ન છે. નિમિત્ત મળો તો મળો!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk