________________
ઉતાવળે ચાલતાં કોમળ પગ સદા લચકાઈ જતા, પણ આજે અક્કડ બની ગયા, ને એમણે અંદર જવા દોટ દીધી.
‘ઘણું જીવો મથુરાનાં મહારાણી !' દરવાજે ઊભેલા ગોપબાળોએ કહ્યું. આ માન હતું કે અપમાન એ અત્યારે પારખી શકાય તેમ નહોતું.
પાછળ ઊભેલા મથુરાના પહેરેગીરોએ અભિવાદન કર્યું. રાણીએ અભિવાદન ઝીલતાં જોયું કે ડાલમથ્થા સિંહના જેવા મોટા માથાવાળા ગોવાળો ત્યાં કબજો કરીને અદબથી ઊભા હતા.
રાણીએ તેઓ તરફ તિરસ્કારથી જોયું, અને જાણે તેઓને કંઈ ગણતી ન હોય તેમ આગળ કદમ બઢાવ્યા. થોડી વારે પાછળ જોયું તો મયૂરપિચ્છના વીંઝણાવાળી દાસી સિવાય ત્યાં કોઈ નહોતું. ક્યાં ગયા અંગરક્ષકો ? પણ એ વિશે ચર્ચા કરી શકાય તેમ નહોતું. સભાખંડ આવી ગયો હતો, ને પાણીએ અંદર પ્રવેશ કર્યો.
‘પ્રણામ મામીશ્રી !’ એક તરફથી વેણુના જેવો સ્વર આવ્યો.
‘મામી તારી મા ને મામી તારો બાપ ! હું તો મથુરાની મહારાણી છું, રે ગોવાળિયા !' મહારાણીએ તુચ્છભાવથી કહ્યું. એની નજર સામે બધાં તણખલાનાં તોલે હતાં.
‘અમારા કૃત્ય માટે અમે ક્ષમા માગીએ છીએ.' ફરી એ જ વેણુસ્વર આવ્યો. ‘હું ક્ષમામાં માનતી નથી.’
‘તો શેમાં માનો છો ?'
‘સજામાં’ રાણીએ કહ્યું ને એ આગળ વધી.
સભાખંડની વચ્ચે એક પુરુષ સૂતો હતો. એના પર ગોવાળોએ પોતાની કીમતી પામરી ઓઢાડેલી હતી !
રાણીએ પામરી ખેંચી લીધી. પણ તે સાથે એણે જે દૃશ્ય જોયું તે દિલ કંપાવનારું હતું : અને એ ન માની શકાય એવી વાત કહેતું હતું !
8] પ્રેમાવતાર
2
ન માની શકાય તેવી વાત
જીવયશાએ પોતાના પતિને જોયો. જોતાં જ ચક્કર આવી જાય એવા બીભત્સ રૂપમાં !
એ લાંબો થઈને સૂતો હતો ! એની નિદ્રા ચિરકાળની નિદ્રા હતી ! જે એક અંગ પાછળ હજારો દાસદાસીઓ અનેક પ્રકારની સેવાશુશ્રુષાઓ માટે ખડે પગે રહેતાં એ અંગો છૂંદાઈ ગયાં હતાં.
જે હાથ ઊભો થતાં હજારો લોકો હાથ જોડીને હાજી હા કરતા ને જે પગ નીચે મૂકતાં પૃથ્વી કંપી ઊઠતી, એ હાથ અને પગ દાતણના કૂચાની જેમ કચરાઈ ગયા
હતા.
જે અણનમ મસ્તકથી એ ઇંદ્રની જેમ પૂજા પામતો. એ મસ્તક વધેરેલા શ્રીફળની જેમ ખંડ ખંડ થઈ ગયું હતું.
અને આ ગોકુલ-વૃંદાવનના ગોવાળિયાઓ શૂરાની રીત ક્યાંથી સમજે ? તેઓએ પડ્યા પર પાટુ મારી મારીને મથુરાધિપતિ કંસદેવના દેહને સાવ રોટલો ઘડી નાખ્યો હતો. કંસદેવની મોટી મોંફાડના બે હોઠને છેડેથી રક્તની ધારા વહી ગયેલી દેખાતી હતી.
જીવયશા ગમે તેવી કઠોર હતી તોય આખરે સ્ત્રી હતી, પત્ની હતી. પતિનું આ વિકૃત શબ જોઈને એ બે ઘડી થંભી ગઈ. એનું રૂપાળું મુખ ફિક્કુ પડી ગયું. એના ગરમ શ્વાસે ગળાના હારનાં પુષ્પો કરમાઈ ગયાં ! આવી સમર્થ નારી પણ પળવાર તો બેહોશી અનુભવી રહી.
જીવયશાના દિલમાં કેવો દારુણ સંગ્રામ મંડાયો હતો, એ એનાં ઘાટીલાં લીંબુની ફાડ જેવાં નયનોમાં ચોખ્ખો વાંચી શકાતો હતો.
થોડી વારે એ સ્વસ્થ થઈ. એની હાજરીથી ત્યાં એકત્ર થયેલી મેદની પણ થોડી