________________
54
આગમ-કથાઓ તે ધન્યકુમાર અપાર ધન, વૈભવ અને મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતાં સમય વ્યતીત કરવા લાગ્યા. એક વખત કાકંદી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ દેશના સાંભળવા ગઈ, ધન્ય કુમાર પણ ગયા. ઉપદેશ સાંભળી ધન્યકુમાર સંસારથી વિરકત થયા અને માતાની અનુમતિ મેળવી સંયમ લેવાની ભાવના વ્યકત કરી. પુત્ર મોહના કારણે વચન સાંભળતાં જ માતા દુખ પામી. થોડો સમય વ્યતીત થતાં સ્વસ્થ બની અને વિલાપ કરતી પુત્રને સમજાવવા લાગી કે હે પુત્ર! અત્યારે દીક્ષા ન લે. મારા મૃત્યુ પછી તું દિક્ષા લેજે. ક્ષણભર પણ તારો વિયોગ મારાથી સહન કરી શકાય નહીં. ધન્યકુમાર માતાને કહે છે કે – માતા! મનુષ્ય જીવન ક્ષણ ભંગુર છે. કામભોગ અવશ્ય ત્યાગવા યોગ્ય છે. કોણ પહેલાં અને કોણ પછી મૃત્યુ પામશે તેની ખબર નથી. તેથી હું હમણાં જ સંયમ ગ્રહણ કરીશ. અનિચ્છાએ માતાએ અનુમતિ આપી. તે નગરીના જિતશત્રુ રાજાએ કૃષ્ણ મહારાજની જેમ ભવ્ય દીક્ષા મહોત્સવ કર્યો. ભગવાનની સમક્ષ પહોંચી ધન્યકુમારે પંચમષ્ટિ લોચ કર્યો. ભગવાને રાજા તથા માતાની આજ્ઞાથી દીક્ષા પાઠ ભણાવ્યો. ધન્યકમાર હવે ધના અણગાર બન્યા. દીક્ષાના દિવસથી જ ધના અણગારે આજીવન છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાની પ્રતિજ્ઞા કરી. પારણામાં પણ આયંબિલ કરવું અને એવો રૂક્ષ આહાર લેવો કે જેને અન્ય કોઈ યાચક લેવા ન ઇચ્છે–ફેંકી દેવા યોગ્ય હોય. આ પ્રકારે અભિગ્રહ કરી મુનિ પારણા માટે ફરતાં હતાં. તેઓને કયારેક પાણી મળે તો અન્ન ન મળતો અને કયારેક આહાર મળે તો પાણી ન મળતો. જે મળતું તેમાં સંપૂર્ણ સંતોષ માની, કોઈપણ પ્રકારનો ખેદ કર્યા વિના તેઓ સમભાવે વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતા. આવું ઉત્કૃષ્ટ તપ કરવાથી તેમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. તેમના આ તપોમય શરીરના અંગ-ઉપાંગનું વર્ણન ઉપમાસહિત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. અંતે બતાવ્યું કે ધન્ના અણગાર તપ તેજથી અત્યંત શોભી રહ્યા હતા. અને આત્માના બળથી જ ચાલી રહયા હતા. ધના અણગારે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું. તપ-સંયમથી આત્માને ભાવિત કરતા ભગવાનની સાથે ગ્રામાનુગ્રામ વિચારવા લાગ્યા. એક વખત ભગવાન રાજગૃહી નગરીમાં પધાર્યા. શ્રેણિક રાજા દર્શન કરવા આવ્યા. ધર્મોપદેશ સાંભળી પૂછયું કે, 'ભંતે! ગૌતમ આદિ સહિત ચૌદહજાર મુનિઓમાં સૌથી વધુ દુષ્કર ક્રિયા કરનાર કોણ છે.' પ્રભુએ ફરમાવ્યું કે વર્તમાને સર્વ મુનિઓમાં ધના અણગાર દુષ્કર કરણી કરનાર છે અને મહાનિર્જરા કરનાર છે. આ સાંભળી શ્રેણિક અત્યંત હર્ષિત થયા. ધના અણગાર સમીપે આવી ધન્ય ધન્ય કહેતા તેમના ગુણગ્રામ કર્યા. ભકિતસભર વંદન કર્યા અને પાછા ફર્યા. કાલાંતરે ધના અણગારે પણ જાલિકુમારની જેમ વિપુલપર્વત પર ચઢી સંલેખના કરી. નવમાસની દીક્ષા પાળી, એક માસનો સંથારો કરી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સિદ્ધ થશે. પ્રસ્તુત અધ્યયનમાંથી એ શિક્ષા લેવી જોઈએ કે આત્મ-કલ્યાણની ઇચ્છાથી સંસારનો ત્યાગ કર્યા બાદ સાધકે કયાંય મમત્વ ન રાખવું જોઈએ. શરીરના મમત્વનો પણ ત્યાગ કરી તપ-સંયમમાં પુરુષાર્થ કરવો જોઈએ. આ પ્રકારે જ વર્તતાં લીધેલો સંયમ સાર્થક બને છે. સુનક્ષત્ર આદિ શેષ નવનું વર્ણન પણ ધના અણગારની જેમ જ સમજવું. નગરી, માતાનું નામ તથા દીક્ષા પર્યાયમાં કંઈક તફાવત છે. તે સર્વે ઉત્કૃષ્ટ તપ-સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. આ વર્ગમાં ૯ મહિના અને ૬ મહિનાની દીક્ષા દરમ્યાન અગિયાર અંગોના અધ્યયનનું વર્ણન મનનીય છે. ત્રીજા વર્ગમાં વેહલકમાર સિવાય ૯ના પિતા દીક્ષા પૂર્વે દિવંગત થઈ ગયા હતાં. પ્રથમ વર્ગમાં શ્રેણિકના પ્રસિદ્ધ પત્ર વેહલ' અને "વેહાલય'નું વર્ણન છે. બીજામાં હલ' નામ આવ્યું છે અને ત્રીજામાં વહલ્લ' નામ આવ્યું છે. આ બધા ભિન્ન ભિન્ન છે. ઉપલબ્ધ સૂત્ર પદ્ધતિમાં નામની સામ્યતા હોવી સહજ છે.
વિપાક ગમિક સુત્રોઃ સુત્રો કંઠસ્થ રાખવાની પરંપરામાં સુગમતા માટે એક સરખા વર્ણનો કે પાઠો માટે નિર્દેશ નો ઉપયોગ થતો. આમાં લાબાં વર્ણનો વારંવાર ન કરતાં એક જ પાઠનો ઉપયોગ થતો. તેથી આ સુત્રના પાઠો તથા અન્ય અનેક સૂત્રનાં કેટલાંક પાઠ ગમિક (એક સરખા) છે. પ્રસ્તાવનાઃ આ સંસારના સમસ્ત જીવો કર્મના વિપાક પ્રમાણે પ્રવાહિત થઈ રહ્યા છે. આ પ્રવાહમાં જીવ શુભ કર્મના સંયોગથી સુખી સાંસારિક અવસ્થા પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મના સંયોગથી દુઃખી અવસ્થા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત સૂત્રમાં આવા બન્ને પ્રકારના આત્માઓના જીવન વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ વિપાકના વર્ણનના કારણે આ સૂત્રનું નામ વિપાક સૂત્ર રાખવામાં આવ્યું છે. આ અગિયારમું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. (૧) દુ:ખ વિપાક અને (૨) સુખ વિપાક. દુ:ખવિપાકમાં પાપકર્મનું અને સુખવિપાકમાં પુણ્યકર્મનું ફલ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ કથા પ્રધાન અંગ શાસ્ત્ર ગણધર રચિત છે. ભગવાન મહાવીર સ્વામીએ મોક્ષ પધારતાં પહેલાં ભવી જીવોના ઉદ્ધાર અર્થે (પપપપ) ૧૧૦ અધ્યયન દુઃખ અને સુખ વિપાકના ફરમાવ્યા છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્ર ૧૨૧૬ ગાથા પ્રમાણ છે.
પ્રથમ શ્રુતસ્કંધ – દુઃખ વિપાક પ્રથમ અધ્યયન – મૃગાપુત્ર ભગવાન મહાવીરના વિચરણ કાલમાં મૃગગ્રામ નામનું નગર હતું. વિજયક્ષત્રિય નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. મૃગાદેવી તેની રાણી હતી. તેણે એક બાળકને જન્મ દીધો. તે મહાન પાપ કર્મોના ઉદયથી પ્રભાવિત હતો. તે જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેને આંખ, કાન, નાક, હાથ-પગ આદિ અવયવ નહોતાં. ફકત નિશાની જ હતી. શરમના કારણે અને પતિની આજ્ઞાથી મૃગાદેવી તેનું ગુપ્ત રૂપે પાલન-પોષણ કરતી. તેને એક ભોયરામાં રાખવામાં આવ્યો હતો. તેને જન્મ પહેલાં ગર્ભમાં જ ભસ્મક રોગ લાગુ પડયો હતો જેથી આહાર કરતાં તુરત જ તેના શરીરમાંથી પરૂ અને લોહી વહેતું. મૃગારાણીનો આ પ્રથમ દીકરો હતો. ત્યાર પછી