________________
આગમ-કથાઓ
100
વસ્ત્ર ઉપર લાગેલી રજની સમાન ખંખેરી, ત્યાગ કરી, મુંડિત થઈ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આત્મકલ્યાણની સાધના માટે શ્રમણ દીક્ષા અંગીકાર કરી. જેમાંના કેટલાકને પ્રવ્રજયા અંગીકાર કર્યાને માસ, અર્ધમાસ, બે–ત્રણ–ચાર માસ થયા હતા. કેટલાકને તેથી વધુ માસ કે વર્ષો થયા હતા અર્થાત્ વિભિન્ન દીક્ષા પર્યાયવાળા અનેકાનેક શ્રમણો હતા.
કેટલાક શ્રમણો મતિ અને શ્રુત એમ બે જ્ઞાનના ધારક હતા. કેટલાક અવધિજ્ઞાની તો કેટલાક મનઃપર્યવજ્ઞાની તો કેટલાક કેવળજ્ઞાનદર્શનના ધારક સર્વજ્ઞ-સર્વદર્શી હતા. કોઈ શ્રમણ ઉત્કૃષ્ટ મનબળ, કોઈ વચનબળ તો કોઈ કાય– બળના ધારક હતા. ૧૪. સ્થવિરોનાં ગુણો :– ભગવાન મહાવીરના અંતેવાસી કેટલાક સ્થવિર ભગવંત(જ્ઞાન ચારિત્રમાં વૃદ્ધ) જાતિ સંપન્ન, કુલ સંપન્ન, બલ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજજા સંપન્ન, લાઘવ–નિરહંકાર ભાવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વચંસી, યશસ્વી, ક્રોધજયી, માનજયી, માયાજયી, લોભજયી, ઇન્દ્રિયજયી, નિદ્રાજયી, પરિષહજયી, જન્મ– મરણના ભયથી રહિત, સંયમ ગુણ પ્રધાન, કરણ પ્રધાન, ચારિત્ર પ્રધાન, દશ પ્રકારના યતિધર્મ યુક્ત, નિગ્રહ પ્રધાન, નિશ્ચય પ્રધાન, આર્જવ, માર્દવ, લાઘવ સંપન્ન, શાંત, દાંત, ગુપ્તિ પ્રધાન, બ્રહ્મચર્ય, નય, નિયમ, સત્ય, શૌર્ય, કીર્તિ, લજ્જા, તપ, અનિદાન, અલ્પ ઉત્સુક, અનુપમ મનોવૃત્તિ યુક્ત હતા. જેઓ વીતરાગ મહાવીર પ્રભુના પ્રવચનને પ્રમાણભૂત માનીને ચાલતા હતા. ૧૫. ગુણનિષ્પન્ન અણગાર :–ભગવાન મહાવીરના અંતેવાસી ઘણા અણગાર હતા. તેઓ ઈર્યા, ભાષા, એષણા સમિતિ યુક્ત, ભંડોપકરણ રાખવામાં અને મળમૂત્ર ત્યાગવામાં યત્નાયુક્ત હતા. તેઓ મન, વચન, કાયાથી ગુપ્ત હતા. તેઓ બ્રહ્મચારી, અકિંચન, નિરુપલેપ; ક્રોધ, દ્વેષ, રાગ, પ્રેમ અને પ્રશંશાથી રહિત; નિગ્રંથ, શંખ સમાન નિરંગણ, વાયુ સમાન અપ્રતિહત, છલ–કપટ રહિત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, સૌમ્ય, કોમળ, તેજયુક્ત, લેશ્યાયુક્ત, સમુદ્ર જેવા ગંભીર, મેરૂ સમાન અડોલ, પરિષહોમાં અચલ, ભારડ પક્ષી સમાન અપ્રમત્ત, હાથી સમાન શક્તિશાળી, સિંહ સમાન અપરાજેય, પૃથ્વી સમાન સહિષ્ણુ, જ્ઞાન તથા તપતેજથી દીપતા હતા. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની આસક્તિથી રહિત હતા. સાધુઓ વર્ષાવાસના ચાર મહિના છોડીને આઠ મહિનામાં ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત( એક અઠવાડિયું અને પાંચ અઠવાડિયા એટલે ૨૯ દિવસ) રહેતા હતા. તેઓ ચંદનની જેમ અપકાર કરવાવાળા ઉપર પણ ઉપકારની વૃત્તિ રાખનારા અનાસક્ત, મોક્ષાભિગામી અને કર્મોનો નાશ કરનારા હતા. આ નિર્પ્રન્થ મુનિઓ છ બાહ્ય અને છ આવ્યંતર કુલ બાર પ્રકારના તપને યથાયોગ્ય ધારણ કરનારા હતા. આ પ્રમાણે તપસંયમથી આત્માને ભાવિત કરનારા ગુણ સંપન્ન શિષ્યો હતા.
૧૬. અણગારોની જ્ઞાનઆરાધના :– કેટલાક શ્રમણ આચારાંગ સૂત્રને કંઠસ્થ કરનારા તો કેટલાક શ્રમણ સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ આદિને કંઠસ્થ કરી ધારણ કરનારા હતા અને કેટલાક શ્રમણો અગિયાર અંગસૂત્રો અથવા સંપૂર્ણ દ્વાદશાંગીને ધારણ કરનારા હતા. તે શ્રમણો ઉદ્યાનમાં જુદા–જુદા સ્થાને નાના—મોટા સમૂહોમાં વિભક્ત રહેતા હતા. કોઈ શ્રમણો વાચના દેતા, તો કોઈ આગમ ભણતા, ભણાવતા; કોઈ શંકાનું સમાધાન કરતા, તો કોઈ સ્વાધ્યાયનું પુનરાવર્તન કરતા, કોઈ ચિંતન-મનન કરતા, તો કોઈ વિવિધ ધર્મકથા કરતા. જ્યારે કેટલાક શ્રમણો સ્થિર થઈ ધ્યાન ધરતા હતા.
તેઓ સંસારને મહા સમુદ્રની ઉપમાવાળો સમજી તેના ભવભ્રમણ રૂપ ભયથી ઉદ્વિગ્ન થઈ વિરક્ત ભાવમાં લીન રહેતા. તેઓ સંયમ—તપને ધર્મનૌકા સમજી તેના દ્વારા આત્માની સમ્યક્ રીતે રક્ષા કરતા થકા મોક્ષ પ્રાપ્તિના હેતુએ સમ્યક્ પરાક્રમ કરતા હતા. ૧૭. સમવસરણમાં દેવોનું આગમન :– ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ભગવાન સમોસર્યા. ભવનપતિ અસુરકુમારદેવો પોતાની ઋદ્ધિ સંપદા અને દિવ્યરૂપે ભગવાનની સેવામાં પહોંચ્યા. તેમણે ભગવાનને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક હાથ જોડી પર્યુપાસના કરવા લાગ્યા.
નાગકુમાર આદિ શેષ નવનિકાયના દેવો પણ સમવસરણમાં આવ્યા. તેવી જ રીતે પિશાચ, ભૂતાદિ અને આણપત્નક આદિ વ્યંતરદેવો આવી પર્વપાસના કરવા લાગ્યા.
બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ એવં અંગારક તથા અન્ય ગ્રહ, નક્ષત્ર, તારા, ચલ અચલ બધા પ્રકારના જ્યોતિષી દેવો સમવ– સરણમાં આવ્યા.
સૌધર્મ, ઈશાન આદિ ૧૨ દેવલોકના વૈમાનિક દેવ પોતાની ઋદ્ધિ, સંપદા, દ્યુતિથી યુક્ત પોતપોતાના વિમાનોથી આવ્યા અને વંદન–નમસ્કાર કરી વિનય– ભક્તિ સહિત પર્યાપાસના કરવા લાગ્યા અર્થાત્ ઉપદેશ સાંભળવા માટે બેસી ગયા. આ બધા દેવોની સાથે તેમની દેવીઓ પણ સમવસરણમાં આવી ઉપરોક્ત વિધિપૂર્વક બેસી દેશના સાંભળવા લાગી.
૧૮. જનસમુદાયનું સમવસરણમાં આગમન :– ચંપાનગરીના ત્રિભેટે, ચૌટે, દ્વારે તેમજ ગલીઓમાંથી મનુષ્યનો કોલાહલ થઈ રહ્યો હતો. એકબીજા પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા કે− દેવાનુપ્રિય ! ધર્મના પ્રરૂપક ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિચરણ કરતા થકાં આપણા ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા છે, સમવસ્તૃત થયા છે. માટે હે દેવાનુપ્રિયો ! જે ભગવાનનું નામ સાંભળવું હિતકારી છે, તેની સન્મુખ જવું, દર્શન કરવા, વંદન-નમસ્કાર કરી ભગવાણીનો લાભ લેવો, પર્યુપાસના કરવી; ખરેખર મહાભાગ્યની વાત છે ! તે મહાપ્રભુ મંગલ છે, તીર્થરૂપ છે, કલ્યાણકર છે, દેવરૂપ છે; ચાલો તેમની પર્યાપાસના કરીએ. આપણા ભવોભવના સંચિત કર્મ ક્ષય થશે; આપણને મોક્ષ લાભ મળશે. આવું વિચારી બધા સજ્જનો નિત્ય ક્રિયાથી નિવૃત્ત થઈ ઉત્તમ વસ્ત્રાલંકારથી યુક્ત થયા. આરક્ષક અધિકારી, તેમના પુત્રાદિ, રાજાનો મંત્રીવર્ગ, પરામર્શ મંડલના સદસ્યો, ક્ષત્રિયો, રાજકર્મચારીઓ, બ્રાહ્મણો, ભાટવર્ગ, યોદ્ધાઓ; લિચ્છવીવંશી, મલ્હવી વંશી, ઇક્ષ્વાકુવંશી, કુરુવંશી, સૈનિકો, મલ્લ, ગણરાજ્યના સદસ્યો, ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, વિશિષ્ટ નાગરિકો, જાગીરદારો, શ્રેષ્ઠીઓ, શેઠ, સેનાપતિઓ અને સાર્થવાહોએ નિર્ણય કર્યો કે આપણે ભગવાનની સમક્ષ જઈ વંદન–નમસ્કાર કરી, ઉપાસના કરીએ; વ્રત અંગીકાર કરીએ, ઇત્યાદિ વિચારી પગે ચાલી, મધુર ઘોષણા કરતાં નગરીની વચ્ચેથી નીકળી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં સમોસરણમાં આવી ભગવાનને વંદન–નમસ્કાર કરી પર્યુપાસના કરવા લાગ્યા.