________________
આગમ-કથાઓ
68
સારી કુહાડીવાળો પુરુષ લાકડાને જલ્દી કાપી નાખે છે અને ખરાબ કુહાડીવાળો કાપી નથી શકતો. તેનો અર્થ એવો નથી કે શસ્ત્ર પ્રમાણે કાર્ય થાય, વ્યકિત કંઈ છે જ નહીં પરંતુ સાધનના અભાવમાં કાર્યમાં અંતર પડે છે. તેમ આત્મ તત્વ બધામાં એક સરખુ હોવા છતાં સાધન રૂપ શરીરની અપેક્ષા તો દરેક કાર્યમાં રહે જ છે. ભાર વહન કરવા કાવડ તથા રસ્સી નવી–જુની મજબૂત જેવી હોય તે પ્રમાણે વ્યકિત ભાર વહન કરી શકે છે. આ રીતે સાધનની મુખ્યતાથી જ ભિન્નતા જણાય છે. તેથી હે રાજન્ ! આ તર્કથી પણ આત્માને ભિન્ન ન માનવો તે અસંગત છે.
રાજાઃ–એક વખત એક માણસને મેં જીવતાં તોળ્યો, વજન કર્યું, પછી તત્કાળ પ્રાણ રહિત કરીને તોળ્યો તો અંશમાત્ર તેના વજનમાં અંતર ન પડયું. તમારી માન્યતાનુસાર શરીરથી ભિન્ન આત્મ તત્વ ત્યાંથી નીકળતુ હોય તો વજનમાં ફરક પડવો જોઈએ ને ? કેશી :- કોઈ મસકમાં હવા ભરીને તોળવામાં આવે અને હવા કાઢી નાખ્યા પછી તોળવામાં આવે તો તેમાં કોઈ અંતર નથી પડતું. આત્મા તે હવાથી પણ અત્યંત સૂક્ષ્મ(અરૂપી) છે. તેથી તેના નિમિત્તથી વજનમાં ફરક પડતો નથી. તેથી હે રાજન્ ! તમારે શ્રદ્ઘા કરવી જોઈએ કે શરીર અને આત્મા ભિન્ન છે.
રાજા :- એક વખત એક અપરાધીને મેં નાના—નાના ટુકડા કરી જોયો, મને કયાંય જીવ ન દેખાયો. તેથી હું માનું છું કે શરીરથી ભિન્ન જીવ જેવી કોઈ ચીજ જ નથી.
કેશી: – રાજન્ ! તું પેલા મૂર્ખ કઠિયારાથી અધિક મૂર્ખ છે, વિવેકહીન છે.
એક વખત કેટલાક કઠિયારા જંગલમાં ગયા. આજે એક નવો માણસ પણ સાથે હતો. જંગલ ખૂબ દૂર હોવાથી ત્યાંજ ખાવું–પીવું વગેરે કાર્ય હોઈ, સાથે થોડા અંગારા લીધા હતા. આજે તેઓએ નવા માણસને કહ્યું. તમે જંગલમાં બેસો. અમે લાકડા કાપી લઈ આવશું. તમે ભોજન બનાવી રાખજો. કદાચ આપણી પાસે રહેલો અગ્નિ બુજાઈ જાય તો અરણી કાષ્ટથી અગ્નિ પેદા કરી ભોજન તૈયાર કરી રાખજો. લાકડા લઈ આવ્યા પછી ભોજન કરી ઘરે જશે.
તેઓના ગયા પછી પેલા માણસે યથાસમયે ભોજન બનાવવાનો પ્રારંભ કર્યો પણ જોયું તો આગ બુજાઈ ગઈ હતી. અરણી કાષ્ઠની ચારે બાજુ જોયું તો કયાંય અગ્નિ ન દેખાણો. આખરે અરણી કાષ્ટના ટુકડેટુકડા કરી જોયા પણ અગ્નિ ન દેખાણો. અગ્નિ વિના ભોજન કેમ પકાવવું ? તે નિરાશ થઈ બેઠો રહ્યો.
જ્યારે તે કઠિયારાઓ લાકડા લઈને આવ્યા ત્યારે તેઓ બીજા અરણી કાષ્ઠ દ્રારા અગ્નિ પેદા કરી ભોજન બનાવ્યું. તેઓએ નવા કઠિયારાને કહ્યું કે – રે મૂર્ખ ! તું આ લાકડાના ટુકડેટુકડા કરી તેમાંથી અગ્નિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તો એમ શોધવાથી અગ્નિ મળે ? તે જ રીતે હે રાજન્ ! તારી પ્રવૃત્તિ પણ તે મૂર્ખ કઠિયારા સમાન છે.
રાજા
ભંતે ! તમારા જેવા જ્ઞાની, બુદ્ધિમાન, વિવેકશીલ વ્યકિત આ વિશાળ સભામાં મને તુચ્છ, હલકા શબ્દોથી, અનાદર પૂર્ણ વ્યવહાર કરે તે ઉચિત છે.
-:
કેશી :- રાજન્ ! તમે જાણો છો કે પરિષદ કેટલા પ્રકારની હોય છે ? તેમાં કોની સાથે કેવી રીતે વ્યવહાર કરાય ? કોને કેવો દંડ દેવાય ? તો તમે મારી સાથે શ્રમણોચિત વ્યવહાર ન કરતાં, વિપરીત રૂપે વર્તન કરી રહયા છો તો મારે તમારી સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરવો જ યોગ્ય છે, તમે આ નથી સમજી શકતા ?
રાજા :– પોતાનો આશય સ્પષ્ટ કરતાં રાજાએ કહ્યું કે પ્રારંભના વાર્તાલાપથી જ હું સમજી ગયો હતો કે આ વ્યકિત સાથે જેટલો વિપરીત વ્યવહાર કરીશ તેટલો જ્ઞાનલાભ વધુને વધુ થશે. તેમાં લાભ થશે નુકશાન નહિ જ. હું તત્વ જ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ ચારિત્રને પ્રાપ્ત કરીશ. જીવ અને જીવના સ્વરૂપને સમજીશ. તે કારણે જ હું તમારી સાથે વિપરીત વર્તન કરતો હતો. હે ભંતે ! આપ તો સમર્થ છો. મને હથેળીમાં રાખેલા આંબળાની જેમ આત્માને બહાર કાઢી બતાવો.
કેશી :- હે રાજન્ ! આ વૃક્ષના પાંદડા આદિ હવાથી હલી રહ્યા છે, તો હે રાજન્ ! તું આ હવાને આંખોથી જોઈ નથી શકતો, હાથમાં રાખી કોઈને દેખાડી નથી શકતો તો પણ તેના અસ્તિત્વનો સ્વીકાર તો કરે જ છે. તે પ્રકારે હે રાજન્ ! આત્મા હવાથી પણ સૂક્ષ્મ છે અર્થાત્ હવા તો રૂપી પદાર્થ છે પણ આત્મા અરૂપી છે. તેને હાથમાં કેવી રીતે દેખાડી શકાય ? તેથી હે રાજન ! તમે શ્રદ્ધા કરો કે હવાની સમાન આત્મા પણ સ્વતંત્ર અચક્ષુગ્રાહય તત્વ છે.
જમીનમાં આંબો, દ્રાક્ષ, શેરડી, મરચા આદિના પરમાણુ પડયા છે તેવી શ્રદ્ધાથી કોઈ વ્યકિત બીજ વાવે તો ફળ પ્રાપ્ત કરી શકે પરંતુ કોઈ ધરતીને ખોદી તેના કણ-કણમાં તે આમ્ર, દ્રાક્ષ, શેરડી, મરચાના પરમાણુઓને પ્રત્યક્ષ જોવાનો પ્રયત્ન કરે તો તેને ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ રૂપી પદાર્થ પણ રૂપી હોવા છતાં સામાન્ય જ્ઞાન વાળાને દષ્ટિગોચર નથી થતા તો આત્મા જેવો અરૂપી અને અતિ સૂક્ષ્મ પદાર્થ જોવાની કલ્પના કરવી તે બાલિશતા છે, નાદાનતા છે.
તેથી આત્મા, પરલોક, પુદ્ગલ પરમાણુ, સૂક્ષ્મ સમય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવની આદિ, તૈજસ–કાર્મણ શરીર, કર્મ આદિ કેટલાક તત્વ સામાન્ય જ્ઞાનીઓ માટે શ્રદ્ધા ગમ્ય અને બુદ્ધિ ગમ્ય હોઈ શકે. પ્રત્યક્ષ ગમ્ય નહિ. રાજા –ભંતે ! જીવને અલગ તત્વ માનશું તો તેનું પરિમાણ, કદ કે માપ કેટલું માનવું ? તે આત્મા કયારેક હાથીની વિશાળ કાયામાં અને કયારેક કીડી જેવા નાના શરીરમાં કેવી રીતે રહી શકે ? જો તેનું કદ કીડી જેટલું માનીએ તો હાથીના શરીરમાં કેવી રીતે રહી શકે ? અને જો હાથી જેટલું કદ માનીએ તો કીડીના શરીરમાં કેમ સમાઈ શકે ? તેથી શરીર અને આત્માને ભિન્ન તત્વ ન માનવા જોઈએ. કેશી - રાજન્ ! જે પ્રકારે દીપક મોટા હોલમાં રાખવામાં આવે તો તેનો પ્રકાશ આખા હોલમાં ફેલાય છે અને નાના ખંડમાં રાખવામાં આવે તો પણ તેના પ્રકાશનો સમાવેશ થઈ જાય છે. તેવી રીતે બલ્બને એક કોઠીમાં રાખો તો તેનો પ્રકાશ કોઠીમાં સમાઈ જાય છે. તેનું કારણ એ છે કે રૂપી પ્રકાશમાં સંકોચ વિસ્તરણનો ગુણ છે. આ જ રીતે આત્માના પ્રદેશમાં પણ ઉકત ગુણ છે. તે જે કર્મના ઉદયથી જેવું અને જેટલું શરીર પ્રાપ્ત કરે છે તે શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે. તેમાં કોઈ મુશ્કેલી નથી તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે આત્મા અને શરીર ભિન્ન છે. જીવ તે શરીર નથી.