Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૦
તૃતીય કર્મગ્રંથ
લાવેલું આવા પ્રકારનું સાસ્વાદન આ સાત માર્ગણાઓમાં હોઇ શકે છે. પરંતુ તે સાસ્વાદન ગુણસ્થાનકનો કાળ ફક્ત છ આવલિકા જ છે. અને પ્રથમ આહારપર્યામિ એક સમયમાં પૂર્ણ થાય છે પરંતુ બીજી શરીરપર્યાપ્તિ અંતર્મુહૂર્તે પૂર્ણ થાય છે. તે શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં તો સાસ્વાદનનો કાળ અલ્પ હોવાથી સાસ્વાદન ગુણઠાણું ચાલ્યું જાય છે. અને પરભવનું આયુષ્ય તો આહાર-શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ બંધાય છે. માટે જ્યારે સાસ્વાદન હોય છે ત્યારે આયુષ્ય બંધાતું નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે સાસ્વાદનનો કાળ પૂર્ણ થઇ ગયેલ હોવાથી સાસ્વાદન ચાલ્યું જાય છે- તેથી તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ આ સાત માર્ગણાઓમાં સાસ્વાદને સંભવતો નથી.
સૂક્ષ્મનિગોદાદિ કોઇ પણ ભવમાં જઘન્યથી ૧ ક્ષુલ્લભવનું (૨૫૬ આવલિકાનું) આયુષ્ય હોય છે. તેમાંથી બે ભાગ ગયા પછી જ પરભવનું આયુષ્ય બંધાશે, સાસ્વાદન તો પરભવથી લઇને આવેલું ફક્ત છ જ આલિકા ટકે છે તેથી પણ સાસ્વાદન ગુણઠાણે આ બે આયુષ્યનો બંધ સંભવતો નથી. એમ અન્ય આચાર્યો પોતાના ૯૪ ના બંધના પક્ષની સિધ્ધિ માટે આવી યુક્તિ આપે છે.
પ્રશ્ન- જો ૯૪ નો બંધ માનનાર અન્ય આચાર્યો પોતાના પક્ષની સિધ્ધિ માટે ઉપરોક્ત યુક્તિ સમજાવે છે તો ગ્રંથકારશ્રી ૯૬ ના બંધના પોતાના પક્ષની સિદ્ધિ માટે શું યુક્તિ આપે છે?
ઉત્તર- ગ્રંથકારશ્રીના અભિપ્રાયને જણાવનારી યુક્તિ મૂળ ગાથામાં નથી, તથા તેઓએ જ આ ત્રીજા કર્મગ્રંથ ઉપર સ્વોપજ્ઞટીકા બનાવેલી હતી પરંતુ આજે ક્યાંય તે ઉપલબ્ધ નથી. પરંતુ આ ત્રીજા કર્મગ્રંથ ઉપર લખાયેલી અવચૂર્ણિમાં આવો ખુલાસો કર્યો છે કે ૯૬ નો સાસ્વાદને બંધ માનનારા આચાર્યો આ સાત માર્ગણાઓમાં સાસ્વાદનભાવ છ આવલિકાને બદલે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પણ (આયુષ્ય બંધાય ત્યાં સુધી પણ) હોય છે એમ માને છે તે અવચૂર્ણિનો પાઠ આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org