Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
(24)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? નિર્માણ થયું છે. આ સાહિત્યમાં પાછળથી ઉપલબ્ધ પ્રત્યક્ષ માહિતીનો વિનિયોગ થાય કે પછી તાર્કિક નિષ્કર્ષો દ્વારા ખૂટતી વિગતોની પૂર્તિ થાય, એ સહજ છે. સાહિત્યની પ્રાચીન પ્રણાલી કાવ્યાત્મક વધારે હતી. તેથી આલંકારિક ભાષા વપરાવાથી કલ્પનાના રંગ પ્રવેશે એ અસંભવિત વાત નથી. તીર્થકરો એ જે વર્ણન કર્યું તે તેમની દિવ્યદૃષ્ટિથી જોઈને કહ્યું, અને ખપપૂરતું કહ્યું. વિશ્વનું સંપૂર્ણ ચિત્ર દોરવાનું લક્ષ્ય તેમની સામે હતું જ નહિ. તેમની સાધનાના અને ઉપદેશના કેન્દ્રબિંદુ તો અહિંસા, કરુણા, સમતા, સત્ય, સંયમ જેવાં આધ્યાત્મિક તત્ત્વો હતાં. એ કક્ષાની વ્યક્તિમાં અસત્ય અને દંભ અકલ્પનીય બની રહે. આથી તેમના પ્રબોધન/પ્રરૂપણામાં કલ્પિત/ અસત્ય કથનની કલ્પના અકલ્પનીય ઠરે છે.
જૈન આગમ તથા અન્ય ગ્રંથોમાં ઉપલબ્ધ ભૂગોળ-ખગોળ સંબંધિત વિગતોનો વર્તમાન વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત માહિતી સાથે ક્યારેક મેળ મળતો નથી ત્યારે ધાર્મિક વર્ગને મુંઝવણ અનુભવવી પડે છે. જૈન શ્રમણોનો મોટો ભાગ વિજ્ઞાનને અપૂર્ણ કહીને સંતોષ માને છે. તો બીજા કેટલાક 'થોભો અને રાહ જુઓ'નો અભિગમ અપનાવે છે. આ બંને અભિગમ શ્રદ્ધામૂલક તો છે, પરંતુ સંતોષજનક નથી. આ બાબતમાં એક ત્રીજો અભિગમ પણ છે અને એ છે શાસ્ત્રગત વર્ણનોના નવેસરથી અર્થઘટનનો. આ અભિગમને ભારતીય ચિંતનનો ટેકો પણ છે. શાસ્ત્રીય વિષયોની ચર્ચામાં એક સૂત્રનો હંમેશાં વિનિયોગ થતો આવ્યો છે. તે છે : 'સિદ્ધહ્ય તિષ્ઠિાનીયા:' 'જે વસ્તુ કોઈક રીતે પ્રમાણિત થઈ ચૂકી હોય તેના સમાવેશ સમાધાન માટે માર્ગ ખોળી કાઢવો.'