Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ ભવનપતિ દેવોના નિવાસ હોવાનું કહ્યું છે. તે સાથે અધોલોકમાં જેમ જેમ નીચે તરફ જઈએ તેમ તેમ એક એક નારકીએ એક એક રાજલોક લંબાઈ-પહોળાઈ વધતી જાય છે. છેક નીચે સાતમી નારકીની લંબાઈ-પહોળાઈ સાત રાજલોક પ્રમાણ છે. નીચેથી ઉપર તરફ જતાં એક એક રાજલોક ઘટે છે. છેક ઉપર પહેલી નારકી એક રાજલોક પ્રમાણ લાંબી પહોળી છે. આ નારક પૃથ્વીમાં નારકીના જીવો તો છે જ, પરંતુ સાથે સાથે ભવનપતિ દેવોના નિવાસસ્થાન પણ છે. ૧૮૦૦૦૦ યોજનની ઊંચાઈમાં ઉપર-નીચેના ૧૦૦૦-૧૦૦૦ યોજન છોડી બાકીના ૧૭૮૦૦૦ યોજનમાં તેર પ્રસ્તાર અને ૧૨ આંતરા છે. પ્રસ્તારને અપભ્રંશ-પ્રાકૃત ભાષામાં પાથડા પણ કહે છે. દરેક પ્રસ્તારની જાડાઈ ૩૦૦૦ યોજન છે, સર્વ પ્રસ્તારમાં, તેના પોલાણમાં કુલ ૩૦ લાખ નરકાવાસ છે. અર્થાત્ તેર પ્રસ્તારમાં કુલ ૩૦ લાખ નરકાવાસ આવેલ છે. જ્યારે બાર આંતરામાંથી પહેલો અને છેલ્લો આંતરો છોડીને વચ્ચેના દશ આંતરામાં ભવનપતિદેવોના નિવાસસ્થાન છે. દરેક આંતરાની જાડાઈ ૧૧૫૮૩.૩૩ યોજન છે. તેર પ્રસ્તારમાં નરકાવાસ જેટલા ભાગમાં છે તેટલો ભાગ પોલો છે, જ્યારે બાકીનો ભાગ નક્કર છે. તે જ રીતે દશ આંતરામાં જેટલા ભાગમાં ભવનપતિદેવોના નિવાસસ્થાન છે, તેટલો ભાગ પોલો છે, બાકીનો ભાગ નક્કર છે. પહેલી નારક પૃથ્વીના ઉપરના ૧૦૦૦ યોજનમાંથી ઉપરના ૧૦૦ યોજન અને નીચેના ૧૦૦ ચોજન છોડી બાકીના ૮૦૦ યોજનમાં ક્રમશઃ આઠ પ્રકારના વ્યંતરનિકાયના દેવોના નિવાસસ્થાન છે. તેની ઉપરની ૧૦૦ યોજનમાંથી ઉપર-નીચેના ૧૦-૧૦ યોજન છોડી બાકીના ૮૦ યોજનમાં વાણવ્યંતર નિકાયના દેવોના નિવાસસ્થાન છે. આ છે જૈન આગમાનુસાર અધોલોકનું વર્ણન. અધોલોકનું ઘનફળ ૧૯૬ ઘન રજૂ છે.