Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
119 પાંચેય પ્રકારના જ્યોતિષ્ક પિંડો અલગ અલગ સંદર્ભમાં પ્રયોજાયેલ છે. તેમના સ્થાન અને ગતિ દ્વારા માનવ-પૃથ્વી ઉપર અર્થાત્ જે તે પૃથ્વી ઉપર રહેનાર મનુષ્યો ઉપર તેમનો પોતાનો પ્રભાવ રહે છે, એવી એક માન્યતા છે. તેને પ્રાચીન કાળથી ફલિત જ્યોતિષ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ફળ બતાવવું કોઈપણ સાધુ માટે સર્વથા વર્જિત છે. કદાચ સંભવ છે કે આ પ્રકારના પ્રભાવ અંગે મૂળ થી કોઈની સંમતિ નહિ હોય. પરંતુ સમયની માંગ અથવા તો ધર્મના રક્ષણ માટે આ વાતનો સ્વીકાર કર્યો હશે. બીજું કોઈપણ પદાર્થની ગતિ સાંખ્યિકી પદ્ધતિનો વિષય નથી. આમ છતાં પૃથ્વીની દૈનિક ગતિના કારણે સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓને પૂર્વ ક્ષિતિજથી પશ્ચિમ તરફ ગતિ કરતાં સ્પષ્ટ અનુભવાય છે તેથી તથા વાર્ષિક ગતિ દ્વારા વિભિન્ન નક્ષત્ર સ્વરૂપ તારાઓની સમપંક્તિમાં આવતા અનુભવાય છે તે કારણથી તેને મેરૂ પર્વતની પ્રદક્ષિણા કરતા બતાવ્યા છે.
ઉપર બતાવેલ દશ મુદ્દાઓના વિવરણ દ્વારા આપણને આપણા જેનદર્શન નિર્દિષ્ટ લોકની મૂળ વિભાવનાનો ખ્યાલ આવશે અને તેને વર્તમાન ભૂગોળ-ખગોળ સાથે કેવો સંબંધ છે તે પણ જાણી શકાય છે. અર્થાત્ સર્વજ્ઞ એવા તીર્થકરોએ શબ્દો દ્વારા ખૂબ જ મર્યાદિત વર્ણન દ્વારા સમગ્ર બ્રહ્માંડના અનંતા પદાર્થોને વિવિધ કક્ષામાં મૂકી તે અંગે શક્ય તેટલી વધુ માહિતી આપણા જેવા સામાન્ય બુદ્ધિ ધરાવતા મનુષ્યો માટે પ્રસ્તુત કરી છે, જેને પરવર્તી આચાર્યોએ ચિત્ર દ્વારા રજૂ કરી છે. જે તે તેમની વિલક્ષણ બુદ્ધિપ્રતિભાના પુરાવા છે.