Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
(51)
પરાવિજ્ઞાનના ક્ષેત્રે કાર્ય કરતા સંશોધકોનો સંપર્ક કરી તેમની સમક્ષ પોતાના ખ્યાલો રજૂ કરી તે અંગે પ્રાયોગિક ધોરણે જે કોઈ નવીન તથ્ય પ્રાપ્ત થયેલ હોય તેની માહિતી મેળવી, તેઓના ઋણસ્વીકાર સાથે પોતાના સંશોધનમાં વિનિયોગ કરે છે. તેઓ સંપૂર્ણપણે કદાગ્રહમુક્ત છે, તેઓની જૈન દર્શન ઉપરની શ્રદ્ધા પણ અવિહડ છે.
ડૉ. જીવરાજ જૈને રજૂ કરેલ જૈન બ્રહ્માંડ, જૈન ભૂગોળ અને જૈન ખગોળ અંગેના ખ્યાલોને જૈન સમાજ સમક્ષ મૂકવા માટે અમે ૨૧,૨૨,૨૩ ડિસેમ્બર ૨૦૧૭ દરમ્યાન અમદાવાદ ખાતે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરેના સહયોગમાં એક સેમિનારનું આયાજન કરેલ અને તેમાં સારી સફળતા પણ મળેલ. તે પછી આ વિષયમાં કાંઈ વિશેષ ચિન્તન કરી એકાદ પુસ્તક તૈયાર કરવાની પ્રબળ ઈચ્છા હતી. અને તે અંગે મનોમન વિચારણા પણ ચાલતી હતી.
તેથી આ વિષયમાં વિશેષ માર્ગદર્શન મળે તે હેતુથી અમદાવાદ, પાલડી ખાતે શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિર ઉપાશ્રયમાં પ. પૂ. ઉપા. શ્રી ભુવનચંદ્રજી મહારાજની સાથે આ અંગે થોડી ચર્ચા કરી અને ડૉ. જીવરાજ જેન દ્વારા આપવામાં આવેલ જૈન ભૂગોળ-ખગોળ માટેની સાંખ્યિકી પદ્ધતિની વાત કરી તેઓને ડૉ. જીવરાજ જૈનનો સંપર્ક નંબર તથા ઈ-મેલ અને પોસ્ટલ એડ્રેસ આપ્યું. તે પછી ડૉ. જીવરાજ જૈને ઉપા. શ્રી ભુવનચંદ્રજીને પોતાના લખાણ મોકલી આપ્યા અને તે લખાણ વાંચી ઉપા. શ્રી ભુવનચંદ્રજી મહારાજને ખૂબ આનંદ થયો. અને
ડૉ. જીવરાજ જૈનને અભિનંદન આપતો અંગ્રેજી ભાષામાં પત્ર લખ્યો. તે પછી આ જ પદ્ધતિમાં આગળ વિશેષ સંશોધન કરવાની પ્રેરણા આપતો બીજો પત્ર પણ લખ્યો.
પ્રથમ પત્ર ડૉ. જીવરાજ જૈને મને મોકલ્યો, જે અમદાવાદથી મુંબઈના વિહાર દરમ્યાન સોમટા મુકામે મને મળ્યો. તે વાંચીને મને આ પુસ્તક લખવાની પ્રબળ ઈચ્છા થઈ. તેઓશ્રીના બંને પત્રો તેઓએ લખેલી ગુજરાતી પ્રસ્તાવનાની સાથે જ આ પુસ્તકમાં તેઓના જ હસ્તાક્ષરમાં આપેલ છે.