Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરનું કાર્ય અને ઉપદેશ ભિન્ન પૃષ્ઠભૂમિ ઉપર હતા. પણ તેમણે બંને તત્કાલીન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભમાં દરેક પ્રશ્નને જૈનમૂલ્યો દ્વારા સમાધાન કર્યા હતા. સમાધાનનો આ જૈન દૃષ્ટિકોણ અત્યંત વ્યાવહારિક અને તર્કસંગત છે.
ભગવાન મહાવીરના સમયના સામાજિક અને રાજકીય પ્રશ્નો આજના યુગના પ્રશ્નો જેવા જ હતા. એટલે તેમણે ઉપદેશેલા અને સ્થાપેલા નીતિનાં ધોરણ અને જીવનમૂલ્યો આજ પણ એટલાં જ પ્રસ્તુત છે અને આજની સામાજિક, રાજકીય અને આર્થિક સમસ્યાઓના સમાધાનમાં ઉપયોગી છે. ભગવાન મહાવીરે જૈનમૂલ્યોને જીવનમાં ઉતારવા માટે દાન, શીલ, તપ અને ભાવના ચતુટ્યનો વ્યવહારુ ઉપાય બતાવ્યો છે. દાન, શીલ, તપ અને ભાવ:
દાન, શીલ, તપ અને ભાવનો જૈન પરંપરામાં એટલો વ્યાપક ઉપયોગ થયો છે અને તે એટલા પરિચિત છે કે મોટા ભાગના માણસો તેને ધાર્મિક ક્રિયાના એક ભાગરૂપે સમજે છે. થોડો વિચાર કરતાં જણાશે કે આ ચાર શબ્દોનો અર્થ ઘણો જ ઊંડો છે.
આજનો લોભ અને લાલચમાં લપેટાયેલો સ્વકેન્દ્રી મનુષ્ય બીજા પાસેથી મેળવવામાં, પડાવવામાં અને એકઠું કરવામાં પરોવાયેલો છે. તે બીજાનો વિચાર કરતો નથી. તે પોતાની ભોગ-ઉપભોગની લાલસા બીજાના ભોગે સંતુષ્ટ કરે છે. તે માટે તે અસત્ય, ચોરી, છેતરપિંડી, બનાવટ, સંગ્રહ વગેરેનો પણ આશ્રય લે છે. આજની જીવનશૈલીથી પોતાને સુખ મળે કે ન મળે, પણ તે અન્ય માટે પીડાકારક છે. તે ઉપરાંત ગરીબી, શોષણ અને આતંકવાદ તેની ઊપજ છે.
જૈનોના દાનના મહિમાની પ્રશંસા કરતા એક વિદ્વાને કહ્યું હતું - 'आददाति, आददाति, आददात्येव, नददाति किंचनः सस्तेनः ।'
જે વ્યક્તિ લે છે, લે છે અને લેતો રહે છે, પણ કોઈને કંઈ આપતો જ નથી તે ચોર છે.
તેનાથી વિપરીત દાનમાં બીજાનું લેવાને બદલે બીજાને આપવામાં આવે છે. દાનમાં પોતાના ભોગે બીજાને સંતોષવામાં આવે છે. દાનના અનેક પ્રકાર છે. સામાન્ય વસ્તુ, પદાર્થ, દ્રવ્ય અને ધનનું દાન આપવામાં (જ્ઞાનધારા-પSSB ૨૦ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૧)