Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
રોજના વ્યવહારમાં ધર્મ લાવવો જોઈએ, બજારમાં ધર્મ લાવવો જોઈએ. આપણે બજારમાં ધર્મ ન લઈ ગયા એટલું જ નહિ, બલકે ધર્મમાં બજારને લઈ આવ્યા. બજારનો અધર્મ મંદિરોમાં પહોંચી ગયો.૧૩
આજે આપણે જેને ધર્મ કહીએ છીએ, તે તો બધા ખરેખર ધર્મ નહિ, પંથ છે, સંપ્રદાય છે, મજહબ છે આ તો હજી માત્ર પાયો નંખાયો છે, મકાન નથી બન્યું ધર્મનું મકાન તો હજી ઊભું કરવાનું છે, માનવ-ધર્મનું મકાન ઊભું થશે ત્યારે ધર્મ-સંસ્થાપનાનું કાર્ય પૂરું થયું ગણાશે.૧૪
વૈજ્ઞાનિક યુગનો વિશેષ ધર્મ :
વિજ્ઞાનની કસોટીએ ખરો ઊતરનારો, માનસિક કલ્પના-કામના વગેરેથી ઉપર ઊઠી ગયેલો, દુનિયાના બધા ભેદભાવો મિટાવી દેનારો, ઉપાસના વગેરેની વિવિધમાં પણ એકરૂપતા જોનારો, ધર્મ જ હવે આ વિજ્ઞાન યુગમાં ટકી રહેશે, અને એ જ ધર્મ હશે. એ જ ખરી ધર્મ - સંસ્થાપના થઈ ગણાશે. વિજ્ઞાનને કારણે માણસની ભાવના વ્યાપક થતી જશે. આવી વ્યાપક ભાવના એ જ તો ધર્મ છે, સંકુચિત ભાવના અધર્મ છે, વિજ્ઞાન યુગમાં વ્યાપક ભાવના જ ટકી શકશે, સંકુચિત નહિ. તેથી મને પાકી ખાતરી છે કે હવે વિજ્ઞાની ભૂમિકા ઉપર સાચા ધર્મની, માનવ-ધર્મની સ્થાપના થશે.૧૫
આજે હવે એક એવી ઇચ્છા ધીરે ધીરે પાંગરી રહી છે કે આજના આ બધા જુદા જુદા ધર્મોનો સમન્વય થઈ જાય, બધા ધર્મોનું એક મુક્ત અને વ્યાપક નવા ધર્મમાં પરિવર્તન થઈ જાય, બધા માનવોને ભેળો કરનારો એક ઉત્તમ ધર્મ ઊભો થાય, આવી ઇચ્છા આજે અનેકોને થઈ રહી છે અને તે અવશ્ય પાર પડશે. તેમાં ભલે સમય લાગે, પણ આખરે આમ થવાનું જ છે. બધા ધર્મોનો સમન્વય ચોક્કસ થવો જોઈએ. અને તે મોડો-વહેલો થઈને જ રહેશે, એવી મને પાકી ખાતરી છે.૧૬
૧૩. વિનોબા, ધરમ બધા આપણા, ઉપિરવત્, પૃ. ૧૦.
૧૪. એજન, પૃ. ૬.
૧૫. એજન, પૃ. ૬-૭.
૧૬. એજન, પૃ. ૫.
જ્ઞાનધારા-૫૪ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫