Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ ખાલી નથી કરતાં, પરંતુ પ્રકૃતિનું સંતુલન પણ અવ્યવસ્થિત કરે છે. અણુ-વપરાશથી આજે ઊર્જાશક્તિનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે પૃથ્વીનું તાપમાન અતિશય વધી ગયું છે. સતત ગરમ તાપમાનને કારણે ધ્રુવ ઉપર બરફ પણ ઓગળી રહ્યો છે કે જેથી નીચાણવાળાં બંદરોને પાણીમાં ડૂબી જવાનો ભય ઊભો થયો છે.
નવી નવી ટેકનોલૉજીના વધુ ઉપયોગને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયૉકસાઇડ, કાર્બનમોનોકસાઈડ, સલ્ફરડાયોકસાઈડ સહિતના ઝેરી ગેસોનું પ્રમાણ વધી રહ્યું છે. સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરતાં ઓઝોનના પડમાં પણ ગાબડું પડ્યું છે. આમ, ગ્રીન હાઉસ વાયુઓ વાતાવરણને વધારે ગરમ બનાવી રહ્યા છે.
ભારતની વાત કરીએ તો પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયરોલૉજીએ દેશના હવામાન વિશે હાથ ધરેલો અભ્યાસ સ્ફોટક પરિણામ દર્શાવે છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે - “આવતાં ૪૦ વર્ષમાં ભારતનું તાપમાન અત્યારના સ્તર કરતાં લગભગ ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું વધવાની શક્યતા છે. એટલું જ નહિ વરસાદ પણ અનિશ્ચિત બની જશે એ વધારામાં. ચોમાસાનો સમયગાળો નાનો થતો જશે, પણ એની તીવ્રતા વધુ હશે, કોઈક વર્ષે ભારે વરસાદ પડશે, તો કોઈક વર્ષે ખૂબ જ ઓછો. જેની સીધી અસર ખેતીના ઉત્પાદન ઉપર પડશે.”
આમ, અનેક પ્રકારનાં પ્રદૂષણથી પર્યાવરણનો પ્રશ્ન વિકટ થતો જાય છે, ત્યારે જૈન દર્શનનો સિદ્ધાંત અત્યંત પ્રાસંગિક લાગે છે. આગમ ખોલો - વાંચો, વિચારો અને આચરો. તમારી બધી જ સમસ્યાનું સમાધાન થઈ જશે. આગમ અને પર્યાવરણ, આગમ અને જીવન વિકાસ, આગમ અને વિશ્વશાંતિ અરે એમ કહો કે આગમમાં શું નથી ?
જૈન ધર્મ-દર્શનનો મુખ્ય પાયો એટલે અહિંસા. અહિંસા ફક્ત જૈન ધર્મદર્શનની પાયાની નીંવ ન રહેતાં તેના હૃદય - હાર્ટ સમી છે. સામાન્ય રીતે જોતાં અહિંસા અને પર્યાવરણ વચ્ચે એકાત્મકતાનો સંબંધ લાગે, પણ ખરેખર તો અહિંસા અને પર્યાવરણ બંને એક જ સિક્કાની બે બાજુ રૂપ છે.
જૈન જીવન-પદ્ધતિમાં અહિંસા અને અપરિગ્રહને જે મહત્ત્વનું મૂળભૂત સ્થાન આપવામાં આવ્યું છે, એમાં ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિકોણ તો છે જ, કારણ કે જૈન ધર્મ આત્મલક્ષી, મોક્ષલક્ષી અને ત્યાગલક્ષી સાધના (જ્ઞાનધારા - SS ૯૫ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૧)