Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૨
પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન
લે. શ્રીમતી પારુલબહેન ભરતકુમાર ગાંધી (M.A.)
પ્રાસ્તાવિક :
જૈન ધર્મમાં પર્યાવરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે, અર્થાત્ આગમોમાં પર્યાવરણ બાબતે એક યા બીજી રીતે ઘણી બધી બાબતો સમાવિષ્ટ કરવામાં આવી છે. જો એનું ધ્યાન રાખવામાં આવે તો પર્યાવરણને પ્રદૂષિત થતાં બચાવી શકાય.
શ્રાવક અને સાધુજીવન બંનેમાં પર્યાવરણ સંતુલનને મહત્ત્વ :
આગમોમાં ડગલે ને પગલે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. જૈનોનું જીવન પર્યાવરણ રક્ષક તરીકેનું છે. જૈનસાધુનું આત્યંતિક ત્યાગયુક્ત સર્વવિરતિવાળું જીવન પર્યાવરણરક્ષાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જૈન-સાધુના જીવનમાં પર્યાવરણની ઉત્તમોત્તમ રક્ષાનું વિધાન અને આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાનું વિજ્ઞાન સમાયેલ છે. પર્યાવરણના એક પણ પાસાને દૂષિત કર્યા વિના જીવન વ્યતીત કરનાર જૈન-સાધુની જોડ જગતમાં મળી શકે તેમ નથી.
જૈન-સાધુનું જીવન લો, તેની સમગ્ર દિવસની દિનચર્યા લો અને તેમની જે રહેણીકરણી છે, તે લઈએ તો ખ્યાલ આવે છે કે જૈન-સાધુ પર્યાવરણ-સંતુલન માટે ઘણી જ ખેવના રાખતા હોય છે. ઉપદેશ, ગોચરી, સ્વાધ્યાય, આહારનો ઉપયોગ, વડીલોની સેવા-વૈયાવચ્ચ વગેરે કરતાં કરતાં પોતાના જીવનને પાપકર્મોથી બચાવવું તથા અન્યના જીવનમાં પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો અને સાથે સાથે પર્યાવરણનું સંતુલન પણ જાળવી રાખવું એ બાબતો ખરેખર ખૂબ અઘરી છે. જરા યે સરળ નથી. વળી જે બાબતોનો ઉપદેશ આપે તે માત્ર વાણીથી નહિ, પરંતુ આચારથી આપવાનો હોય છે. પોતાના જીવનને બેધારું બનાવ્યા વિના મન-વચન-કર્મથી ભગવાનના આદેશનું પાલન કરવું, તેમાં દોષો ન લગાડવા કે જમાનાવાદની વિકૃતિ ન પેસવા દેવી, તે જૈન-સાધુઓ માટે ઘણું જ કપરું કાર્ય હોવા છતાં તેઓ તેને સુપેરે પાર પાડી રહ્યા છે.
જ્ઞાનધારા -૫
૧૧૧ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫