Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્યાં જુઓ ત્યાં બૉમ્બ બ્લાસ્ટ અને ફાયરિંગથી હજારો લોકોના જાન જાય છે ને જાન જોખમમાં મુકાય છે.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અહિંસાની ચળવળથી બ્રિટિશરાજને હાંકી કાઢી ભારતને સ્વતંત્રતા અપાવી હતી અને દુનિયાને અહિંસાની જબરદસ્ત તાકાતનું દર્શન કરાવ્યું હતું. ને ૨જી ઑક્ટોબર ‘અહિંસા દિન' તરીકે ઓળખાય છે.
આમ, અહિંસાથી થતી હોનારત અને અહિંસાથી બંધાતી સર્જનની ઇમારતના ખેલ દુનિયાએ જોયા અને હવે પ્રભુ મહાવીરના અજોડ અહિંસાવાદનું પુનઃ પરિશીલન કરવાની આજના કાળમાં વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે.
જો કે જૈનદર્શનમાં જીવદયા અને અહિંસા એ ધર્મના મૂળ સિદ્ધાંત છે. હિંદુ સ્કૉલર બાલ ગંગાધર ટિળકે દસમી ડિસેમ્બરે, ૧૯૦૪માં ‘મુંબઈ સમાચાર'માં ‘Jainisam' ને ‘Originator of Ahinsa' કહેલ છે.
જૈનદર્શન'માં સાધુ-સાધ્વી ભગવંતોને પાળવાનાં પાંચ મહાવ્રતનું પ્રથમ વ્રત ‘પ્રાણાતિપાત વિરમણ વ્રત' અને શ્રાવક-શ્રાવિકાને પાળવાનાં અણુવ્રતમાં પ્રથમ વ્રત સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત'નો ઉલ્લેખ છે.
પ્રાણાતિપાત એટલે પ્રાણનો અતિપાત, પ્રાણનો ઘાત, પ્રાણનો નાશ અર્થાત્ જીવહિંસા. અઢાર પાપસ્થાનકોમાં આ સૌથી પહેલું પાપ ગણાય છે. સજીવ-આત્માના જીવનને ધબકતું, ચેતનવંતુ અને જીવતું રાખવા માટે શક્તિને પ્રાણ કહે છે. વીસ પ્રકારની શક્તિ એ દશ પ્રકારના પ્રાણથી જીવન સજીવન રહે છે. તેમાં પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ - મનોબળ, વચનબળ અને કાયાબળ, નવમું શ્વાસોચ્છ્વાસ અને દશમું આયુષ્ય છે. આમ, જીવોના દસ પ્રાણની રક્ષાને અહિંસા કહેવાય છે, જીવદયા કહેવાય છે.
આમ, જૈનદર્શન મહાવ્રત - અણુવ્રત દ્વારા જૈન અનુયાયીઓને અહિંસા વ્રતનું આચરણ એટલે કે જીવદયા પાળવાનો ધર્મ બતાવે છે. અહીં સંપૂર્ણ રીતે સર્વ જીવોની અહિંસા પાળનાર સાધુ-ભગંવતોની જીવદયા વીસ વસાની ગણાય છે, જ્યારે સ્થૂળ રીતે જીવદયા પાળનાર શ્રાવકની જીવદયા સવા વસાની ગણાય છે.
જ્ઞાનધારા-૫૮ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫