Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હિંસા, અન્યાય અને તારાજી થતાં હતાં, ત્યાં ત્યાં ભગવાન મહાવીરે શાંતિ સ્થાપી હતી.
ભગવાન મહાવીરે પાંચ માસ અને પચીસ દિવસના ઉપવાસ કરીને દાસી તરીકે વેચાયેલી રાજકુમારી ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો હતો. સ્ત્રી-જાતિના સન્માન માટે અને દાસીપ્રથાના વિરુદ્ધમાં આવી ઘોર તપસ્યાનો બીજો કોઈ કિસ્સો ઇતિહાસમાં જોવા મળતો નથી.
તેમના સમયમાં ધનાઢ્યવર્ગના યુવકોનું જીવન ભોગ-વિલાસથી રંગાયેલું હતું. શાલિભદ્રને ભગવાન મહાવીરે ભોગીમાંથી જોગી બનાવ્યા હતા.
શ્રીમંત યુવકો તેમના પરિવારના રાજકીય અને સામાજિક પ્રભાવ અને લાગવગને કારણે ગરીબ ઉપર અત્યાચાર કરતા અચકાતા ન હતા. રાજગૃહીના યુવકોએ ઉદ્યાનમાં અર્જુન માળીની પત્ની ઉપર તેની સામે જ બળાત્કાર કર્યો. જ્યારે તેને ન્યાય ન મળ્યો ત્યારે વેરની આગમાં બળી રહેલા અને હતાશ અર્જુન માળીએ હિંસાનો માર્ગ અપનાવ્યો. અર્જુન માળીને પણ ભગવાન મહાવીરે વેરમાંથી ક્ષમા અને હિંસામાંથી અહિંસાના પંથે વાળ્યો.
ભગવાન મહાવીરના જીવનમાં વિકૃતિમાં ધસી ગયેલા માણસોને સુધારી, પ્રકૃતિ તરફ પાછા વાળવાનાં અનેક ઉદાહરણ જોવા મળે છે. પ્રતિક્રમણ પણ આ અર્થમાં પ્રકૃતિ તરફ પાછા ફરવાની ક્રિયા છે. અધર્મના માળખાને તોડી નાખવા માટે તેમણે ભાષા પણ પ્રાકૃત અપનાવી હતી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભમાં સમસ્યાનું સમાધાન :
ભગવાન ઋષભદેવનો ઉપદેશ પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફના વિકાસનો હતો. ભગવાન મહાવીરના સમયમાં સંસ્કૃતિમાં વિકૃતિ પ્રવેશી ચૂકી હતી, એટલે તેમની દરેક પ્રવૃત્તિ વિકૃતિને દૂર કરવા માટેની હતી. તેમણે હિંસા, અન્યાય, અસમાનતા અને યુદ્ધમાંથી નિવૃત્ત થવાનો માત્ર ઉપદેશ નહોતો આપ્યો, પણ જ્યાં જ્યાં આ અનિષ્ટો હતાં, ત્યાં ત્યાં તે સ્વયં પહોંચી જતા હતા અને દોષનું સક્રિયતાથી નિવારણ કરતા હતા. તેમના ઉપદેશ અને તેમના કાર્યમાં વિકૃતિને દૂર કરવાનો વ્યાવહારિક ઉપાય હતો. વિકૃતિને દૂર કરવા માટે પહેલા પ્રકૃતિ તરફ પાછા ફરવું આવશ્યક હતું. એક વાર વિશુદ્ધિ થયા પછી જ સંસ્કૃતિનું નવનિર્માણ થઈ શકે. તેમનો ધર્મ-નિવૃત્તિનો ધર્મ દેખાતો હોવા છતાં તે અશુભમાંથી શુભની પ્રવૃત્તિનો ધર્મ હતો. ( જ્ઞાનધારા -પ
૧૯ % જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ )