Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભગવાન ઋષભદેવનો કાળ દરેક પ્રકારની પ્રવૃત્તિથી ધમધમતો હતો. તેમનો સમય ન્યાય, નીતિ અને આધ્યાત્મિકતાની સાથે સાથે પ્રકૃતિથી સંસ્કૃતિ તરફના વિકાસનો સુવર્ણયુગ હતો.
સમયના વહેણ સાથે સંસ્કૃતિમાં વિકૃતિએ પ્રવેશ કર્યો. ભગવાન મહાવીરના સમય સુધીમાં સમાજમાં પ્રવેશેલી થોડી વિકૃતિઓનું અવલોકન કરીએ.
તેમના સમયમાં ધર્મને નામે હિંસાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. મોટાપાયે યજ્ઞમાં પશુબલિ દેવાતી હતી. રાજાઓ નરબલિ આપતા પણ ખચકાતા ન હતા. સ્વયં મગધના મહારાજા શ્રેણિકે નરબલિનું આયોજન કર્યું હતું.
ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિથી લઈને નિર્વાણ સુધીના ૩૦ વર્ષમાં ધર્મને નામે થતી હિંસા રોકવા વ્યાપક વિહાર કર્યો હતો. કેવળજ્ઞાન પછી તરત જ તેઓ ઉગ્ર વિહાર કરીને ઇન્દ્રભૂતિ ગૌતમના યજ્ઞસ્થળે પહોંચ્યા. તેમના ઉપદેશથી ઇન્દ્રભૂતિ ગૌતમ સહિત ૧૧ મુખ્ય પંડિતોએ યજ્ઞ અને હિંસાનો ત્યાગ કર્યો અને તેમનો અહિંસામય ધર્મ સ્વીકાર્યો. ભગવાન મહાવીરે અહિંસાનું કાર્ય ચાલુ રાખવા માટે નિર્વાણના સમયે પણ ગૌતમ સ્વામીને પોતાની પાસે ન રાખતા દેવશર્મા બ્રાહ્મણ, જે યજ્ઞમાં પશુબલિ દેવાનો હતો, તેને બોધ આપવા મોકલ્યા.
ભગવાન મહાવીરના સમયમાં યુદ્ધ અને લડાઈ સામાન્ય થઈ ગયા હતા. કોણિકે તેના પિતા મહારાજા શ્રેણિકને કેદ કરીને પોતે રાજા બની ગયો હતો. તેણે પોતાના ભાઈઓની સંપત્તિ પણ પડાવી લીધી હતી અને તે માટે મોટું યુદ્ધ પણ થયું હતું.
કોણિક પોતાને ભગવાન મહાવીરના મહાન ભક્ત તરીકે ગણાવતો હતો, પરંતુ તેનું આચરણ ભગવાન મહાવીરના ઉપદેશથી વિપરીત અને દંભી હતું. ભગવાન મહાવીરે તેને સ્પષ્ટતાથી જણાવ્યું હતું કે - “તેના
સ્વાર્થી અને હિંસક આચરણને કારણે તે દુર્ગતિ પામશે.” ચેટકરાજા સામેના તેના યુદ્ધને પણ ભગવાને નિંદનીય કહ્યું હતું અને ચેટકરાજાનું સમર્થન કર્યું હતું.
ચંડપ્રદ્યોતે રાણી મૃગાવતીને પ્રાપ્ત કરવા માટે જ્યારે રાજા શતાનિક ઉપર ચડાઈ કરી હતી ત્યારે પણ ભગવાન મહાવીર યુદ્ધના સ્થળે પહોંચ્યા હતા અને સંહાર અટકાવ્યો હતો. જ્યાં જ્યાં યુદ્ધ અને સંગ્રામને કારણે (જ્ઞાનધારા 55 ૧૮ ==જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)