________________
બાલતા છે. અને આચારમાં શિથિલતા આવ્યા પછી પ્રરૂપણામાં પણ જેઓ શિથિલ બને તેમની એ બીજી બાલતા છે. આથી પહેલી બાલતા આવ્યા પછી પણ પ્રરૂપણાની શિથિલતા સ્વરૂપ બીજી બાલતા દાખવવાની જરૂર નથી. અહીં જો કોઈ એમ કહે કે – આપણે પોતે જ શિથિલ આચાર પાળતા હોઈએ તો શુદ્ધ આચારની વાત કઈ રીતે કરાય, આપણે ન કરીએ ને બીજાને કહીએ તે કેવું લાગે ? આવા પ્રકારના કાલ્પનિક ભયને આગળ કરનારાને જવાબ આપવા ર૭મી ગાથાથી સમજાવ્યું છે કે – આપઘ્રસ્ત બનવાથી અથવા તો વૃદ્ધાવસ્થા વગેરેના કારણે શરીરની દુર્બળતાના કારણે ચરણકરણના શુદ્ધ પાલન માટે અસમર્થ બનેલો એવો પણ આત્મા ચારિત્રમાં શિથિલ હોવા છતાં પોતાના આત્માની નિંદા કરતો એવો તે, શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે. આપણે જે આચાર પાળીએ છીએ તે લોકોને નથી જણાવવાના, જે આચાર પાળવાના છે તે જણાવવાના છે. આચારનું પાલન ભલે નબળું હોય, શાસ્ત્ર મોજૂદ હોય તો તેના આધારે પ્રરૂપણા કરવાની. તેવા વખતે શ્રોતાગણમાંથી કોઈ કહે કે જો આવો શુદ્ધ આચાર પાળવાનો હોય તો તમે આવું (શિથિલાચરણ) શા માટે કરો છો ? ત્યારે પોતાની જાતની નિંદા કરતો એવો તે શુદ્ધ માર્ગ બતાવે. જે આ રીતે શુદ્ધ પ્રરૂપણા કરે તે સુલભબોધિ બને છે. શ્રાવકો અયોગ્ય હોય તો તેને કશું કહેવું નથી. જે જીરવી શકે તેવા હોય તેની આગળ સાધુના શુદ્ધ આચારનું વર્ણન કર્યું હોય તો તેવા માર્ગના જ્ઞાતા બનેલા શ્રાવકો સાધુને આચારપાલનમાં સહાય કર્યા વિના ન રહે.
* આપણે શરીરનું પર્યાવરણ નથી સુધારવું, આત્માનું પર્યાવરણ સુધારવું છે. જે શરીરને સારું રાખે તે સાત્વિક ખોરાક ? કે જે આત્માને સારો રાખે તે ? ભગવાનની આજ્ઞા પાળવી તેનું નામ સત્વ. વિગઈ વાપરવામાં સાત્વિકતા નથી, વિગઈના ત્યાગમાં સાત્વિકતા છે. શરીર સારું કરવાની વાત આર્યસંસ્કૃતિમાં ન આવે. આર્યસંસ્કૃતિ એટલે આર્યોની સંસ્કૃતિ. અને આર્ય તેને કહેવાય કે જે શરીરથી આત્માને જુદો માને. જે શરીર ને આત્માને જુદા માને તેઓ શરીરને સારું કરવાની વાત કરે જ નહિ. જેટલા શરીરના પૂજારી છે તે બધા અનાર્ય છે – એમ સમજી લેવું. “યોગા' કરવાથી શરીર કદાચ વળશે પણ માર્ગ નહિ મળે. આત્માને લગતી જેટલી વાતો, તેનું નામ અધ્યાત્મ. બીજું બધું જ પુદ્ગલશાસ્ત્ર છે-એમ સમજી લેવું. આત્માનું પર્યાવરણ સુધારી લેવું છે. શરીરનું પર્યાવરણ બગડેલું જ રહેવાનું છે. જે શરીરના પૂજારી હોય તેને આજની આર્યસંસ્કૃતિની વાતો ગમે, સાંસ્કૃતિક કાર્યો ગમે. કારણ કે તેમાં ધર્મનું નામ આવે અને અવિરતિ પણ ભોગવાતી જાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org