________________
(૪૬)
શાસનના વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને શબ્દોનાં ટાંકણે આ ગ્રંથમાં મૂર્તિમંત કરવા પ્રયાસ કર્યો છે, સંક્ષિપ્ત જીવનરેખાઓને શબ્દદેહ આપી સૌરભ પ્રસરાવતી પુષ્પ પાંખડીઓ વિવિધ વિભાગોમાં રજૂ કરી છે. જીવનનાં પાછલાં વર્ષોની ચિંતનયાત્રામાં જે જે સારું લાગ્યું તેનો નિષ્કર્ષ આ ગ્રંથમાં કંડારેલ છે, જે આવનારી નવી પેઢીના જીવનપટને સળંગપણે પ્રગતિને પંથે દોરશે એવી અભિલાષા છે. સાક્ષરો, સંશોધકો અને તજજ્ઞોની વર્ષોની સિદ્ધિઓનો આ પરિપાક છે. આ પરિચયકોશ જ્ઞાનકોશનું જ એક ઉમદા પગરણ છે. જૈન શાસનની ગરિમાનું, આપણી સંજીવની અને કુળપરંપરાનું, શાબ્દિક આલેખન છે. રસજ્ઞોનાં જીવનના સંદર્ભગ્રંથ જેવું છે. આપણા જીવનનું પ્રેરક અને ધારક બળ છે. આપણી સત્ત્વશીલ વિચારધારાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
માનવીની અંદરની અખિલાઈને જાણવા, માણવા માટે આ પરિચયકોશની ચરિત્રાત્મક વિગતો અર્થપૂર્ણ, ગાંભીર્યયુક્ત, અસાધારણ પ્રભાવથી સદાકાળ અખ્ખલિતપણે પૂર્ણ પ્રકાશપુંજ પાથરીને આત્મોન્નતિનાં સોપાન તરીકે સદા સર્વદા પ્રેરક બની રહેશે, સેવા, સદ્ગુણો, સંયમ અને સમર્પણની હકીકતોનો રસથાળ આ વિશિષ્ટ મૂલ્યવાન નજરાણું વિશાળ જનસમૂહ સુધી લઈ આવવાનું અમારું આ સાહસ આપ સૌના મીઠા આવકારનું ઉપવન બનશે.
નિરંતર વહી રહેલી માનવજીવનની વણઝારના વિકાસપંથે ધાર્મિક વારસાનાં જે જે અમૃતબિંદુઓ અહીંતહીં પડ્યાં છે તેને શોધીને અત્રે મૂકવાનો ભક્તિભાવના સાથેનો આ નમ્ર પ્રયાસ છે. સમૃદ્ધ જૈનસમાજે આવાં આયોજનોને વખતોવખત પ્રોત્સાહિત કરી આયોજકોને આશા અને ઉત્સાહથી ભરી દઈ શાશ્વત મૂલ્યોને ગ્રંથસ્થ કરાવવાં જ જોઈએ એવી અમારી નમ્ર પ્રાર્થના છે અને તો જ જૈનોની ગૌરવશાળી તવારીખનો ક્રમ જળવાઈ રહેશે.
આ ગ્રંથમાં શ્રી ચતુર્વિધ સંઘની બહુમુખી પ્રતિભાઓના પરિચયો ગ્રંથસ્થ કરવાનો જે ઊર્મિસભર પ્રયાસ થયો છે તેમાં માનવની મંગલજીવનયાત્રા જેવી કે ભાવધર્મની, ભવ્યતાની, તપધર્મની, દાનધર્મની, પ્રજ્ઞાની, ઉત્થાનની, પોતીકાપણાની, પ્રબળ પુરુષાર્થની એવી વિવિધ યાત્રાઓને કેન્દ્રમાં રાખીને પરિચયોને સ્થાન આપ્યું છે. મુખ્યત્વે તો સારપના મહિમાનો જ ઉપક્રમ રહ્યો છે. જીવનમાં સવિચાર અને સગુણોનું જ મૂલ્ય છે એવા સંદર્ભે જ પરિચયો લખાયા છે. આ પરિચયોમાં જીવનને કૃતાર્થ કરવાના અનેક માર્ગોનું નિદર્શન થયું છે, જે જાણ્યા પછી આપણું જીવન લયબદ્ધ અને સૂરમયી બની રહે એ જ આ પ્રકાશનનો આશય છે.
અહિંસા ધર્મનો મહાન ઉદ્યોત કરનારા ધર્મચક્રવર્તીઓની સુમધુર જીવનમાંડણીનું જેમ આ ગ્રંથમાં સુપેરે દર્શન કરાવ્યું તેમ ઉત્તમ કોટીના જીવાત્માઓના પરિચયો સોનાના રજકણોની માફક અગાઉનાં વિવિધ પ્રકાશનોમાં પૂર્વે જે કાંઈ પ્રગટ થયું તેનો સારભાગ પણ અત્રે ક્યાંક-ક્યાંક ઉપલબ્ધ છે. જિજ્ઞાસુઓને આ ગ્રંથ પ્રકાશન નવાં જ દ્વાર ખોલી આપે છે. - બ્રહ્મભટ્ટોનાં કેસરિયાં : એક ભક્તિઉપાસના :
ઇતિહાસનની ઉષા તો હજુ પ્રગટું પ્રગટું થઈ રહી હતી ત્યારે પણ પાલિતાણાની ભૂમિ એક મહાન તીર્થભૂમિ બની ચૂકી હતી. વિશ્વનો જૈનસમાજ તો આ ભૂમિના તેજપ્રકાશનાં જે સૌંદર્ય-સંસ્કૃતિ માણી રહ્યો છે તેના પાયામાં આ તીર્થની રક્ષા કાજે ખોળામાં મસ્તકો લઈને બ્રહ્મભટ્ટ કોમના સંખ્યાબંધ દૂધમલિયા યુવાનો, બેટડાઓ કે જેઓ હસતે મુખે શહાદત વહોરી ધરતીની ધૂળમાં સદાને માટે પોઢી ગયા તે રહેલા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org