________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન
૫૭
કામમુક્ત શી રીતે ? અને એવા દેવ ભક્તને આદર્શ કેવો પૂરો પાડે ? દેવ વીતરાગ હોય તો એમને શસ્ત્ર શા ? સ્ત્રી સંગ શાનો ? ચિલાતીપુત્ર સમજપૂર્વક ડોકું ફેંકી દઈ બાહ્ય વસ્તુના રાગ સ્નેહ વિનાનો બન્યો. વાત આ છે કે રાગદ્વેષથી બચવું હોય તો પહેલાં એ કરાવનાર-પોષનાર જડ-ચેતન વસ્તુના સંગ મૂકો, એનો સંયોગ છોડો. નહિતર જો નિમિત્ત પાસે છે તો એવા દુષ્ટ ભાવ દિલમાંથી ખસશે નહિ. બાધા-વ્રત-નિયમનો શો મહિમા છે ? આ જ કે એ નિમિત્તથી દૂર રખાવે છે. મનમાંથી એનો સંગ છોડાવી દે છે. નિયમથી ગભરાતો હશે, એને તો મનના ઉંડાણમાં નિમિત્ત વસેલા રહેવાનાં. એટલે પછી ક્યારેક બહારથી આવી મળશે ત્યારે પાપી ભાવ ઊભો થઈ જવાનો. ચિલાતીપુત્રે રાગનું નિમિત્ત ડોકું ફગાવી દીધું અને એના કામરાગ-સ્નેહરાગથી છૂટયો. હવે વળી વિચારે છે,
‘‘અહો ! મહાત્માએ ત્રીજી વાત શી કરી? ‘સંવર'. અર્થાત્ રાગ-દ્વેષનાં બાહ્ય નિમિત્ત ડોકું અને તલવાર છોડ્યાં, પણ હજી જગતના કોઈ પદાર્થોની આશા-અપેક્ષા કયાં છોડી છે? ક્યાં કાયા-માયા, ઇન્દ્રિયો, કષાયો, હિંસા-અસત્યાદિ પાપ ક્રિયાઓ, વગેરેના હૃદયથી ત્યાગ કર્યા છે ? જો એ અંતરથી નથી છોડયા, તો આત્મામાં પાપોનો પ્રવાહ પેસવા માટેની એ નીકો ખુલ્લી છે. જ્યાં સુધી પ્રતિજ્ઞાબદ્ધ એના ત્યાગ કરી દરવાજા બંધ નહિ કરે, એ નીકો-આશ્રવો માથે ઢાંકણ નહિ દઈ દે, સંવરણ નહિ કરે, ત્યાં સુધી પાપમુક્ત નહિ; તો ભયમુક્ત નહિ, ભવકટ્ટી નહિ, સંસારભ્રમણ અટકે નહિ. મુનિની વાત સાચી છે. શા માટે હવે જગતના પદાર્થોની કે હિંસાદિ પાપોની, યાવત્ આ મારી નાશવંત કાયાની મમતા-આશા-અપેક્ષા રાખવી ? બસ બધુ જ વોસિરે. બધું જ મારે ત્યાગ. હું તો હવે મારા જ્ઞાન-દર્શન- ચારિત્રના સ્વરૂપમાં જ લીન બની જાઉં ! વિનશ્વર માટીની માયા સાથે મારે કોઈ નિસ્બત નથી.’’
પત્યું, ચિલાતીપુત્રે સર્વ આશ્રવોના ત્યાગરૂપ સંવરમાર્ગ અપનાવી લીધો, દુનિયાના સંબંધ અને હિંસાદિ પાપોનો ત્યાગ કરી દઈ, કષાયો-રાગદ્વેષ વગેરે ફગાવી દઈ ત્યાંને ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહી ગયો. હવે તો મહાત્મા ચિલાતીપુત્ર એવા બન્યા કે પેલા ડોકામાંથી પોતાના શરીર ૫૨ વહેલા લોહીની ગંધથી કીડીઓ ઉભરાઈ, શરીર પર ચડી એને ખાવા માટે ચટકા દે છે, કોચી કોચીને શરીરની અંદર પેસે છે, અંદરથી આરપાર કોચતી કોચતી બીજી બાજુ બહાર નીકળે છે ! શરીરને ચાળણી જેવું કરી દે છે ! આવી સેંકડો-હજારો કીડીઓના ઠેઠ મર્મસ્થાન સુધીના ભયંકર ચટકાથી કારમી વેદના ઊઠે છે ! પરંતુ મહાત્મા ચિલાતીપુત્ર જરાય હાલતા નથી, ચિત્ત વિહ્વળ કરતા નથી, કીડીઓ ૫૨ લેશમાત્ર રોષ કે પીડાની હાયવોય અને સહેજ પણ ત્યાંથી ખસવાનું કરતા નથી ! જાલિમ પરિસહ સહે છે !
શાનો પ્રતાપ ? ‘ઉવસમ વિવેગ સંવર' એવા જિનવચનનો ! જિનવચનના, જિનાગમના, જૈન શાસ્ત્રોના ભરચક પરિચયે પૂર્વજીવનમાંથી વારસો કેટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org