________________
w
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પોતાના પ્રાણના લોભે, હાથવેંતમાં રહેલ પ્રત્યક્ષ દયાધર્મને કચડવા જતાં ભાવી ધર્મસાધનાની લાગણી જોરદાર રહેવાનું શી રીતે કહી શકાય?
માટે તો કુમારપાળ મહારાજાએ કંટકેશ્વરી દેવીને વરસોવરસ અપાતા બોકડાના ભોગમાં સંમતિ ન આપી. દેવીએ ત્રિશૂલ મારી કોઢિયા બનાવ્યા તો પણ વધની સંમતિ ન આપી. અને બળી મરવાની તૈયારી કરી. ત્યાં એમ ન વિચાર્યું કે હું જીવતો હોઈશ તો ભવિષ્યમાં ઘણી શાસન પ્રભાવના કરીશ. ઘણો ધર્મ કરી શકીશ. કેમ નહિ ? કારણ આ જ કે બોકડા પ્રત્યે દયા અને અહિંસાની જિનાજ્ઞાનું અંજામણ. એથી પોતાના પ્રાણના સંકટે પણ એ બજાવવામાં ઝાલ્યા રહી શક્તા નથી. અંજામણ ચીજ એવી છે.
સુદર્શન શેઠને જિનવચનનું અને જિનવચને કહેલ દયા અને વ્રતધર્મનું એવું અંજામણ છે એટલે પોતાના બોલવા પર અભયા રાણીને આઘાત અને સજા થાય એ જોવા તૈયાર નથી. બસ રાજાના હુકમ મુજબ એમને શૂળીએ લઈ જવામાં આવ્યા. શૂળીએ ચડવા સુધીની તૈયારી છે, પછી લોકો ફિટકાર કરે એની શી ગભરામણ હોય કે “રાજાને તો તો સાચું કહી દેવા દે ને ? એવું મનમાં ય ઊઠે? ના, એ તો ખુશ છે કે રાણીને આપત્તિમાં ન મુકાવું પડ્યું. કઈ હદની દયા? એક ગૃહસ્થ માણસ ભયંકર લુચ્ચાઈ અને દુષ્ટ અપરાધ કરનાર સામા પર દયા કરે ? એને દુઃખ ન આવો એ ફિકરમાં હોય ? અને એ માટે જરૂર પડી તો પોતે કેટલી હદનો ભોગ આપે ? શૂળીએ ભેદાઈ જવા સુધીનો ? સુદર્શન શેઠ માત્ર પોષધમાં જ મહાત્મા હતા? કે પોષઘ પાર્યા પછી પણ મહાત્મા? એકલદોકલ નથી હો. બૈરા-છોકરાવાળા છે. છ છોકરાંના બાપ છે. છતાં ખૂબી છે કે એ બધા પછી, જિનવચન પહેલું, વ્રતો પહેલાં, ઘર્મ પહેલો. નગરનો પ્રસિદ્ધ વેપારી, શ્રીમંત માણસ રાણીવાસમાં ઘુસી દુરાચાર સેવવા ગયેલ અને રાણી પર આક્રમણ કરનાર તરીકે નગરના માર્ગો પર લોકનિંદા પામતો લઈ જવાઈ રહ્યો છે. છતાં એમાંથી બચવા દુશ્મન રાણીની દુષ્ટતા પ્રગટ કરવી નથી. કેટલી બધી સમતા, સૌમ્યતા અને પ્રાણિદયા ? એમાં જાત નિંદાની કેવી બેપરવાહી?
પ્રભુ પાસે આવું માગવાનું મન થાય ખરું કે “મને પણ જાતની નિંદા-અપમાન-જાનજોખમે પણ ભયંકર દુમનની દયા કરવાનું મળો ?' જિનવચનનું મન પર અંજામણ હોય તો એવું માગવાનું મન થાય. કેમકે જિનવચન એ જ કરવાનું કહે છે. “અપરાધીશું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ,' એ સમકિતનાં પહેલાં લક્ષણનું સ્વરૂપ છે. એટલે એ જો આપણામાં ન હોય, તો પ્રભુ પાસે એની પ્રાર્થના કરાય. પ્રભુની પાસે ઘણુંય માગતા હશો, તો આવું આવું માગો; મહાપુરુષોના જીવનમાં સધાયેલા આવાં ઘર્મ પરાક્રમ આપણને કેમ મળે એ માગો.
પ્ર. શું માગવાથી મળે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org