________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન
પ્ર. સુદર્શન શેઠને એવો વિચાર કેમ ન આવ્યો કે જો અહીં સત્ય હકીકત કહી દઉં અને સાથે અભયા રાણી માટે અભયદાન માગી લઉં, તો હુંય બચી જઉં ને એ પણ બચી જાય, અને હું જીવતો રહીશ તો પછી ઘણો ધર્મ આરાધી શકીશ ?
ઉ. એમ કરવામાં નિશ્ચિત નથી કે અભયાનો એવો ઘોર પ્રપંચ સાંભળીને અત્યંત ગુસ્સે ભરાયેલો રાજા અભયાને શિક્ષા વિના જતી કરે ? વળી પોતે સત્ય પ્રકાશવા જતા અભયાનું મર્મ ખૂલવાથી એના દિલને જબરદસ્ત આઘાત તો થાય જ એ નિશ્ચિત છે. અહિંસા અને દયાના મહાન ઉપાસક સુદર્શન શેઠ એ કેવી રીતે વધાવી લે ? આપણા દિલમાં એવો દયાભાવ ન હોય એટલે સામાના હ્રદય મર્મ ભેદાતાં એને કેટલો સજ્જડ આઘાત લાગે છે અને તીવ્ર દુઃખ થાય છે એની કલ્પના નથી આવી શક્તી. ત્યારે સુદર્શન શેઠ જે શ્રાવકધર્મ પામ્યા છે, અને જે એમણે અહિંસા, સત્ય વગેરેનાં વ્રત લીધા છે, એમાં એનો પરમાર્થ એનું રહસ્ય એનો ઊંડો ભાવ હૈયે એવો વસાવ્યો છે કે એ જીવો પ્રત્યેનો દયાથી છલો છલ ભરેલો છે. પછી ત્યાં સામાએ પોતાને ઘણો બધો ત્રાસ આપ્યો કેટલી વિટંબણા કરી એને આડે આવવા દેતા નથી. તેની ગણતરી કરતા નથી અને સામાના દુઃખનો વિચાર પહેલા કરે છે. સામાને દુઃખ પડે એનાથી પોતાનું દિલ દ્રવિત થઇ ઊઠે છે. મહાવીર પ્રભુને છ મહિના સુધી રંજાડનારો અને એક રાતમાં અતિ ભયંકર ઉપસર્ગ કરનારો સંગમ દેવતા હવે હારીને જવા લાગ્યો ત્યારે પ્રભુને એ જુલ્મનો હિસાબ ન ગણતાં એને ભાવી નરકાદિ દુઃખો વરસવાની કલ્પના પર દિલ દ્રવી ઊઠ્યું ને ? આંખમાં આંસુ આવી ગયા ને ? હું આવા માલિકનો આજ્ઞાંકિત છું એ ગૌરવ હૈયે વસ્યું હોય તો આપણને પણ આપણા ૫૨ દુઃખ વરસાવનાર દુઃખી થયા અંગે દયા કેમ ન ઊભરાય ? સુદર્શન શેઠને જિનેશ્વર ભગવંતના અને એમનાં વચનનાં એવાં અંજામણ છે કે એમના દિલમાં અભયા પ્રત્યે એ દયા ઉભરાય છે. એણે કેવા પ્રપંચ અને જુલ્મ કર્યા એ તદ્દન ભૂલી જઇને એનો મર્મ ખુલ્લો ક૨વામાં એના દિલને કેટલો બધો આઘાત કરે એની દયાથી દ્રવિત થઈ જાય છે. એટલે એ રહસ્ય ખોલનારૂં સાચું પણ વચન કેમ બોલે ?
વળી પોતે જીવતા રહે તો ભવિષ્યમાં ઘણો ધર્મ કરી શકે એ વિચારમાં પણ ધર્મની વિશેષ ભૂખ કરતાં પોતાના પ્રાણ બચાવવાનો લોભ મુખ્ય હોવાની ગંધ આવે છે. કેમકે પહેલું તો જીવ પોતાને બચાવવા માટે સામાના ગુપ્ત દુષ્કૃત્યને જે પ્રકારમાં લાવશે એથી એને જ સડ હૃદયાઘાત લાગે અને કદાચ એને ભયંકર સજા થાય એ તરફ આંખમિંચામણા થાય છે. અર્થાત્ સામાને ઊભા થનાર દુઃખ પ્રત્યે ઉપેક્ષા, કઠોરતા, નિર્દયતા થાય છે. જો એ હોય અને પોતાનો જીવ બચાવવો છે તો એનો અર્થ એ, કે બીજાના ભોગે પોતાના બચાવની તાલાવેલી મુખ્ય બની. પછી ‘ભવિષ્યમાં હું ધર્મ ઘણો કરીશ' એ એક બહાનું અથવા ગૌણ ઇચ્છા થઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org