________________
કે અતરના દુશ્મનોને જીતનાર અરિહંતને હું નમન કરું છું. એને સમજાવા લાગ્યું કે માનવીએ જગત જીતવાનું નથી, કારણ કે જગતને જીતનારા નેપોલિયન અને સિકંદર પણ આખરે હાર્યા છે. માનવીએ જીતવાનું છે એની અંદર સતત ચાલી રહેલું મહાભારત. એણે જીતવાની છે મદ, મોહ, માન, મત્સર, અને ક્રોધ જેવી આંતરવૃત્તિઓ. એને જીતવાનો જે પ્રયત્ન કરે તે જ જૈન, | પાઠશાળાના શિક્ષક શીખવે કે ‘વિચારની ખિલાવટ આચારમાં થાય તો જ એ વિચારની સાર્થકતા'. આચાર વિનાનું અધ્યયન એ તો પોથીમાંનાં રીંગણાં જેવું કહેવાય. પરિણામે બહેચરદાસે રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. એક કણબી બાળકને માટે આ નિયમ ભારે કઠણ હતો. ઘરમાં મોટે ભાગે રોટલો ને ડુંગળીનું શાક હોય તો ક્યારેક લસણની ચટણી હોય. વળી સાંજનું વાળુ ખેતરમાંથી પાછા આવ્યા બાદ રાત્રે જ લેવાતું હોય. પરિણામે કેટલાય દિવસો ભૂખ્યા પેટે કાઢવા પડે. ક્યારેક કાચી બાજરી કે બે-ચાર મૂઠી મગ કાચા ને કાચા ચાવીને પાણી પીવું પડ્યું. ક્યારેક ખેતરમાં જ સાંજ પડી જતી તો ભૂખ્યા પેટે સુઈ જવું પડતું. આ તો તમન્નાનું તપ હતું. આથી મનમાં આવી કાવ્યપંક્તિઓ ઘોળાતી :
જગમાં અશક્ય નહીં કોઈ કાજ છે, ધારે દૃઢ વિશ્વાસ, સદ્ગુરુ સદ્વર્તનથી મોટાં, નરનારી અને ખાસ રે. | પિતા શિવા પટેલ શિવપૂજક, માતા વૈષ્ણવ ધર્મ પાળે અને બહેચર એકચિત્તે આસન લગાવીને જૈન ધર્મના અભ્યાસ અને આરાધનામાં લાગી ગયો. એકેએક સૂત્ર પર ખૂબ ખૂબ વિચાર કરે. એકેએક તત્ત્વ પર ઊંડું મનોમંથન કરે. ધાર્મિક પરીક્ષામાં બહેચર સૌથી વધુ ગુણ મેળવે. વિચારની સાથે એ આચાર ભૂલ્યો ન હતો. પ્રતિક્રમણ કરવા માંડ્યું. ઓળી માટે આયંબિલ કર્યું. એવામાં વત્સરાજ જીજી નામના એક બારોટના મેળાપે કવિતાની સરવાણી ફૂટી નીકળી. થોડો સમય વકીલ રિખવદાસ અમૂલખની પેઢીમાં વકીલાતનું કામ શીખવા લાગ્યા. કાયદાનાં પુસ્તકોનું વાંચન શરૂ કર્યું. અસીલ, દાવો, અપીલ, વાદી-પ્રતિવાદીની વમળભરી અપીલમાં અટવાયેલા બહેચરદાસના આત્માએ અસીલના રૂપમાં દાવો દાખલ કર્યો અને બહેચરને પૂછયું કે તારા જ્ઞાનનો ઉપયોગ સાચાનું ખોટું અને ખોટાને સાચું ઠેરવવા કરવા માગે છે ? પરમાત્માની પ્રાપ્તિનું તારું સાધ્ય આ દુનિયાદારીમાં સાવ ભૂલી જ ગયો ? અંતરના અવાજે બહેચરે અઢળક કમાણી કરી આપતી વકીલાત છોડી. શિક્ષણનો માર્ગ પણ અપનાવી જોયો. એક વાર પોતાના પિતાએ વાવેલા “ખાડિયા’ નામના ખેતરની નજીક આવેલ કાજુમિયાંના ખેતરમાં પહોંચી ગયા. આંબાના વૃક્ષ નીચે બહેચરને જીવનનો માર્ગ મળી ગયો. શંકા અને વિકલ્પોથી ઘેરાયેલું બહેચરદાસનું હૃદય સ્વચ્છ અરીસા જેવું ચમકવા લાગ્યું અને કવિતાના રૂપમાં એમની ભાવના સરી પડી.
મુજ જીવવું નિશ્ચય મુક્ત થવા, પ્રભુ સહાય કરો તુજ પંથ જવા મન દોષની પ્રભુ-જપ છે જ દવા, પ્રગટાવો પ્રભુ તુજ માર્ગ જવા તુજ અકળ ગતિ, નહીં પહોંચે મતિ, પ્રભુ શ્રદ્ધા પ્રેમની મારે ગતિ
“સાચા સાધુ હોવું, ઉચ્ચકોટિના સાહિત્યકાર થવું અને છતાં માનવતાભર્યા
સહૃદયી સમાજસેવક બનવું - એ ત્રણે મહાભાગ્ય બહુ જ થોડી વ્યક્તિઓમાં દૃષ્ટિગોચર થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી એવું સૌભાગ્ય લઈને અવતર્યા હતા.”
- રમણલાલ વ. દેસાઈ