________________
સધર્મ તણા શણગાર
ભૂખી-સૂકી ધરતી આકાશમાં વાદળોને પોકારે છે : “રે મેઘ ! જળ આપ ! શીતળતા આપ ! દાવાગ્નિમાં સળગું છું. મારા ઉજ્જડ બનેલા અંતરને હરિયાળું બનાવ !” - બળ્યો-જળ્યો માનવ વિચારે છે કે વેરાગ્નિમાં જીવનભર બળ્યો છું. માયાએ બાંધ્યો છે. તૃષ્ણાએ તપાવ્યો છે. મદે નચાવ્યો છે. કર્મના ખેલ ખેલ્યો છું! કામ અને ક્રોધે કકળાટ મચાવ્યો છે. આનંદરૂપ જીવન ખુદ બોજારૂપ બન્યું છે. વેર, દ્વેષ, અજ્ઞાન, વહેમ અને સ્વાર્થની મારી તલવાર તો અહિરાવણ અને મહિરાવણ જેવી છે, એ જેટલા શત્રુ સંહારે છે, એટલા જ નવા સર્જે છે !
| ધરતીનો પોકાર અને માનવીની આહ ત્યારે જ શમે છે કે જ્યારે કોઈ આધ્યાત્મિક પુરુષનું આગમન થાય છે. દ્વેષની વાદળીઓ એના પ્રભાવે વીખરાઈ જાય છે. માનવી સ્વાર્થની વેલ પર પરમાર્થનાં ફળ નિપજાવવા માંડે છે. સંસાર કુંભારનો ધગધગતો નિભાડો નહીં, પણ કોઈ શીતલ સરોવર બની જાય છે. અજ્ઞાનનો કાળમીંઢ અંધકાર ભેદાઈ જાય છે અને જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર પથરાય છે. વર્ષોજૂનાં વહેમ અને પાખંડનાં જાળાં જીર્ણ-શીર્ણ થઈ જાય છે ને બુદ્ધિ-પ્રભાથી જનસમુદાય સુષુપ્ત અવસ્થામાંથી જાગે છે. જીવનની દિશાવિહીન સ્થિતિને ઉચ્ચ માર્ગે પ્રયાણ કરાવતી ધ્યાનની અલૌકિક કડી સર્જાય છે.
| વિ. સં. ૧૯૩૦ના મહા વદિ ૧૪ ને મહાશિવરાત્રિના પવિત્ર દિવસે વિજાપુરના કણબીવાસમાં શિવા પટેલને ઘેર બાળક બહેચરનો જન્મ થયો. એ દિવસે શિવા પટેલને ઘેર છાશવારો હતો પણ સહુને છાશને બદલે મીઠું ગોરસ મળ્યું ! ઓતરા-ચીતરાના તાપ પડતા હતા ત્યારે શિવા પટેલ અને અંબાબાઈ બાળકને ખોયામાં સુવાડીને ખેતરમાં કામ કરતાં હતાં. ખોયામાં દોરડા પર નાગ વીંટળાઈ વળ્યો પણ નાગ એ બાળકને ડંખ આપવાને બદલે એનું છત્ર બની ગયો.
સમય સરતો રહ્યો. બાળપણથી જ આ બહેચર બહાદુર હતો. ભૂતપ્રેતથી સહેજે ડરે નહીં. એણે જોયું કે વહેમની વાતોએ પ્રજાને ડરપોક અને માયકાંગલી કરી દીધી છે.
એક વાર બહેચર સાંજના સમયે ભેંસોને ચરાવી પાછો ફરતો હતો. એવામાં બે ભગરી ભેંસો તોફાને ચડી. એક તો ભેંસ અને વળી ભાદરવો ચરેલી એટલે વળી પૂછવું જ શું ? શિંગડે-શિંગડાં અથડાવા લાગ્યાં. જોરથી ફેંકવા લાગી. એવામાં સામેથી એક ઘરડા મુનિ ચાલ્યા આવતા હતા. બહેચરદાસે જોયું કે ચારે પગ ઉલાળતી, શિંગડાં વીંઝતી આ ભેંસ સાધુ મહાત્માને હડફેટે લઈ લેશે. પળબે પળનો જ ખેલ હતો. બહેચરદાસે દોડીને હિંમત અને ચપળતાથી ભેંસનાં શિંગડાં પકડી લીધાં. વીફરેલી ભેંસે નસકોરાં ફુલાવી ભલભલાની હામ ભાંગી નાખે એવો છીંકોટો કર્યો, પણ બળવાન બહેચરદાસની પકડ સહેજ ઢીલી થઈ નહિ. શેરના માથે સવાશેર મળ્યો. ભેંસ બે ડગલાં પાછી હટી એટલે બહેચરદાસે લાકડી હાથમાં લઈને જોરથી વીંઝી અને મુંઝાયેલી ભેંસ જે દિશામાંથી આવી હતી દિશામાં પાછી ભાગી. મુનિરાજે બહેચરની બહાદુરી જોઈ આનંદ અનુભવ્યો. સાધુના દયાર્દ્ર હૃદયમાં વેદના જાગી, જાણે ભેંસને બદલે તેમના પોતાના પર લાકડી વીંઝાઈ હોય તેવી વેદના એમના કરુણાસભર ચહેરા પર પ્રગટ થઈ. દયાના સાગર પોતાના નિમિત્તે કોઈ અબોલ જીવ દુ:ખ પામે, તે કેવી રીતે સહી શકે ? પરિણામે એમના અંતરમાંથી આહ અને આશીર્વાદ એકસાથે નીકળ્યાં. શાંતિ, નમ્રતા અને સાત્ત્વિકતાની મૂર્તિ સમા એ વૃદ્ધ મુનિરાજે ૧૪-૧૫ વર્ષના જોરાવર, સશક્ત યુવાનને કહ્યું,