________________
શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ
સાબરમતીનાં ખળખળ વહેતા નીર, એનો ૨મણીય તીર પ્રદેશ. હરિયાળા ડુંગરા અને માતાની ગોદ જેવી ગુફાઓ અને એની વચ્ચે બેસી સોહંના જાપ જપતો જોગી અદ્ભુત લાગે છે. મનના મેલ ટળ્યા છે. દિલના ડાઘ ગયા છે. દેહનાં અભિમાન ગયાં છે. બાળુડો જોગી જાણે રમણે ચડ્યો છે. અદ્ભુત છે એની એ રમતો !
પેથાપુર ગામ છે. કોઈ વાર પેથાપુરના રુદન ચોતરાની બાજુ ચાલ્યા જાય છે. દૂર દૂર કોતરોમાં ઊતરી જાય છે. એકલા છે. ઝાડીમાંથી અચાનક બે સૂવર નીકળે છે. નાની નાની દંતૂડી માણસને છેદવા પૂરતી છે પણ અહીં કોને ડર છે?
સૂવરો જુએ છે, પેલો બેધડક ચાલ્યો આવતો યોગી ! આવીને સૂવરોની બોડ પાસે એ ધ્યાન ધરે છે. અડધો કલાક વીતી જાય છે. સાધુરાજ ખડા થઈને ચાલતા થાય છે. તા. ૧૭-૧૧-૧૫ની રોજનીશીમાં તેઓ લખે છે, ‘નિર્ભય દશાની પરીક્ષા કરવા ધ્યાન ધર્યું. આત્માની નિર્ભયતા અનુભવી.’
વળી એક ઓર નિર્ભયતાની દશા દેખાય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી પેથાપુરના ગોળીબારના મેદાનમાં પાંચ શ્રાવક સંતાનોને યોગની પ્રક્રિયા શીખવી રહ્યા છે. પોતે સમાધિ લગાવી બેઠા છે. ત્યાં ઓતરાદિ દિશાના વાંધામાંથી ફૂંફાડા મારતો એક સર્પ તેઓશ્રીની નજીક આવી પહોંચ્યો. પાંચે જણા બૂમ પાડી ઊઠ્યા, પણ સૂરિજી ન ડગ્યા. તેમણે હસતાં હસતાં કહ્યું, ‘એ આપણને ઉપદ્રવ કરવા આવ્યો નથી.’ સાપનો બીજો પ્રસંગ શ્રીયુત મોહનલાલ લખે છે. મહુડીની કોતરોનો વાસી મૂછાળો એ સર્પ હતો. શ્રી મોહનલાલ ભાખરિયા ગભરાઈ ગયા. સૂરિરાજે શાંતિથી કહ્યું, ‘અરે, એ તો સંતોની પાસે આનંદ કરે છે. ડર મા !’
છેલ્લા વર્ષોમાં નિત્ય જંગલોનો સહવાસ અને તે પણ નિર્જન જંગલોનો ! શહેરમાં માણસથી માણસ ભટકાય એમ જંગલમાં જાનવરે જાનવર અથડાય ! એકાદ વાર વાંદરાના શિકારે નીકળેલા દીપડા પણ મળેલા. સાધુરાજ નજીક પહોંચતાં જ તેઓ શિકાર છોડી ચાલતા થઈ ગયા.
કોઈક વાર કરુણ દૃશ્ય જોતાં તેઓ વ્યાકુળ થઈ જતા. એક વાર પાદરાના વકીલ શ્રીયુત મોહનલાલ હેમચંદ સાથે માણસાના કોતરોમાં ફરતા હતા. અચાનક એક વાંદરો કૂદતાં ઠેક ચૂક્યો અને કોતરોમાં પડ્યો. સામે છ કૂતરાં દોડ્યાં. સાધુરાજે બૂમ મારી ‘વકીલજી, દોડો દોડો. પેલાં કૂતરાં વાંદરાને ફાડી ખાશે.’
બીજા દોડે એ પહેલાં પોતાનો જબરદસ્ત દંડ ઉપાડી પોતે જ દોડ્યા. રસ્તો સારો ન હોવા છતાં ઠેકતા-કૂદતા ત્યાં આવી પહોંચ્યા. પણ કૂતરાઓએ કામ ખલાસ કર્યું હતું. પીંખી નાખેલા વાંદરા પાસે જઈ કાનમાં પુણ્ય મંત્ર સંભળાવતા સંભળાવતા સૂરિરાજે ગદ્ ગદ્ કંઠે કહ્યું, ‘હે જીવ તારી શુભ ગતિ થાઓ !'
અને સ્વાભાવિક છે કે આટલી નિર્ભય આત્મદશા પ્રાપ્ત કર્યા પછી સ્વાર્થીલું જગત યોગી પાસે કંઈ કંઈ માગવા પણ આવે ! જગત તો સ્વાર્થની પૂજા કરવા રસિયું છે. દેવ હોય કે ડાકણ, સંત હોય કે
23