________________
મેં કર્મયોગ વિશે લખ્યું ન હોત !
ભારતીય સંસ્કૃતિની એક અજોડ વિચારધારા તે કર્મયોગની વિચારધારા છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણના મુખેથી અર્જુનનો વિષાદયોગ દૂર કરવા માટે કર્મયોગનું નિરૂપણ થયું છે. આ કર્મયોગ વિશે શ્રીમદ ભગવદગીતાના શ્લોકો સાથે એને જમાને જમાને મહાત્માઓ, સંતો અને વિચારકોએ વિવેચન કર્યું છે. સ્વામી વિવેકાનંદ, શ્રી મણિલાલ નભુભાઈ, લોકમાન્ય તિલક અને સંત વિનોબા જેવી વ્યક્તિઓ અને બીજા અનેક સાધુ-મહાત્માઓએ આના પર પોતાની દૃષ્ટિથી વિવરણ-વિવેચન કર્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ કર્મયોગની વિચારધારાને દર્શાવતા ગ્રંથ પર વિવરણ કરવાને બદલે પોતે જાતે ૨૭૨ સંસ્કૃત શ્લોકો રચીને
જીવનનો નિચોડ આપ્યો છે અને આ કર્મયોગમાં એમના ગહન તત્ત્વજ્ઞાન અને યોગવિદ્યાના વિશાળ જ્ઞાનનો મધુર સુમેળ નિરખવા મળે છે. આવા ગહન વિષયને આધ્યાત્મિક ભાવનાનો ઊર્ધ્વ રસપૂટ આપીને એની છણાવટ કરી છે અને અધ્યાત્મજ્ઞાન વડે આત્મોન્નતિના ચરમ શિખરે પહોંચવાની ભૂમિકા રચી આપી છે.
૧૯૬૦માં “કર્મયોગ'ગ્રંથ લખવાનો વિચાર કર્યો. ૧૯૭૦માં એના કેટલાક શ્લોકોની રચના કરી અને વિ.સં. ૧૯૭૩ના મહા સુદી પૂનમે રચાયેલા ૧૦૨૫ પૃષ્ઠના આ ગ્રંથમાં પચાસ પૃષ્ઠની તો પ્રસ્તાવના છે અને જૈન આચાર્ય દ્વારા લખાયેલો હોવા છતાં એના અનેકાંતવાદી દૃષ્ટિકોણમાં ગીતાનો જયધ્વનિ અને કરાનની આયાતોનો દિવ્ય નાદ સંભળાય છે. આમાં પ્રવૃત્તિમાં નિવૃત્તિનો સંદેશ પ્રવાહી અને પ્રાસાદિક ગદ્યમાં દૃષ્ટાંત સહિત આલેખવામાં આવ્યો છે.
આ ગ્રંથ જ્યારે તૈયાર થઈને છપાતો હતો, ત્યારે એના છાપેલા ફર્મા લોકમાન્ય તિલકને અભિપ્રાય અર્થે મોકલ્યા હતા, ત્યારે લોકમાન્ય તિલકે લખ્યું, “જો મને શરૂઆતમાં ખબર હોત કે તમે “કર્મયોગ” ગ્રંથ લખી રહ્યા છો, તો મેં કર્મયોગ વિશે લખ્યું ન હોત. આ ગ્રંથ વાંચી હું ઘણો પ્રસન્ન થયો છું. મને આનંદ છે કે ભારત દેશ આવી ગ્રંથરચના કરનાર સાધુ ધરાવે છે.”
સૌજન્ય
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સર્વમંગલ સોસાયટી, જયદીપ ટાવર પાસે, અમદાવાદ