________________
પેઠે ક્રિયા પ્રવૃત્તિમાં પ્રવર્તતા નથી. અધ્યાત્મજ્ઞાનીઓ વ્યવહારનય પ્રમાણે વ્યવહારે બાહ્યથી પ્રવર્તે છે અને અત્તરથી ન્યારા રહે છે. તેથી તેઓ સ્વોચિત ક્રિયાયોગથી ભ્રષ્ટ થતા નથી.
અધ્યાત્મજ્ઞાનીઓના હસ્તમાં ખરેખરો ક્રિયાયોગ (કર્મયોગ) રહેલો હોય છે. ક્રિયા યોગના અસંખ્ય ભેદો છે, તેથી તે વિશે એકસરખી સર્વની પ્રવૃત્તિ અમુક બાબતમાં હોય અથવા ન હોય, તેથી કંઈ ચર્ચાનું કારણ નથી. અધ્યાત્મજ્ઞ મુનિવરો શબ્દના પ્રહારોને સહે છે. જગતના અનેક વાકપ્રહારોને સહન કરીને સ્વકર્તવ્ય કર્મમાં અડગ રહે છે. મૃતક દેહને શુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે કે પુષ્પમાળાઓનું પરિધાન કરવામાં આવે તેમજ તેને અશુચિ દ્રવ્યોનું લેપન કરવામાં આવે, તો તે બંનેમાં તેને કંઈ હર્ષશોક થતો નથી. તે રીતે અધ્યાત્મ જ્ઞાનીઓ જગતની શુભાશુભ વૃત્તિથી મરેલા હોય છે, તેથી તેઓને પૂજવામાં આવે કે નિંદવામાં આવે, તો તે બંનેથી તેમને કંઈ અસર થતી નથી. એવી શબ્દના પ્રતિપાદ્ય અપ્રમત્ત જીવન્મુક્ત મહાત્માની દશા પ્રાપ્ત કરવાને તેવો અભ્યાસ સેવવો જોઈએ કે જેથી અજ્ઞાનથી ભરેલી દુનિયાનું પુનર્જીવન કરી શકાય.
અધ્યાત્મજ્ઞાની ચૈતન્યવાદી છે અને જે આત્મજ્ઞાની નથી તે જડવાદી છે. જડવાદીઓ પોતે આત્માઓ હોવા છતાં જડ વસ્તુમાં સુખની કલ્પનાથી અહમ્ અને મમત્વથી રાગદ્વેષવૃત્તિથી અનેક કર્મને બાંધે છે. આત્મા અને કર્મનું પરિપૂર્ણ સમ્યક્ સ્વરૂપ અવબોધાયું નથી, ત્યાં સુધી મનુષ્ય બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે વિશ્વજીવોની સાથે યુદ્ધ કરે છે અને ભૌતિક ઉન્નતિમાં પોતાનું સર્વસ્વ કલ્પી લે છે. જડવાદી અર્થાત્ નાસ્તિકવાદી ધર્મની ક્રિયાઓ યદ્યપિ કરે છે, તોપણ તે જડવસ્તુઓમાં અહં-મમત્વ વૃત્તિથી તન્મય બનીને રહે છે.
સિકંદર વગેરે બાદશાહોએ આર્યાવર્ત પર સવારી કરીને કરોડો - અસંખ્ય મનુષ્યોનો સંહાર કર્યો. ભલે તેઓ ચૈતન્યવાદી તરીકે પોતાને માનતા હશે પરંતુ તેઓનાં કૃત્યો તો જડવાદીઓથી જુદા નહોતાં એમ કહેતાં વિરોધ આવતો નથી. જે મનુષ્યો સર્વજીવોને પોતાના આત્મસમાન માને છે અને સર્વ જીવોની દયા વગેરેમાં યથાશક્તિ સેવા ધર્મથી પ્રવૃત્ત થાય છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે. - ‘આત્મવત્ સર્વભૂતેષુ, ય પશ્યતિ સ પશ્યતિ’ - એ પ્રમાણે જ્યાં સુધી દૃષ્ટિ થઈ નથી, ત્યાં ચૈતન્યવાદી વા અધ્યાત્મજ્ઞાની બનવાનો ખરેખરો અધિકાર પ્રાપ્ત થતો હોય એમ કહી શકાય નહીં. ચૈતન્યવાદી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્ત સર્વજીવોને સત્તાથી પરમાત્માઓ તરીકે ભાવે છે તેથી તે સર્વજીવો પ્રતિ અહિંસા ભાવથી વર્તી શકે એમાં શું આશ્ચર્ય ? અર્થાત્ કંઈ પણ આશ્ચર્ય નથી.
જિનેન્દ્રોનું કહ્યું સમજો-જિનેન્દ્રોની ગતિ પકડો, પરસ્પર સહાય આપીને – બનો બહાદુર સકલ જૈનો.”