________________
કોઈ મનુષ્ય વિદ્વાન અથવા સત્તાધિકારી હોય, તેટલાથી તે પ્રમાણિક છે એવું કદી માની લેવું નહીં. ગુરુનો શિષ્ય જો પ્રમાણિક હોતો નથી, તો તે કદી ગુરુનું પદ પ્રાપ્ત ક૨વા શક્તિમાન થતો નથી. મનુષ્યના માથે વ્યાવહારિક દૃષ્ટિએ દેશની, સમાજની, સંઘની, કુટુંબની, નાતની, આજીવિકાની, ધર્મની, પરોપકારની અને સત્ય બોલવું વગેરે અનેક જાતની ફરજો હોય છે. જો તે આમાંથી ફક્ત એક ફ૨જ બજાવવામાં પણ પ્રમાણિક રહેતો નથી, તો તે અન્ય ફરજોના પ્રમાણિકપણાથી પણ ધીરે ધીરે ભ્રષ્ટ બનીને અપ્રમાણિકનો શિરોમણિ બને છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રમાણિક ગુણને અવબોધનારા ઉત્સર્ગ અને અપવાદથી વ્યાવહારિક પ્રમાણિક ગુણ અવબોધનારા અને નિશ્ચયથી પ્રમાણિક ગુણને અવબોધનારા મનુષ્યો પ્રમાણિકતાનો ખ્યાલ કરવા શક્તિમાન થાય છે. જ્યાં સુધી પ્રમાણિકતાથી થતા લાભ અને અપ્રમાણિકતાથી થતી સ્વપરની હાનિ વગેરેનો પરિપૂર્ણ અનુભવ ક૨વામાં આવતો નથી, ત્યાં સુધી મનુષ્ય વાસ્તવિક પ્રમાણિક ગુણને પ્રાપ્ત કરવાને માટે શક્તિમાન થતો નથી.
પ્રમાણિક ગુણસંબંધી ભાષણ કરનારાઓ લાખો મનુષ્યો મળી આવશે, પણ પ્રમાણિકપણે વર્તનારા તો લાખોમાંથી પાંચ મનુષ્યો પણ મળે અથવા ન મળે તેનો નિશ્ચય કરી શકાય નહીં. પ્રમાણિકપણે વર્તનારા માર્ગાનુસારિ ગુણને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્ર્યની પ્રાપ્તિ કરીને તે મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે.
આર્યાવર્ત વગેરે દેશોમાં પ્રમાણિકતાનો જો ફેલાવો થાય તો લૂંટફાટ, કલેશ, યુદ્ધ, મારામારીગાળાગાળી, કોર્ટોમાં અનેક પ્રકારના કેસો કુસંપ અને અશાન્તિ વગેરેનો નાશ થાય, એમાં જરા માત્ર સંશય નથી. પ્રમાણિકપણે વર્તવાથી અને બોલવાથી ખરેખરી સ્વની અને અન્ય મનુષ્યોની ઉન્નતિ કરી શકાય છે. પ્રમાણિક મનુષ્ય પોતાના વિચારો અને આચારોથી પ્રમાણિક ગુણનું વાતાવરણ વિશ્વમાં ફેલાવે છે અને તે પ્રમાણિક ગુણના વાતાવરણમાં સંબંધમાં જે જે મનુષ્યો આવે છે, તે તે મનુષ્યોને પ્રમાણિક ગુણની અસર થાય છે.
“મેરા આતમ આનંદ નૂર, અમિરસ છાય રહા. હમ લાલન મસ્ત ફકીર, અગ્નિરસ પાન લહા. બ્રહ્મચિદાનંદમય પ્રભુ રે, નિરખી હુઆ મસ્તાના. બુદ્ધિસાગર આત્મમેં રે, હુઆ પરમ ગુલ્તાના.”
50