________________
પાદવિહાર અને અંતર્યાત્રા
યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની રોજનીશીના કેટલાંક પાનાઓ જોઈએ. આ પૃષ્ઠો પર એમના વિહારના સ્થળોની ગાથા આલેખાઈ છે તો એની સાથોસાથ એમના ચિંતનની યાત્રા પણ રજૂ થઈ છે. આ વિહારમાં તેઓ એ ગામ કે નગરના ઇતિહાસ પર ચિંતન કરે છે. એની સૂક્ષ્મ વિગતો આલેખે છે. પૂર્વે જૈન ધર્મની કેવી જાહોજલાલી હતી તેનું દર્શન કરે છે અને એ રીતે એક જ્ઞાનયોગી. આચાર્યશ્રીનો વિહાર કેવો હોય અને એ વિહાર સમયે એમની રોજનીશીમાં કેવી રસપ્રદ અને અધ્યાત્મપ્રેરક નોંધ થતી હોય એનો જીવંત ચિતાર અહીં મળે છે.
વિહારમાં આવ્યું વડાલી.
સંવત ૧૯૭૧ના પોષ વદ ૧૨, મંગળવાર, તા. ૧૨-૧-૧૯૧૫
વડાલીમાં પોષ વદિ આઠમના રોજ સમહોત્સવ પ્રવેશ કર્યો. વડાલી પ્રાચીન ગામ છે. વડાલીમાં નંબર જૈનોના બે જિનમંદિરો છે અને અમીઝરા પાર્શ્વનાથનું દેરાસર છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર બંને પોતાનો દાવો કરે છે તેથી જે દેરાસર માટે ભવિષ્યમાં તકરાર થવાનો સંભવ રહે છે. અમીઝરા પાર્શ્વનાથની પાસે જૈન શ્વેતાંબરીય મૂર્તિ છે. હાલ જે રીખવદેવનું દેરાસર છે તે સં. ૧૯૪૪ની સાલ લગભગમાં થયું છે.
શ્રી ઋષભદેવનું દેરાસર જ્યાં બાંધવામાં આવ્યું હતું ત્યાં પહેલાં એક જૂની ભાગેલી તૂટેલી ધર્મશાળા હતી તે ધર્મશાળાને દેરાસર માટે ખોદવામાં આવી ત્યારે નીચેથી ભાગેલા શિખરવાળું દેરાસર નીકળ્યું તેથી અનુમાન થાય છે કે આ વડાલી ઘણું પ્રાચીન હોવું જોઈએ. શ્રી શાંતિનાથનું ભોંયરું જૂનું માલૂમ પડવાથી જ્યારે તે ખોલીને સાફ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી મનુષ્યનું હાડપિંજર નીકળ્યું હતું. આ ગામમાં ઋષભદેવના દેરાસર નીચે દેરાસર નીકળ્યું તેથી એમ સિદ્ધ થાય છે કે પૂર્વે અહીં ગામ વસેલું હશે તેના કરતાં જમીનનું તળિયું ઊંચું ચઢેલું હોવું જોઈએ.
વડાલી ગામથી પશ્ચિમે એક મોટું જૈન દેરાસર હતું અને તે ઘણું ઊંચું હતું તેના વિશે ઘરડા મનુષ્યો વાતો કરે છે કે તે દેરાસરની છાયા એક ગાઉ સુધી પડતી હતી. આ ઉપરથી એટલું તો સિદ્ધ થાય છે કે તે દેરાસર પ્રાચીન, મોટું અને ઊંચું હોવું જોઈએ. દિગંબરોના મંદિરથી એમ અનુમાન થાય છે કે પૂર્વે આ ગામમાં દિગંબર જૈનોની વસતિ હતી પણ શા કારણથી તેઓનાં ઘર ન રહ્યાં તે સંબંધી અનેક તર્કોથી અનુમાન કરી નિશ્ચય પર આવવાની જરૂર છે. દિગંબર જૈનો પર કોઈ રાજા વા મુસલમાન અમીર તરફથી જુલ્મ ગુજર્યો હોય તેથી તેઓ ભાગી ગયા હોય એવો સંભવ રહે છે અથવા પાટણના જૈન રાજાઓના વખતમાં જૈનોનું જોર વધવાથી શાસ્ત્રાર્થ પ્રસંગે તેમની હાર થયા બાદ તેમની વસતિ ટળવાનો પ્રસંગ આવ્યો હોય અથવા તેમની વસતિ મરણાદિથી નષ્ટ થઈ હોય, એમ અનુમાન થાય છે.
— S 1
—