________________
પ્રમાણિકપણામાં દૃઢ રહે છે અને પ્રમાણિકપણાના રક્ષણ માટે ગરીબત્વને માન આપી વર્તે છે. અનેક પ્રકારના ઇલકાબોને તાબે થવાના કરતાં પ્રમાણિકપણાને અંતઃકરણથી ઇચ્છવું જોઈએ . પ્રમાણિકપુરુષના મનમાં જેવું હોય છે તેવું વચનમાં હોય છે અને તેવું કાયામાં વર્તે છે.
આ વિશ્વમાં કોઈના ઉપર જો વિશ્વાસ મુકવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે તો પ્રથમ પ્રમાણિક મનુષ્ય પર વિશ્વાસ મૂકવાના વિચારને અંગીકાર કરવામાં આવે છે. પ્રમાણિક વ્યક્તિએ જે જીવ્યું, તે જ જીવ્યું. બાકી અપ્રમાણિક જીવન જીવનારા તો વિશ્વમાં કરોડો મનુષ્યો છે, તેનાથી કંઈ જગતનું કલ્યાણ અને આત્માનું કલ્યાણ કરી શકાતું નથી. | ગમે તે રાજા હોય , શેઠ હોય, સાધુ હોય અથવા કલાવંત હોય, પરંતુ ગમે તે અવસ્થામાં પ્રમાણિકતા જો હોતી નથી તો તે અવસ્થાની કંઈ કિમ્મત પણ ગણી શકાય નહીં. આ વિશ્વની વ્યાવહારિક અને ધાર્મિકોન્નતિમાં પ્રમાણિકત્વથી જે લાભ થાય છે તેટલો લાભ અન્ય રીતિએ થતો નથી. પ્રમાણિક મનુષ્ય આત્મોન્નતિમાં વિદ્યુત ગાડીની પેઠે આગળ વધે છે. પ્રમાણિક જીવનની અમૂલ્યતા સદા સર્વત્ર સર્વથા અવબોધવી, પ્રમાણિક મનુષ્ય જે પ્રતિજ્ઞાથી બંધાય છે તેનાથી કદાપિ ભ્રષ્ટ થતો નથી. પ્રમાણિક મનુષ્ય કદાપિ વચનનો ભંગ કરી શકતો નથી અને હરિશ્ચંદ્ર રાજાની પેઠે જગતમાં પ્રમાણક ગુણથી અમર રહે છે. મૌન રહેલા પ્રમાણિક મનુષ્યના વર્તનથી જેટલી અસર થાય છે, તેટલી અન્ય અપ્રમાણિક મનુષ્યોના કરોડો ઘણા પોકારોથી કંઈ પણ અસર થતી નથી એમ નક્કી સમજવું. ખરેખર આ વિશ્વમાં પ્રમાણિક મનુષ્ય પ્રતિષ્ઠા, કીર્તિ અને સત્તાને પ્રાપ્ત કરવાને શક્તિમાન હોય છે. - જે દેશમાં પ્રમાણિક મનુષ્યો હોય છે તે દેશ સ્વતંત્રતાથી અને ઉન્નતિથી શોભી રહે છે. રાષ્ટ્રની ઉન્નતિ, ધર્મની ઉન્નતિ, સમાજની ઉન્નતિ વગેરે ઉન્નતિઓનો આધાર પ્રમાણિકપણા પર છે. પ્રમાણિક ગુણ વિના સંઘબળ-દેશબળ-જાતિબળ અને ધર્મબળ ટકી શકતું નથી. જે મનુષ્ય પોતાની ફરજ પ્રમાણિકપણે બજાવે છે, તે મનુષ્ય ગમે તે વર્ણનો હોય અથવા ગમે તેવી સ્થિતિમાં હોય, તોપણ તે ઉચ્ચ અને પ્રમાણિક છે એમ સમજવું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણનો અધ:પાત થવાનું કારણ પ્રમાણિકપણામાં ખામી એ જ અવબોધવું.
આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ ખરેખર પ્રમાણિક ગુણથી વિમુખતા થવી એ જ છે. પ્રમાણિકપણામાં ખામી આવતાં આત્મબળ ઘટે છે અને જગતના સત્ય- વ્યવહારનો નાશ થાય છે. પ્રમાણિકપણામાં ખામી આવતાં કુસંપ, કલેશ, અવ્યવસ્થા, યુદ્ધ , વિશ્વાસઘાત વગેરે દુર્ગુણો ઉત્પન્ન થાય છે અને તેથી આત્માની અને અન્ય મનુષ્યોની અવનતિની સાથે સંઘ, સમાજ, નાત વ્યાપારવિદ્યા, રાજ્ય, દેશ, ધર્મ વગેરેની અવનતિ થાય છે.
“આતમજ્ઞાની હોય તો હમકું, આતમ રૂપે જાને, બુદ્ધિસાગર દિલમેં પરગટ, પરમેશ્વરકું પ્રમાને.”