________________
અધ્યાત્મયોગીની નજરે આત્મજ્ઞાનીનો પંથ
યોગનિષ્ઠ આચાર્યશ્રી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ એમના સમયકાળમાં અવધૂત આનંદઘનજીની માફક અધ્યાત્મ યોગનો આહલેક જગાવ્યો. એ આધ્યાત્મિકતાથી સાધકમાં કેવું પરિવર્તન આવે છે અને કેવી મસ્તી જાગે છે એનો એમણે ખ્યાલ આપ્યો. વળી એ અધ્યાત્મભાવના, વિચારો ભાવના અને વાણીમાં કેવી રીતે પ્રકાશી રહે છે એનો એમણે એમના જીવન અને લેખનથી પરિચય આપ્યો. એમની ૧૦૮ ગ્રંથોની સૃષ્ટિ પર નજર કરીએ તો પણ એમાં અધ્યાત્મગીતા, અધ્યાત્મશાંતિ, અધ્યાત્મ ભજનસંગ્રહ અને સાથોસાથ આત્મપ્રકાશ, આત્મપ્રદીપ, આત્મતત્ત્વદર્શન, આત્મશક્તિદર્શન જેવા ગ્રંથો મળે છે. આ વિરલ અધ્યાત્મદર્શન વિશે વિ. સં. ૧૯૭૧ના કરતક સુદ ૧૦ને બુધવારે (તા. ૨૮-૧૦૧૯૧૪)ના રોજ એમણે પોતાની રોજનીશીમાં આ વિશેના વિચારો પ્રગટ કર્યા છે. એ વિચારો અહીં આલેખવા સાથે એનું ગંભીર ચિંતન અને મનન સહુ કોઈને આત્મજ્ઞાનની ઉજ્વળ દિશા બતાશે.
સંવત ૧૯૭૧ના કારતક સુદ ૧૦ બુધવાર તા. ૨૮-૧૦-૧૯૧૪ની નોધ
અધ્યાત્મશાસ્ત્રોને વાંચવાથી કે શ્રવણ કરવાથી અથવા અધ્યાત્મજ્ઞાનનું કિંચિત્ સ્વરૂપ અવબોધવા માત્રથી અધ્યાત્મ જ્ઞાનનું પરિણમન થતું નથી. અધ્યાત્મ તત્ત્વજ્ઞાતા થઈ શકાય, પરંતુ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સુખદુ:ખનાં ઢંઢથી વિમુક્ત થવું અને હૃદય પર કોઈ પણ શુભાશુભત્વની અસર ન થવા દેતાં સાક્ષી તરીકે રહી આત્માના ગુણોએ આત્મામાં પરિણમવું એ અનન્ત ગુણ દુષ્કર કાર્ય છે. અધ્યાત્મ જ્ઞાનમાં પરિણમતાં આત્મા વિનાની અન્ય વસ્તુઓનું અહ-મમત્વ જતું રહે છે - હાડોહાડ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયા વિના નિરૂપાધિમય નિઃસંગ નિવૃત્તિમય જીવન પ્રાપ્ત થઈ શકતું નથી.
પૂર્વના મુનિવરોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી ખુમારી લાગી હતી અને હાડોહાડ ચોલમજીઠના રંગની પેઠે આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયું હતું, તેથી તેઓએ માયાના ઉપર પોતાનો પગ મૂક્યો હતો અને અનેક ઘોર પરિષહ સહવાને સમર્થ થયા હતા. ગજસુકુમાલ, સ્કંધક સૂરિના શિષ્યો, મેતાર્યમુનિ વગેરેનાં દૃષ્ટાંતો એમ જણાવે છે કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં ખરેખરનું પરિણમન થયા વિના ભાવચારિત્ર નિશ્ચયચારિત્ર્યપણે આત્મા પરિણામ પામી શકતો નથી.
અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થવાથી ત્યાગ, દાન, ક્ષમા, દયા વગેરે ગુણો ખરી રીતે પ્રગટી શકે છે. આત્માને સર્વ જડ વસ્તુઓથી અને દેહાધિ જડથી ભિન્નપણે અનુભવવામાં આવે છે, એટલે સર્પની કાંચળીની પેઠે આપોઆપ કર્મનાં આવરણો વીખરવા લાગે છે અને નિરાવરણ સૂર્યની પેઠે આત્મા સર્વજ્ઞાનાદિ શક્તિઓ વડે પ્રકાશી શકે છે. આત્મજ્ઞાન થયા બાદ કીર્તિ અને અપકીર્તિની અસર આત્મા પર ન થાય એવો અભ્યાસ પાડવો જોઈએ. કોઈ ગાળો દે અને કોઈ સ્તુતિ કરે તોપણ નામરૂપની