________________
સરસ્વતીની સાધના
૧૦૮ ગ્રંથોના રચયિતા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ જૈન સાધુની જીવનચર્યાનું નખશિખ પાલન કરવાની સાથોસાથ અને ધ્યાન-સમાધિમાં દીર્ઘ કાળ પસાર કરવાની સાથોસાથ ૧૦૮ અમર ગ્રંથશિષ્યોનું સર્જન કર્યું. યોગનિષ્ઠ આચાર્યશ્રી ગ્રંથલેખન માટે એકાંત પસંદ કરતા હતા અને જ્યારે જ્યારે વિજાપુર કે મહુડી હોય, ત્યારે ભોંયરામાં બેસીને પલાંઠી વાળી, ઘૂંટણ પર ડાયરી ટેકવીને લેખન કરતા હતા. ક્યારેક પ્રાતઃકાળે તેઓ ગ્રંથરચના કરવા બેસતા હતા, તો ક્યારેક બપોરની ગોચરી પછી લખવા બેસી જતા હતા. આચાર્યશ્રી લેખન કરે, ત્યારે પેન્સિલ તૈયાર રાખતા હતા અને દિવસભરના લેખન દરમિયાન દસથી બાર પેન્સિલ વપરાતી હતી. ક્યારેક એ બરુની કલમથી પણ લેખન કરતા હતા. એવું પણ બનતું કે ઉપાશ્રયના એકાંત ખૂણે લખતા હોય, ત્યારે કોઈ શ્રાવક કે જિજ્ઞાસુ આવે તો તે યોગનિષ્ઠ આચાર્યશ્રીને નિઃસંકોચ મળી શકતા હતા. આચાર્યશ્રી એમની વાત સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપતા હતા અને જેવા એ વિદાય થાય કે તરત જ પુનઃ લેખનમાં પ્રવૃત્ત થઈ જતા હતા. જ્ઞાનોપાસના પ્રત્યે એમનો એટલો ભાવ હતો કે જીવનના અંતિમ દિવસોમાં પણ એમને એમની મહેચ્છા વિશે કોઈએ પૃચ્છા કરતાં કહ્યું હતું કે- “મારું લેખન કાર્ય તો મારી જિંદગીના અંત સુધી લગભગ ચાલુ જ રહેશે.'
- સૌજન્ય
@ શ્રી સેટેલાઈટ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ
સેટેલાઈટ, અમદાવાદ
— U 39
–