________________
ભાવનગર સમાચાર નામના ભાવનગરથી નીકળતા અઠવાડિકના તંત્રી શ્રી જયંતિલાલ મોરારજી મહેતાને તો સૂરિજીના યોગ-પ્રભાવનો સાક્ષાત્ અનુભવ થયો હતો, એમણે સૂરિજીને યોગવિદ્યાની તાકાત બતાવવા કહ્યું ત્યારે સૂરિજીએ પોતાની પ્રાણશક્તિ બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને બતાવી. તેમનું શરીર તંગ થઈ ગયું. પગનાં આંગળાં સાવ સીધા થઈ ગયાં. જયંતીભાઈએ જોયું તો નાડી બંધ હતી, હૃદયના ધબકારા સંભળાતા નહોતા. શ્વાસોશ્વાસની ક્રિયા પણ બિલકુલ થંભી ગઈ હતી. ધીરે ધીરે એ સપાટ અને નિચ્ચે ષ્ટ લાગતું શરીર ચારેક આંગળ ઊંચે આવ્યું. આ દૃશ્ય જોઈને જયંતીભાઈ સ્તબ્ધ જ થઈ ગયા.
*
*
એક વાર આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિ એમના શિષ્યોને વિજાપુરના ઉપાશ્રયમાં કોઈ સૂત્ર સમજાવતા હતા. એકાએક તેઓ બોલતા બંધ થઈ ગયા. હથેળીઓ ઘસવા લાગ્યા. પાંચ મિનિટ સુધી તઓ આમ હથેળીને એકબીજા સાથે ઘસતા રહ્યા. તેઓને આ રીતે હથેળી ઘસતા જોઈ એક શિષ્ય જિજ્ઞાસાથી પૂછયું, ‘આપની હથેળીમાં ખંજવાળ આવતી લાગે છે. ખસ કે ખરજવું આપને પજવી રહ્યું છે કે શું ?'
સૂરિજીએ હસતાં હસતાં કહ્યું, “ના રે ના. મને કશું થયું નથી. આ તો શત્રુંજયમાં ભગવાનના દેરાસરનો ચંદરવો એકાએક સળગી ઊઠ્યો હતો. પવનના સુસવાટાને કારણે પળવારમાં મોટી આગ લાગે તેવું હતું. આથી બંને હાથની હથેળીઓ મસળીને એ સળગતો ચંદરવો બુઝાવી દીધો હતો.” | શિષ્યો તો ગુરુની વાત સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયા. વિજાપુરના ઉપાશ્રયમાં બેઠા બેઠા કઈ રીતે બસો માઈલ જેટલા દૂર આવેલા શત્રુંજયના દેરાસરનો ચંદરવો બે હથેળી ચોળીને ઓલવી નાખ્યો હશે ? કેટલાક શિષ્યોએ આની સચ્ચાઈની ખાતરી કરવા માટે ઝીણવટભરી તપાસ કરી. એમને જાણવા મળ્યું કે બરાબર જે સમયે ગુરુજીએ હથેળીઓ મળી હતી, તે જ સમયે શત્રુંજયના દેરાસરનો ચંદરવો સળગ્યો હતો. તે ઉપરાંત એમ પણ જાણવા મળ્યું કે એ આગ એકાએક ગેબી રીતે ઓલવાઈ પણ ગઈ હતી.
- આચાર્યશ્રી શ્રી બુદ્ધિસાગરસૂરિ પાસે બ્રહ્મચર્યનો મહાન પ્રતાપ હતો. હૃદયના વાત્સલ્યનું અખૂટ ઝરણું વહેતું હતું. આત્માનું દિવ્ય સામર્થ્ય એમની પાસે હતું. આ બધું જ્યાં ભેગું મળે ત્યાં જે કાર્ય થાય તે આજે કદાચ ચમત્કાર લાગે . હકીકતમાં આ ચમત્કાર એ તો આત્માની પ્રબળ તાકાતમાંથી આપોઆપ સર્જાતી સહજ પ્રક્રિયા હતી. સૂરિજીને માટે એ માન ખાટવાનું કે દામ પામવાનું સાધન નહોતું. આત્મામાં આપોઆપ સત્યની જે અનુભૂતિ થતી તે પ્રગટ થતાં સામાન્ય માણસને ચમત્કાર સમી લાગતી. સાચી પ્રતિભા એ સ્વયં ચમત્કાર છે !
યોગનિષ્ઠ આચાર્યશ્રીએ ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષામાં ઉત્કૃષ્ટ ગ્રંથ સર્જનો કર્યા છે. સંસ્કૃતમાં એમણે વીસ કાવ્યસર્જનો કર્યા છે અને ગુજરાતી ભાષામાં કુલ ૩૦૦૦ કાવ્યો રચ્યાં છે.